Abtak Media Google News

બેટ દ્વારકામાં સુન્ની વકફ બોર્ડ કોઇ જમીન પર માલિકીનો દાવો કેવી રીતે કરી શકે?, કૃષ્ણ ભક્તો, વૈષ્ણવોમાં આક્રોશ, નારાજગી

દ્વારકા, બેટ દ્વારકા અને ઓખા મંડળ સહિત સમગ્ર દેશના કૃષ્ણ ભક્તો, વૈષ્ણવો અને હિન્દુ સમાજમાં જબર્દસ્ત નારાજગી અને આક્રોશ જન્માવ્યાં છે. એક અહેવાલ મુજબ સુન્ની વકફ બોર્ડ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર તીર્થ ધામ બેટ દ્વારકાના બે ટાપુઓની માલિકીનો દાવો કરતી એક લેખિત અરજી ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.આ મીડિયાના અહેવાલ મુજબ જસ્ટિસ સંગીતા વિશેનની કોર્ટમાં તેની સુનાવણી થઇ હતી.

જો કે હાઇકોર્ટે આ અરજી સાંભળતાં જ તેને નામંજૂર ઘોષિત કરી વકફ સમિતિને વળતો પ્રશ્ન કર્યો કે તમને ભાન છે તમે શું કહી રહ્યા છો? કૃષ્ણનગરીમાં વકફ બોર્ડ જમીનની માલિકીનો દાવો જ કેવી રીતે કરી શકે? આમ કહીને કોર્ટે અરજી વધુ સાંભળવાની જ ના કહી દીધી હતી અને અરજી વાંચી ફરીથી નવી અરજી વેકેશન કોર્ટમાં સુપ્રત કરવા કહ્યું હતું. આ અહેવાલ વાયરલ થતા ચિંતા, નારાજગી અને આક્રોશનું મોજું ફરી વળ્યું હતું.

આ અંગે દ્વારકા દેવસ્થાન સમિતિના આશરે 15 વર્ષ સુધી ઉપાધ્યક્ષ રહી ચૂકેલા અને વર્તમાન રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હજારો વર્ષો પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ ઉત્તર પ્રદેશના મથુરાથી ગુજરાતમાં દ્વારકા આવ્યા. દ્વારકાને તેમણે પોતાની રાજધાની તરીકે સ્થાપિત કરી અને દ્વારકાધીશ કહેવાયા. રાજકાજ દ્વારકાથી અને બેટ દ્વારકામાં નિવાસ તે ભગવાન શ્રીકૃષ્ણનો અતિ પ્રાચીન, પૌરાણિક અને સાચો ઇતિહાસ છે. તેને કોઇ નકારી ન શકે. ગુજરાતની આ પવિત્ર ભૂમિ પર ભગવાન દ્વારકાધીશનું રાજ છે

અને તેમની ભૂમિ પર કોઇ વિધર્મી સંસ્થા કેવી રીતે માલિકીનો દાવો કરી શકે? તેમણે ઉમેર્યું કે આ ખૂબ જ સંવેદનશીલ બાબત છે અને તમામ સંબંધિતો આ બાબતે વધુ ભડકો ન થાય તેની કાળજી રાખે. દ્વારકા, બેટ દ્વારકા પર શ્રીકૃષ્ણ સિવાય અન્ય કોઇની માલિકી જ હોઇ શકે નહીં!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.