Abtak Media Google News

આવતીકાલે તો મારે પ્રોગ્રામ છે, ઈડી ઓફિસે જઇ શકાશે નહીં, હું ઇડી પાસે સમય માંગીશ : સંજય રાઉત

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઈડીની એન્ટ્રી થઈ ગઈ છે. શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતને ઈડીએ સમન્સ પાઠવ્યું છે. તેમને મુંબઈ સ્થિત ઈડી ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. રઉતને પતરા ચૌલ જમીન કૌભાંડના કેસમાં સમન્સ મોકલવામાં આવ્યું છે.

સંજય રાઉતે જાણકારી આપી છે કે ઈડીની નોટિસ હજુ સુધી તેમને મળી નથી. આવતીકાલે તેમનો પૂર્વમાં નક્કી થયેલો પ્રોગ્રામ છે તેથી તે કાલે ઈડી ઓફિસે જશે નહીં. જ્યારે સંજય રાઉત ઈડી પાસે સમય માંગશે.

આ પહેલા ઈડીએ પ્રવીણ રાઉતની ધરપકડ કરી હતી. પ્રવીણ રાઉતને સંજય રાઉતના નજીકના ગણવામાં આવે છે. ઈડીએ પ્રવીણ રાઉત સાથે જોડાયેલી કરોડોની સંપત્તિને પણ અટેચ કરી હતી. ઈડીએ 11 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી. તેમાં પાલઘરમાં પ્રવીણ રાઉત સાથે જોડાયેલી સંપત્તિ આશરે 9 કરોડની છે. જ્યારે 2 કરોડની કિંમતના દાદરમાં ફ્લેટ અને અલીબાગમાં પ્લોટ સંજય રાઉતની પત્ની સાથે જોડાયેલી હોવાનો આરોપ છે.

સંજય રાઉતને નોટિસ બાદ માનવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રની રાજનીતિમાં ઈડીની પણ એન્ટ્રી થઈ શકે છે. પહેલા પણ શિવસેના કેન્દ્ર સરકાર પર એજન્સીઓનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ લગાવતી રહી છે. તેવામાં સ્પષ્ટ છે કે ફરી તે આ ઘટનાને રાજકીય કાર્યવાહી ગણાવી શકે છે. નોંધનીય છે કે એકનાથ શિંદેના શિવસેના સામે બળવાના એપિસોડમાં સંજય રાઉત સતત બોલી રહ્યાં છે અને બળવાખોર ધારાસભ્યો પર હુમલો કરી રહ્યાં છે. એટલું જ નહીં તેમણે શિવસેનાના બળવાખોરને મુંબઈ આવવા સુધીનો પડકાર પણ ફેંક્યો છે.

આ પહેલા પ્રવીણનું નામ ડિસેમ્બર 2020માં પીએમસી બેન્ક કૌભાંડ કેસમાં તપાસ દરમિયાન સામે આવ્યું હતું. તપાસ એજન્સીને જાણવા મળ્યું હતું કે પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ 2010માં શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષાના 55 લાખ રૂપિયાની વ્યાજ મુક્ત લોન આપી હતી, જેનો ઉપયોગ મુંબઈના દાદરમાં એક ફ્લેટ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. ઈડી આ રૂપિયાના સોર્સની તપાસ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.