બે શિફ્ટમાં ફરજ નિભાવીને સતત પેટ્રોલીંગ કરતી દુર્ગા શક્તિ ‘SHE’ ટીમ

આશરે 85 હજારથી વધુ વિદ્યાર્થીઓને જાતીય સલામતી માટે જાગૃત કર્યા: યુવાધને જીવનના ધ્યેયથી ભટકાવી દે તેવો અતિશિયોક્તિભર્યો સોશિયલ મીડિયાનો વપરાશ ટાળવો જોઇએ: મુક્તાબેન સોંદરવા

“નારી એ નારી છે, એ ન ક્યારે હારી છે, ના આજે ના કાલે, એ તો દુષ્ટો પર ભારી છે, એજ તો દેવોની આગાહી છે.” આ પંક્તિ વાંચતાની સાથે જ એટલો ખ્યાલ આવી જાય કે નારી રત્નોની  અસીમ શક્તિઓ આદીકાળથી સર્વશ્રેષ્ઠ રહી છે. આજે 21મી સદીમાં પણ નારીઓ દરેક ક્ષેત્રમાં પુરૂષો સાથે તાલ મિલાવીને સિદ્ધીઓ હાંસલ કરી રહી છે. ત્યારે આજે વાત કરવાના છીએ એવી જ શક્તિ સ્વરૂપાઓની જેઓ બાળકો, મહિલાઓ અને વડીલોની શારીરિક અને માનસિક સુરક્ષા સુનિશ્ચિત કરીને મલ્ટીપલ રોલ નિભાવીને સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ રૂપ બની રહી છે. રાજ્ય સરકારે મહિલાઓની સુરક્ષા માટે અનેકવિધ પાસાઓ પર કામ કર્યું છે. જેમાં કાયદાકીય દ્રષ્ટિએ દરેક જિલ્લામાં “SHE” ટીમની રચના. ત્યારે રાજકોટ શહેરની દુર્ગા શક્તિ “SHE” ટીમ વાત કરીએ તો એ બાળકોની મિત્ર, મહિલાઓની સખી અને વડીલોની દીકરી બનીને તેમની સુરક્ષા કરી રહી છે.

રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન હેઠળની “SHE” ટીમના ઈન્ચાર્જ રોજીબાનું શાહમદારએ પોતાની કામગીરી અંગે ચિતાર આપતાં કહ્યું હતું કે, રાજકોટ સીટીમાં “SHE” ટીમ હેઠળ આશરે 20 થી વધુ મહિલાઓ સવારના 6 થી 2 અને બપોરના 2 થી  10 વાગ્યા સુધી એમ બે શિફ્ટમાં કામ કરે છે. “SHE” ટીમને પાંચ બોલેરો ફાળવવામાં આવી છે જેમાં 2 “SHE” ટીમના સભ્ય અને 1 મહિલા પોલીસ સતત પેટ્રોલીંગ કરીને મહિલાઓની સુરક્ષા અર્થે કામ કરી રહી છે.”SHE” ટીમ દ્વારા અત્યાર સુધીમાં 50થી વધુ શાળાઓ અને 30થી વધુ કોલેજોમાં જાતિય સુરક્ષા, સાયબર ક્રાઈમ, સોશિયલ મીડિયા અવેરનેસ અને સેલ્ફ ડીફેન્સના જાગૃતિલક્ષી કાર્યક્રમો કરવામાં આવે છે. આ ઉપરાંત કોલેજોમાં ખાસ કિશોરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ પર ભાર આપીએ છીએ. શાળાઓમાં 85 હજારથી વધુ બાળકોને ગુડ ટચ-બેડ ટચની સમજ આપવામાં આવી છે. આ ઉપરાંત ભિક્ષુક બાળકોની માહિતી મેળવીને તેમને ચિલ્ડ્રન ફોર હોમમાં મોકલીએ છીએ. વધુમાં ગર્લ્સ હોસ્ટેલ, વૃધ્ધાશ્રમો, જાહેર જગ્યાઓ, સોસાયટી અને અવાવરૂં સ્થળોએ પણ પેટ્રોલીંગ કરવામાં આવે છે તેમ રોજીબાનુંએ ઉમેર્યું હતું.

કિશોરીઓની સલામતીને લઈને ઉભી થતી સમસ્યાઓ વિશે પોતાનો અનુભવ રજુ કરતાં મુક્તાબેન સોંનદરવાએ જણાવ્યું હતું કે, આજની યુવા પેઢીઓ સોશિયલ મીડિયા પર ભારે એક્ટીવ છે. જીવનના ધ્યેયથી ભટકાવી દે તેવો અતિશયોક્તિ ભર્યો સોશિયલ મીડિયાનો વપરાશ ટાળવો જોઈએ. સામાન્ય નોકરીની લાલાચ,  કોઈ સારી વાત કરે તો લાગણીઓમાં વહીને આંધળો વિશ્વાસ કરી મુકતી હોય છે. ત્યારે યુવતીઓને એક જ અપીલ છે કે કોઈપણ અજાણી વ્યક્તિઓ પર આંધળો વિશ્વાસ ન કરે. ઘરની બહાર નીકળીએ તો માતા-પિતાને જાણ કરીને નીકળીએ.

દુર્ગા શક્તિ ટીમના અન્ય બે મહિલા સદસ્ય કિરણબેન અને દક્ષાબેનએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલા માટે 181 હેલ્પલાઈન નંબર છે પરંતુ તેઓ 100 નંબર ઉપર ફોન કરશે તો પણ અમને કંટ્રોલ રૂમ મારફત જાણ કરવામાં આવશે અને તેમના બચાવ માટે તાત્કાલિક ધોરણે પહોંચી જશું  તેમજ રાજકોટ દુર્ગા શક્તિ “SHE” ટીમની આજે 50 જેટલી સહેલીઓ છે. જેઓ અન્ય કોઈ મહિલા મુશ્કેલીમાં ફસાઈ હોય તો તેમના વતી અમને જાણ કરે છે અને દુર્ગા શક્તિ ટીમની કામગીરી અંગે જાગૃત કરે છે. વધુમાં રાજકોટ સીટી પોલીસ દ્વારા મહિલા સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં 100 નંબર ઉપર ફોન કરે તો તેમને સલામત ઘરે પહોંચાડવામાં આવે છે.આમ રાજકોટ શહેરની દુર્ગા શક્તિ “SHE” ટીમ મલ્ટીપલ રોલ નિભાવીને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ઉમદા કામગીરી કરી રહી છે.