Abtak Media Google News

 લોધિકા-પડધરી તાલુકાના રૂ.3.50 કરોડનાં વિકાસકામોનું ઈ- લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું

રાજકોટ જિલ્લામાં આજે “વિશ્વાસથી વિકાસયાત્રા” મેટોડાથી પ્રારંભ થયો છે. આ અવસરે વાહન-વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે લોધિકા અને પડધરી તાલુકાના આશરે રૂપિયા 3.50 કરોડથી વધુનાં વિકાસકામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

Img 20220912 Wa0021

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેટોડા જી.આઈ.ડી.સી. ખાતે પ્રાંત કક્ષાનો લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં લોધિકા તાલુકાના રૂ. 237.40 લાખના કામોનું ઈ-લોકાર્પણ તેમજ રૂ. 52.80 લાખનાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત, તેમજ પડધરી તાલુકાના રૂ. 20 લાખનાં કામોનું ઈ-લોકાર્પણ તેમજ રૂ. 40 લાખનાં વિકાસકામોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત વાહન-વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પ્રજાના વિશ્વાસ સાથે છેલ્લા 27 વર્ષથી લોકોની સુખાકારી માટે અવિરત કામ કરી રહી છે. ગુજરાતની પ્રજાએ સુકાન સોંપ્યા પછી છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. “વિશ્વાસથી વિકાસયાત્રા” અંતર્ગત આજે આખા રાજ્યમાં એકસાથે 4500 કરોડથી વધુનાં વિકાસકામોંના લોકાર્પણ-ખાતમૂહુર્ત થઈ રહ્યાં છે.

તેમણે કહ્યું હતું કે, સામાન્ય રીતે રોડ, લાઈટ,પાણી જેવા પ્રાથમિક સુવિધાનાં કામો સ્થાનિક સ્વરાજયની  સંસ્થાઓ દ્વારા થતાં હોય છે, પણ ગામડાનો વિકાસ પણ શહેરો જેવો થાય તેના માટે ડબલ એન્જિનની સરકાર મોટા પાયે પ્રયાસો કરી રહી છે. આજે આત્મનિર્ભર ગામથી, આત્મનિર્ભર રાજ્ય અને તેના થકી આત્મનિર્ભર દેશ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત પ્રયાસો કરી રહ્યા છે.

Img 20220912 Wa0020

રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ  તકે રાજ્ય સરકાર દ્વારા ગામડાના લોકો તેમજ ખેડૂતોના કલ્યાણ માટે સરકારે લીધેલાં વિવિધ પગલાઓ અને યોજનાઓનો ચિતાર આપ્યો હતો. જ્યારે ખીરસરા સ્વામિનારાયણ મંદિરના સંત ભક્તિપ્રસાદ સ્વામીએ કહ્યું હતું કે, આપણા દેશને વર્ષો સુધી ગુલામ રાખનારા દેશો આજે ભારતને સલામ કરે છે એ જ આપણે કરેલા વિકાસની પારાશીશી છે. તેમણે કહ્યું હતું કે, આ સરકાર છેવાડાના અને નાનામાં નાના માણસની ચિંતા કરી રહી છે, ગુજરાતમાં આજે 90 ટકા લોકો સુખી છે, તે રાજય સરકારને આભારી છે.

રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંકના સ્વાગત પ્રવચન બાદ “વિશ્વાસ સાથે ગુજરાતની વિકાસ યાત્રા” દર્શાવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઈ દાફડા, જિલ્લા પંચાયતના દંડક અલ્પાબેન તોગડિયા, લોધિકા તથા પડધરી તાલુકા પંચાયતના હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા, સામાજિક રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ, 100 થી વધુ ગામોના સરપંચઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

ગામડે ગામડે શૌચાલયના નિર્માણથી માતા અને બહેનોનું સન્માન

ગુજરાતમાં થયેલાં વિકાસ કાર્યો અંગે મંત્રી રૈયાણીએ કહ્યું હતું કે,અગાઉ ગામડામાં શૌચાલયો નહોતા.જેના લીધે બહેનોને ખૂબ તકલીફ પડતી પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગામડે ગામડે શૌચાલય બનાવડાવી માતા અને બહેનોનું સન્માન વધાર્યું છે.  અને ઘરે ઘર નળથી જળ પહોંચ્યાં છે, જ્યોતિગ્રામ જેવી યોજનાઓ થકી ગામડે ગામડે 24 કલાક વીજળી પહોંચી છે. તેમણે કહ્યું હતું કે, પ્રજાનો વિશ્વાસ આ સરકારને મળ્યો છે. ગુજરાત સરકાર પ્રજાની માગણી અને લાગણી પ્રત્યે ખુલ્લું મન રાખીને કામ કરે છે, લોકોનું સુખાકારી કેમ વધે તેની ચિંતા કરીને આ સરકાર આગળ વધે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.