સન્ની પાજી દા ઢાબામાં જમવું જોખમકારક: પંજાબી ગ્રેવી અને મન્ચુરીયન ડ્રાયના નમૂના ફેઇલ

પંજાબી રેડ ગ્રેવી-મન્ચુરીયન ડ્રાયમાં સિન્થેટીક ફૂડ કલર, સનસેટ યલો અને કર્મોઝીનની હાજરી મળી આવી

રાજકોટ મહાનગર પાલિકાના ફુડ વિભાગને મળેલી ફરિયાદના આધારે શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્ર્વર ચોકમાં આવેલી સન્ની પાજી દા ઢાબામાંથી પંજાબી રેડ ગ્રેવી અને મન્ચુરીયન ડ્રાયનો નમૂનો લેવામાં આવ્યો હતો. પરિક્ષણ દરમિયાન આ નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. બંને ખાદ્ય સામગ્રીમાંથી સિન્થેટીક ફૂડ કલર અને કર્મોઝીનનું પ્રમાણ મળી આવ્યું હતું.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશન આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્ર્વર ચોકમાં શિવમ કોમ્પ્લેક્સમાં શોપ નં.12માં અમનદીપ કુલદીપસિંહની સન્ની પાજી દા ઢાબામાંથી પંજાબી રેડ ગ્રેવી અને મન્ચુરીયન ડ્રાયના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં પરિક્ષણ દરમિયાન સિન્થેટીક કલર, સનસેટ યલો, એફસીએફ અને કર્મોઝીનની હાજરી મળી આવતા બંને નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે.

ફૂડ શાખા દ્વારા દૂધસાગર રોડ પર ચુનારાવાડ શેરી નં.6માં ગુરૂનાનક એજન્સીમાંથી ક્રેઝી ક્લીયર લેમન અને કોઠારીયામાં સાંઇબાબા સર્કલ પાસે ઇશ્ર્વરીયા પાર્ક શેરી નં.2ના કોર્નર પર આવેલા પર્વ રેસ્ટોરન્ટમાંથી પંચદાળનો નમૂનો લેવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન સાથે પારેવડી ચોકથી કુવાડવા રોડ વિસ્તારમાં ખાણીપીણીની 40 દુકાનોમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત કૃષ્ણમ ટી સ્ટોલ, મુરલીધર ડિલક્સ પાન, હોટેલ દ્વારકાધીશ, કૃષ્ણમ ડિલક્સ પાન, ગાયત્રી મદ્રાસ કાફે, અને અન્નપૂર્ણા પાનને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી હતી. 14 ખાદ્ય સામગ્રીના નમૂનાનું સ્થળ પર જ ચેકીંગ કરવામાં આવ્યું હતું.