- કુલપતિએ ગાડીમાં સાયરન રાખતા રાજ્યના શિક્ષણમંત્રીએ પ્રથમ પ્રતિક્રિયા આપી કુલપતિનું એક જ રટણ અન્ય યુનિવર્સિટીના કુલપતિની ગાડીમાં પણ સાયરન લગાવેલું છે
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપનાકાળથી અત્યાર સુધીમાં ડો.ઉત્પલ જોશી સંભવત પ્રથમ એવા કાયમી કુલપતિ હશે કે જેમના દ્વારા પોતાની કાર પર સાયરન લગાવ્યું છે!
વીઆઈપી કલ્ચરને ખતમ કરવા મોદી સરકારે મહત્વનો નિર્ણય લઇ આશરે છ વર્ષ આગાઉ દેશભરમાં ઈમરજન્સી સર્વિસના વાહનો સિવાય કોઈ પણ સરકારી વાહન પર લાલ લાઈટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો જો કે અમુક અધિકારીઑએ લાલબત્તીના સ્થાને સાયરનનો વિકલ્પ શોધી કાઢ્યો હતો. જો કે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના નવનિયુકત કુલપતિ ડો.ઉત્પલ જોશીએ ગાડીમાં સાયરન ફિટ કરાવી વીવીઆપી કલ્ચરને આમન્ત્રણ આપ્યું હોય છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પોતાની કાર પર સાયરન લગાવી વિવાદમાં આવ્યા છે. મંગળવારે “અબતક” મીડિયાએ સમગ્ર મામલો પ્રકાશિત કર્યો હતો ત્યારે આ બાબતે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી હતી અને “અબતક” સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા ધ્યાને સમગ્ર મામલો આવ્યો છે અને કુલપતિ સાયરન લગાવી શકે તે મામલે મે તપાસના આદેશ આપ્યા છે. પ્રથમ વાર આવી ઘટના અમારે ધ્યાને આવી હોય એટલે ચોક્કસ પણે અત્યારે હું કઈ ના કહી શકું પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરીને નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આજે ખાનગી કોલેજ એસોસિએશનના કાર્યક્રમમાં હાજર રહેલા ડો.ઉત્પલ જોશીએ સાયરન મુદ્દે જણાવ્યુ હતું કે,હું વીઆઈપી કલ્ચરમાં માનતો નથી પણ નિયમમાં હશે તો સાયરન રાખીશ. અન્ય પાંચ યુનિવર્સિટીના કુલપતિએ સાયરન લગાવ્યું હોવાથી મેં રાખ્યું.
ગુજરાત રાજ્યની અન્ય જૂનાગઢ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિતની વિશ્વવિદ્યાલયોમાં કુલપતિએ સાયરન લગાવ્યું છે. આપ અન્ય યુનિવર્સિટીઓમાં તપાસ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપનાકાળથી અત્યાર સુધીમાં ડો. ઉત્પલ જોશી સંભવત: પ્રથમ એવા કાયમી કુલપતિ હશે કે જેમના દ્વારા પોતાની કાર પર સાયરન લગાવવામાં આવ્યું છે. હવે સમગ્ર મામલે શું નિર્ણય આવે તે જોવું રહેશે.
કુલપતિએ વીઆઈપી કલ્ચરથી દૂર રહેવું જોઈએ: ડો.નિદત બારોટ
“અબતક” સાથેની વાતચીતમાં નિદન બારોટએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડો.ઉત્પલ જોશીની થોડા દિવસ પહેલા જ સરકાર દ્વારા કાયમી નિમણૂક કરવામાં આવી છે.અગાઉ ક્યારેય પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ સરકારી કારમાં સાયરન લગાવ્યું નથી. યુનિવર્સિટીની ખરડાયેલી છબી સુધારવાને બદલે સાયરન લગાડી નવો વિવા. સર્જાયો છે. સરકારી કારમાં સાયરન લગાવવા માટે વાહન વ્યવહાર કમિશનરની મંજૂરી લેવી પડતી હોય છે. કુલપતિએ મંજૂરી લઈને સાયરન લગાવ્યું છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ.કુલપતિ સાદગી રીતે યુનિવર્સિટીમાં રહેવું જોઈએ વી.આઈ.પી. ક્લચરથી દુર રહેવું જોઈએ.
મોટર વ્હીકલ એક્ટ મુજબ કુલપતિ કારમાં સાયરન ન લગાવી શકે: આરટીઓ અધિકારી
“અબતક” સાથેની વાતચીતમાં આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, મોટર વ્હીકલ એક્ટ મુજબ કુલપતિ કારમાં સાયરન ન લગાવી શકે.મોટર વ્હિકલ એક્ટ નિયમ 119 મુજબ એમ્બ્યુલન્સ અને ફાયરના વાહનમાં સાયરન રાખી શકાય.પોલીસ અને ડિઝાસ્ટર સાથે જોડાયેલા વાહનો પર પણ સાયરન રાખી શકાય. સમગ્ર મામલે કાયદા મુજબ 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. કાયદા મુજબ જે કાર્યવાહી થતી હશે તે કરવામાં આવશે.