આવતીકાલે દશેરા: આટલા લોકોથી વધુ એકઠા થશે તો તહેવારની ‘મજા’ બગડશે..!!

કોરોના કાળમાં પણ આ વખતે સરકારે પ્રતિકાત્મક છૂટ આપી: પ્રાચીન ગરબીએ કરી જમાવટ: 400 લોકોની હાજરીમાં કાલે થઈ શકશે રાવણ દહન

માઈ ભકતોએ આઠ નોરતાની કરી શ્રધ્ધા સાથે ઉજવણી: શારદીય નવરાત્રિનું હિન્દુ શાસ્ત્રોમાં ખૂબ મહત્વ

 

અબતક,રાજકોટ

માતાજીના નવલા નોરતાની આજે પૂર્ણાહુતી થઈ રહી છે આવતીકાલે દશેરાનું પર્વ શ્રધ્ધા અને ધામધૂમથી ઉજવવામાં આવશે.

માઈભકતો માટે ભકિતભાવના દિવસો એટલે નવલા નોરતા. નવ દિવસ સુધી અનુષ્ઠાન જપતપ અને ગરબા ગાઈને અસંખ્ય શ્રધ્ધાળુઓ નવરાત્રી પર્વની ભાવભરી ઉજવણી કરતા હોય છે. હિન્દુ મહિનાઓ પ્રમાણે અલગઅલગ નવરાત્રી આવે છે તેમાં શારદીય નવરાત્રી એટલે કે આસોમહિનાના પ્રથમ નવ દિવસનું ખૂબ મહત્વ છે આ નવ દિવસ દરમિયાન ભાવિકો અનુષ્ઠાન કરતા હોય છે.

આ વખતે એક નોરતું ઓછુ હોઈને નવને બદલે આઠ જ નોરતા આવ્યા છે. હિન્દુ પંચાગ પ્રમાણે દિવસોની વધઘટ સરભર કરવા કયારેક એક તીથીનો ક્ષય તો કયારેક એક તીથીનો ઉમેરો થતો હોય છે. એ હિસાબે આ વખતે એક નોરતુ ઓછુ હતુ જેને કારણે આજે આઠમા દિવસે જ નવરાત્રી પૂરી થશે.

આવતીકાલે રાવણ દહન એટલે કે દશેરાનું પર્વ ભાવથી ઉજવાશે. ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજાશે અને લોકો જલેબી સહિતની મીઠાઈ આરોગીને દશેરા ઉજવશે. આમ તો ભગવાન શ્રી રામચંદ્રજીના આયોધ્યા પરત ફરવાના ઉત્સવ રૂપે આ પર્વ ઉજવાતું હોય છે.છેલ્લા દોઢ વર્ષથી કોરોના કાળ ચાલતો હોય ગયે વર્ષે તો નવરાત્રી કે રાવણ દહનની છૂટછાટ મળી ન હતી. પરંતુ આ વખતે કોરોના હળવો થયો હોય સરકારે પ્રતિકાત્મક છૂટછાટ આપી છે જેના ભાગ રૂપે બાળાઓની પ્રાચીન ગરબી 400 લોકોની મર્યાદા સાથે ઠેર ઠેર યોજાઈ છે તો આવતીકાલે રાવણ દહન માટે પણ 400 લોકોની છૂટ સાથે ઉજવણી થશે. એટલે કોરોના કાળમાં પણ લોકો ભકિતભાવથી આપણા પર્વોની ઉજવણી કરી શકે છે.