Abtak Media Google News

દશેરા પૂર્વે જ સૌરાષ્ટ્રમાં એસીબીનું ઘોડું દોડ્યું

હથિયાર પરવાનામાં પૈસાની માંગણી કરતા પ્રાંત અધિકારી એસીબીની ઝપટે ચડ્યા: તાલુકા વિકાસ અધિકારીએ ટેન્ડરના બીલ પાસ કરાવવા ભ્રષ્ટાચાર કર્યો’તો

સૌરાષ્ટ્રમાં દશેરા પૂર્વે જ એસીબીનું ઘોડું દોડતા ટોચના બે અધિકારીઓ લાંચ કેસમાં રંગે હાથ ઝડપાયા છે. જેમાં દ્વારકાના નાયબ કલેકટર હથિયાર પરવાના આપવા મામલે રૂ.૩ લાખની લાંચ માંગતા એસીબીએ છટકું ગોઠવી રંગે હાથ ઝડપી પાડ્યા છે. તો બીજી તરફ સુત્રાપાડાના તાલુકા વિકાસ અધિકારી ટેન્ડરનું બીલ પાસ કરાવવા માટે અડધા લાખની લંચ માંગતા ઝડપે ચડ્યા છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા છેલ્લા બે દિવસમાં ક્લાસ વન સહિતના અધિકારીઓ પર સપાટો બોલાવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા નિહાર ભેટારિયાને એસીબીએ ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. પાક રક્ષણ માટે હથિયારનો પરવાનો આપવા બદલ પ્રાંત અધિકારીએ રૂપિયા ત્રણ લાખની લાંચ માગતા ગાંધીનગર એસીબીની ટીમે છટકું ગોઠવી અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.

દેવભૂમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા નિહાર બુધાભાઇ ભેટારિયાએ એક આસામીને પાક રક્ષણ હથિયાર પરવાનો આપવા માટે રૂ.૩,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જોકે જે તે આસામી આવડી મોટી રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ ગાંધીનગર એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે આજે ગાંધીનગર એસીબી. ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં દ્વારકા નાયબ કલેક્ટર ભેટારિયા ત્રણ લાખની લાંચ લેતા આબાદ પકડાઈ ગયા હતા.

ગાંધીનગર એસીબીની ટીમે અધિકારીની ધરપકડ કરી તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઉપરાંત તેના બેંકના એકાઉન્ટ સહિતનો તાગ મેળવવા કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જીએએસ કક્ષાનો અધિકારી એસીબીની ટ્રેપમાં સપડાઈ જતા હાલર પંથકમાં સરકારી આલમમાં મુદ્દો છવાઈ રહ્યો છે.

તો બીજી તરફ ગીર સોમનથ જીલ્‍લાના સુત્રાપાડાના તાલુકા વિકાસ અધિકારી અમૃત પરમાર કચેરીમાં જ લાંચ લેતા રંગેહાથે ઝડપાય જતા સરકારી કચેરીઓ સહિત પંથકમાં ચકચાર જાગી છે. ટીડીઓએ તાલુકાની એક મંડળીનું લાખોનું બિલ પાસ કરવા માટે લાંચ માંગી હતી. જે પેટેની અમુક રકમ લેતા એસીબીએ છટકુ ગોઠવી રંગેહાથે ઝડપી લીઘા હતા.

તો ઘણા લાંબા સમય બાદ ગીર સોમનાથ જીલ્‍લામાં એકાએક થયેલી એસીબીની કાર્યવાહીના પગલે ભ્રષ્‍ટ અધિકારી અને કર્મચારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. આ મામલે એસીબીએ આગળની ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે. તાલુકા વિકાસ અધિકારી અમૃત પરમાર છેલ્લા એક વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. જ્યાં તેઓ એસીબીના છટકામાં સપડાઈ જતા પંથકમાં સરકારી અધિકારીઓમાં ફફડાટ મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.