‘અબતક’ના અહેવાલનો પડઘો: પોશ એરિયામાં ધમધમતા કુટણખાના પર પોલીસની રેડ, એક વકીલ સહિત ત્રણ ઝડપાયા

એક સપ્તાહમાં બે સ્થળે કૂંટણખાના અંગે ‘અબતક’ દ્વારા પર્દાફાશ કરાયો

લોકડાઉનમાં સ્પાનો વ્યસાય બંધ થતા માતા-પુત્રએ કૂંટણખાનું શરૂ કરતા વકીલ સંજય પટેલ રંગીન મિજાજી ગ્રાહકો શોધી આપતો

કોરોના મહામારીના કારણે સ્પાના વ્યવસાય બંધ થતા કૂંટણખાના શરૂ થયા છે. શહેરના પોશ વિસ્તારમાં ચાલતા કૂંટણખાનાનો ‘અબતક’ દ્વારા પાંચ દિવસ પહેલાં પર્દાફાશ કરાયા બાદ ગઇકાલે શહેરના જાગનાથ પ્લોટમાં ‘અબતક’ની ટીમ દ્વારા સ્ટીંગ ઓપરેશન કરી મહિલા સંચાલિત કૂંટણખાનાનો પર્દાફાશ કરતા પ્ર.નગર પોલીસે કૂંટણખાના પર દરોડો પાડી માતા-પુત્ર અને રંગરેલીયા મનાવવા આવેલા ગ્રાહકને ઝડપી લીધા છે. કૂંટણખાના માટે ગ્રાહકને શોધી આપતા વકીલની શોધખોળ હાથધરી છે. શહેરના જાગનાથ પ્લોટમાં ચાલતા કૂંટણખાના પર ‘અબતક’ની ટીમ દ્વારા સ્ટીંગ ઓપરેશન કરવામાં આવતા કૂંટણખાનો કારોબાર સંકેલી લેવામાં આવ્યો છે. ત્યાં ફરી એ જ વિસ્તારમાં માતા-પુત્રએ વકીલ સંજય ઉર્ફે હીરેન પટેલની મદદથી કૂંટણખાનું ચાલુ કર્યાની મળેલી માહિતીના આધારે ‘અબતક’ દ્વારા ગઇકાલે સ્ટીંગ ઓપરેશન કરી ચાલતા લોહીના વેપારનો પર્દાફાશ કરતા પોલીસ સ્ટાફ હરકતમાં આવી ગયો હતો. ‘અબતક’ના અહેવાલના પગલે પ્ર.નગર પોલીસે જાગનાથ પ્લોટ શેરી નંબર 15માં ચાલતા કૂંટણખાના પર દરોડો પાડી માતા-પુત્ર અને કેદારનાથ સોસાયટીના રંગીન મિજાજી ગ્રાહકને ઝડપી વકીલ સંજય ઉર્ફે હિરેન પટેલની શોધખોળ શરૂ કરી છે.

જાગનાથ પ્લોટ જેવા પોસ વિસ્તારમાં મહિલા સંચાલિત કૂંટણખાનામાં બેગ્લોર
અને દિલ્હીની રૂપલલના પાસે દેહના સોદા કરાવતી: ત્રણની ધરપકડ

જાગનાથ પ્લોટ શેરી નંબર 15માં આવેલા વિણા એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતી રીટાબેન ચિન્નોઇભાઇ ઉર્ફે દિપકભાઇ પટ્ટણી નામની 38 વર્ષની સોની મહિલા અને તેનો 19 વર્ષનો પુત્ર ધવલે એક માસથી કૂંટણખાનું શરૂ કરી રૂપલલના નાજનીનબેન અને રીચલબેનને આશરો આપી તેની પાસે દેહના સોદા કરાવતા પ્ર.નગર પોલીસે દરોડો પાડી રીટાબેન ચિન્નોઇ, તેનો પુત્ર ધવલ અને કોઠારિયા મેઇન રોડ પરની કેદારનાથ સોસાયટીના મિતુલ રમેશ વિરાણીની ધરપકડ કરી છે. જ્યારે રૂપલલના નાજનીનબેન અને રિચલબેનને સાહેદ બન્યા છે. રીટાબેન અને ધવલની પૂછપરછમાં વકીલ સંજય ઉર્ફે હિરેન પટેલ ગ્રાહક શોધી આપતો હોવાની તેની શોધખોળ શરૂ કરી છે. કૂંટણખાનું ચલાવતી રીટાબેનના છુટાછેડા થઇ ગયા છે. તેણી વર્ષો સુધી બરોડા ર્હ્યા બાદ મોરબી રહેવા આવી હતી ત્યાંથી રાજકોટ રહેવા આવી જાગનાથ પ્લોટ શેરી નંબર 15માં વિણા એપાર્ટમેન્ટમાં કૂંટણખાનું શરૂ કર્યુ હતું.

ભાવનગર રોડની જેમ ઠેર ઠેર શરૂ થયેલા કૂંટણખાના બંધ કરાવવા જરૂરી

શહેરના ભાવનગર રોડ પર રેડ લાઇટ એરિયામાં જ કૂંટણખાના ચાલતા હોવાથી ભદ્ર સમાજને આ અંગે કોઇ ફરિયાદ ન હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરના પોશ વિસ્તારમાં ઠેર ઠેર કૂંટણખાના શરૂ થતા ભદ્ર સમાજને રહેવું મુશ્કેલ બની ગયું છે. પોલીસની મીઠી નજર હેઠળ અથવા બાજ નજર બહાર ચાલતા કૂંટણખાના પર કડક કાર્યવાહી કરી તાકીદે બંધ કરવા જરૂરી બન્યું છે.

‘અબતક’નું એક સપ્તાહમાં બીજું સ્ટીંગ ઓપરેશન

શહેરમાં સ્પાનો વ્યવસાય બંધ થતા અનેક સ્થળે કૂંટણખાના શરૂ થતા ‘અબતક’ની ટીમ દ્વારા એક સપ્તાહમાં જાગનાથ જેવા પોશ વિસ્તારમાં બીજું સ્ટીંગ ઓપરેશન કરી કૂંટણખાનાનો પર્દાફાશ કરતા તંત્ર હરકતમાં આવી ગયું હોય તેમ જાગનાથ પ્લોટ શેરી નંબર 15માં દરોડો પાડી મહિલા સહિત ત્રણની ધરપકડ કરી છે.