- બ્રહ્મસમાજનું ગીત પણ લોન્ચ કરાશે: કલા, મીડિયા અને વ્યવસાયિક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કાર્ય કરતા પત્રકારો, મહાનુભાવોનું સન્માન તથા પરિચય મેળાનુ આયોજન
બ્રહ્મસમાજની વિરાટ સંસ્થા દુર્ગાધામ દ્વારા તા.9 ને રવિવારે સનાતનનો શંખનાદ,કલા, મીડિયા અને વ્યવસાયિક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કાર્ય કરતા મહાનુભાવોનું સન્માન તથા પરિચય મેળાનુ આયોજન ગોરાણી ક્લબ એન્ડ રિસોર્ટ ભામસરા-કાણોતર રોડ, તા. બાવળા, જિ. અમદાવાદ ખાતે સવારે 9 વાગ્યાથી કરાયું છે.
આ કાર્યક્રમમાં 10 જેટલા ધારાસભ્યો, 100 જેટલી જ્ઞાતિઓના પ્રતિનિધિઓ સહિત સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓ, ધાર્મિક નેતાઓ, સામાજિક કાર્યકરો અને યુવાનો, ગુજરાતનાં ઈતિહાસમાં પ્રથમવાર અંદાજીત 100 જેટલી જ્ઞાતિ અને અંદાજિત 15,000 જેટલા ભુદેવો એકત્ર
ઉપસ્થિત રહેશે.તેમ દુર્ગાધામના વડા ભાવેશ રાજ્યગુરુએ જણાવ્યું હતું.
સનાતનનો શંખનાદ કાર્યક્રમનો હેતુ સનાતન ધર્મના સિદ્ધાંતો, જ્ઞાતિ સંસ્કાર અને પરંપરાગત મૂલ્યો મજબૂત બનાવવાનો છે.રામમંદિર નિર્માણ, ત્રણ તલ્લાકનો નિર્ણય,વકફ બોર્ડમાં સંશોધન,370 કલમથી કાશ્મીરમાં મુક્તિ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહને અભિનંદન આપવા ધન્યવાદ પ્રસ્તાવ પણ આ પ્રસંગે રજૂ કરાશે.
આ ઉપરાંત દીકરીનાં લગ્નની ઉંમર 18 ને બદલે 21 વર્ષ કરવા અંગે ચર્ચા કરીને ઠરાવ મૂકવામાં આવશે. આંતરજાતીય લગ્ન અટકાવવા માટે જ્ઞાતિસંસ્કાર યજ્ઞના આયોજન માટેની પણ આ પ્રસંગે ચર્ચા કરાશે. આ કાર્યક્રમમાં સરકારને ત્રણ મુદ્દા ઊપર વિચારણા કરવા અપીલ કરવામાં આવશે. હિન્દુઓની દિકરીને વિધર્મીઓ ફસાવી રહ્યા છે ત્યારે “સધર્મી લગ્ન કાનુન” લાવવો અત્યંત જરૂરી છે.લગ્ન તેમજ છૂટાછેડાની બાબતમાં ઘણીવાર ચીટીંગ થતુ હોય છે આ માટે ઓનલાઇન ડેટા સાર્વજનિક કરવા પોર્ટલ બનાવવામાં આવે તેવી માંગણી છે. સંસ્થા દ્વારા “પરિચયથી પરિણય” પસંદગી મેળાનું પણ આયોજન કરાયું છે. 11 દેશો અને 13 પ્રદેશોના બ્રાહ્મણ પરિવારોનું પ્રથમ સંમેલન તેમજ સ્થળ પર 200 મીટિંગનું પણ આયોજન કરાયું છે.
દુર્ગાધામના વડા ભાવેશ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે મોટી વયે થતાં લગ્નો રોકવામાં સકારાત્મક પરિવર્તન લાવવામાં પ્રયાસરૂપે 25 વર્ષની ઉંમરે લગ્ન કરનાર 100 દીકરીઓને ગોરાણી રિસોર્ટ ખાતે રહેવા-જમવાની નિ:શુલ્ક સુવિધા અપાશે.તેમ વિશ્વાસ શુક્લની યાદીમાં જણાવ્યું છે.