Abtak Media Google News

કથિત રીતે ભાગેડુ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે કનેક્શન હોવાનો મલિક પર આક્ષેપ

અબતક, મુંબઈ

અહીંની એક વિશેષ અદાલતે મની લોન્ડરિંગ અને ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમ સાથે કથિત સંબંધોના કેસમાં મહારાષ્ટ્ર સરકારના અલ્પસંખ્યક બાબતોના મંત્રી અને એનસીપીના પ્રવક્તા નવાબ મલિકને 3 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ બાદ મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારના વધુ એક મંત્રી નવાબ મલિકની ધરપકડ કરાતા મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બોલિવૂડના અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ કેસમાં ધરપકડ બાદ એનસીબીના અધિકારી સમીર વાનખેડે પર આક્ષેપો કરી સતત ચર્ચામાં રહેલા નવાબ મલિકની ધરપકડ બાદ એનસીપીના અધ્યક્ષ શરદ પવારના ઘરે પક્ષના વરિષ્ઠ નેતાઓએ તાત્કાલિક બેઠક યોજી હતી. બેઠક બાદ પવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા તેમના નિવાસસ્થાને ગયાં હતાં. દરમિયાનમાં ઠાકરેએ રાજ્યના ગૃહમંત્રી સાથે પણ આ મામલે મંત્રણા કરી હતી.

જમીન ખરીદીના એક કેસમાં અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે કનેક્શનના મામલે મલિકની આશરે પાંચ કલાકની સઘન પુછપરછ બાદ તેમને વિશેષ જજ આર.એન. રોકડેની સમક્ષ હાજર કરવામાં આવ્યા હતાં. જેમણે આ કેસની વધુ તપાસ અર્થે મલિકને 3 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં રિમાન્ડ અર્થે મોકલી આપવાનો આદેશ કર્યો હતો. મલિકની ધરપકડ અંગે ઈડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ મલિકનું નિવેદન નોંધવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મલિકે મુંબઈ બ્લાસ્ટ કેસના આરોપીઓ સાથે કરેલા જમીનના સોદાઓની ઘણાં સમયથી તપાસ ચાલી રહી હોવાથી તેમની પુછપરછ કરવી આવશ્યક છે. કોર્ટના આદેશ બાદ 62 વર્ષીય મલિકને રાત્રે 9 વાગે બેલાર્ડ એસ્ટેટ ખાતે આવેલી ઈડીની ઓફિસમાં લવાયા હતાં, જ્યાં તેમને રાત વિતાવવી પડશે. એનસીપી અને તેના નેતાઓના જણાવ્યાં અનુસાર ઈડીના અધિકારીઓ દ્વારા સવારે 6 વાગે મલિકને તેમના નિવાસ્થાનેથી લઈ પૂછપરછ માટે જવાયા હતાં.

દરમિયાનમાં ભાજપના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ મામલો સ્પષ્ટ રીતે ટેરર ફંડિગ સાથે સંકળાયેલો છે. નવાબ મલિકે અંડરવર્લ્ડના માધ્યમથી હજારો કરોડની જમીન ખરીદી છે તેનું આ પરિણામ છે. કેસની સુનાવણી દરમિયાન વિશેષ કોર્ટની બહાર મોટી સંખ્યામાં એનસીપીના કાર્યકરોના ટોળાં એકઠાં થયાં હતાં. કોર્ટની બહાર આવ્યા બાદ મલિકે કાર્યકરો સામે હાથ ઉઠાવી બધું ઠીક હોવાનો સંકેત કર્યો હતો. મલિકના સમર્થકોની ભીડ બેકાબુ બને તેવી આશંકાને પગલે ઈડીની ઓફિસ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.  નવાબ મલિકની ધરપકડ બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એનસીપી અધ્યક્ષ શરદ પવારને ફોન કરી આ મામલે સહયોગ જાહેર કર્યો હતો. મમતાએ મલિકની ધરપકડને અયોગ્ય ગણાવી તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને કેન્દ્રીય તપાસ સંસ્થાઓની ભૂમિકા સામે સવાલ ખડા કર્યા હતાં. મમતાએ પવારને આ મામલે તમામ સહકાર આપવાની ખાતરી આપી વિપક્ષી એક્તાને મજબુત બનાવવા પર ભાર મુક્યો હતો.

ભાજપ રાજકીય વિરોધીઓને માફીયાની જેમ લક્ષ્યાંક બનાવી રહી છે: સંજય રાઉત

શિવસેનાના સાંસદ સંજય રાઉતે મલિકની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે કેન્દ્રીય તપાસ સંસ્થાઓ ભાજપના રાજકીય વિરોધીઓને માફીયાની જેમ લક્ષ્યાંક બનાવી રહી છે. રાઉતે જણાવ્યું હતું કે આ મહારાષ્ટ્ર સરકારને સામે સીધો પડકાર છે. કેન્દ્રીય તપાસ સંસ્થાઓ તપાસ માટે મુક્ત છે, પરંતુ તેમણે એટલું યાદ રાખવું જોઈએ કે 2024 પછી તમારી પણ તપાસ થશે.

ભાજપે સત્તાનો દુરુપયોગ કરી રહી છે: શરદ પવાર

એનસીપીના અધ્યક્ષ શરદ પવારે મલિકની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે મલિકે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય તપાસ સંસ્થાઓ દ્વારા સત્તાના કરાતા દુરૂપયોગ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો, જેને કારણે તેમને ટાર્ગેટ બનાવાયા છે. તેમણે કહ્યું મલિક ઘણાં સમયથી જાહેરમાં કેન્દ્ર વિરુદ્ધ બોલતાં હોવાથી તેમની વિરુદ્ધ કાર્યવાહી થવાની આશંકા હતી.

નવાબ મલિકના રાજીનામાની વાત જ આવતી નથી: છગન ભૂજબળ

એનસીપીના નેતા છગન ભુજબળે જણાવ્યું હતું કે નવાબ મલિકે કંઈ જ ખોટું નથી કર્યુ તો પછી રાજીનામું આપવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. તેમની સામેનો કેસ હજી પુરવાર થયો નથી. તેમણે કેન્દ્ર સરકાર પર આક્ષેપ મુકતા જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા સત્તાના દુરૂપયોગ વિરુદ્ધ બોલવાને કારણે મલિક વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.