Abtak Media Google News

કોર્પોરેશન દ્વારા આયુષ્યમાન યોજનાના કાર્ડનું વિતરણ કરાયું

ગરીબોની આરોગ્યની સારવાર માટે સરકાર માવતર બનીને ઉભી છે: મેયર ડો.પ્રદિપ ડવ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયુષ્યમાન યોજનાના કાર્ડનું વિતરણ રાજ્યના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રા ધામ વિકાસ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની રૂપરેખા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની જુદીજુદી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોચે તે માટે કેશલેસ સુવિધા શરૂ કરી છે. તેમજ જન મેડીસીન દ્વારા બધી બીમારીની સુવિધાઓ વાર્ષિક 4 લાખ સુધીની આવક હોય તે લોકો લાભ લઈ શકે છે. તેમજ સીનીયર સિટિઝન જેની 6 લાખ સુધીનીઆવક હોય તેઓ પણ આ સુવિધાનો લાભ લઈ શકે છે.

આ પ્રસંગે મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવેલ કે, વર્ષોથી આ દેશમાં જે લોકો દિલ્હીમાં શાસન કરતા તેઓ કહેતા કે અમો ગરીબોની ચિંતા કરીએ છીએ. અમો ગરીબી હટાવશું. આજથી 27-28 વર્ષ પહેલાનું ગુજરાત કેવું હતું 2014 પહેલાનો દેશ કેવો હતો? માત્ર વાતો કરવાથી ગરીબી દુર થતી નથી તે માટે રાજ્ય કે કેન્દ્ર સરકારની સ્પષ્ટ નીતિ અને ચોક્કસ આયોજન જરૂરી છે. કોઇપણ યોજના તેના લાભાર્થી સુધી પહોચે તો જ તેનું પરિણામ આવે છે. માં અમૃતમ કાર્ડ કઢાવ્યું ન હોય તેઓએ તાત્કાલિક કઢાવવું જરૂરી છે, કારણ કે કેન્સર, હદયરોગ જેવી ગંભીર રોગ માટે થનાર ખર્ચની ચિંતા આ કાર્ડના લીધે દુર થાય છે. ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટે આ યોજના ખૂબ આશીર્વાદરૂપ છે.

મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે વર્તમાન શાસકો દરેક કુટુંબની ચિંતા કરે છે, હાલના સમયમાં ગરીબોની આરોગ્યની સારવાર માટે સરકાર માવતર બનીને ઉભી છે. અગાઉ ગરીબ કુટુંબમાં કોઈને બિમારી આવે તો તેમને ઉછી ઉધારાના કે પોતાના ઘરેણાં ગીરવે મુકવાની પરિસ્થિતીમાં મુકાતો પરંતુ હાલની સરકારે આયુષ્માન કાર્ડ મારફત રૂ.5 લાખ સુધીની આરોગ્ય સારવાર મેળવી શકે છે. વિશેષમાં મેયરએ જણાવેલ કે રાજકોટ મહાનગરપાલિકા પણ લોકોની આરોગ્યની ચિંતા કરી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 21 આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્યલક્ષી સારવાર વિનામુલ્યે આપવામાં આવે છે.

તેમજ સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોને પ્રાથમિક આરોગ્ય સારવાર મળી રહે તે માટે તાજેતરમાં 57  દીનદયાળ ઔષધાલયો શરૂ કરેલ છે. તેમજ કોવીડ-19 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સીનની કામગીરી ખુબજ સારી રીતે કરવામાં આવી રહી છે.  આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ તેમજ જે તે વખતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા વિજયભાઈ રૂપાણી દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવેલ આ યોજનામાં 5 લાખ સુધીની સારવાર અમીર-ગરીબ તમામ લોકોને મળે છે.

મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને પ્રતિક રૂપે કાર્ડ એનાયત કરવામાં આવેલ. આજરોજ એક હજાર આયુષ્માન કાર્ડ લોકોને આપવામાં આવનાર છે અને નવા કાર્ડ કાઢવા માટે પણ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અંતે આભારવિધી શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.