Abtak Media Google News

સામાન્ય કામો માટે નાગરિકોને સરકારી કચેરી સુધી ધકકા નહી ખાવા પડે

સરકારના વહીવટી કાર્યોમાં સરળતા લાવવાના પ્રયાસનાં ભાગરૂપે રાજ્યના વહીવટી કાર્યને સંપૂર્ણ પેપરલેસ કરવા સરકાર દ્વારા “ઈ-સરકાર” એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં વર્ષ 2005 થી ઇન્ટિગ્રેટેડ વર્ક ફ્લો એન્ડ ડોક્યુમેન્ટ મેનજમેન્ટ સિસ્ટમ એપ્લિકેશનથી વહીવટી પ્રક્રિયા કરવામાં આવતી હતી, જેમાં હવે અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરીને ઈ-સરકાર એપ્લિકેશન શરૂ કરવામાં આવી રહી છે.

આ એપ્લિકેશન વિશે વધુ વિગતો આપતાં જિલ્લા વિકાસ અધિકાર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને પરિપૂર્ણ કરવા તથા રાજ્યમાં વહીવટી પ્રક્રિયાઓ ઝડપી અને સરળ બનાવવાની નેમ સાથે ગુજરાતની હાલની વહીવટી કાર્યપ્રણાલીને સંપૂર્ણપણે પેપરલેસ કરવા “ઈ-સરકાર” એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે.

જેનો અમલ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ એટલે કે 25 ડીસેમ્બર, થી સંપૂર્ણપણે અમલ થવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના તમામ તાલુકા, જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ, કલાર્કની તાલીમનું આયોજન જિલ્લા પંચાયત કચેરી  રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું. સરકારી વહિવટી પ્રક્રીયા સુચારૂ રીતે થઈ શકે તે માટે તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, ચીટનીશ, નાયબ ચીટનીશ સહિતના અંદાજિત 170થી વધુ અધિકારીઓને ડિસ્ટ્રિક્ટ લેવલ એક્ઝિક્યુટિવ વિરમદેવસિંહ ગોહિલ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ પોર્ટલ સચિવાલયના વિભાગો, ખાતાના વડાની કચેરીઓ, કલેક્ટર કચેરી, ડી.ડી.ઓ. કચેરી સહિતની જિલ્લા કક્ષાની કચેરીઓ અને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી કાર્યરત થશે. આરટીઆઈ અરજી, લોક ફરિયાદ, નાગરિકલક્ષી સેવાઓનો લાભ આ પોર્ટલ હેઠળ નાગરિકોને મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.