એજ્યુકેશન ઓનલાઇન પરંતુ પરિસ્થિતિ ઓફ ધ લાઇન

0
54

‘હાલો, મારો અવાજ સંભળાઇ છે? હું દેખાઉ છુ ને? અવાજ નહીં આવતો! યાર ઇન્ટરનેટ ગયું છે! સર, આજે ઇન્ટરનેટ નથી ચાલતું એટલે હું ક્લાસ માં હાજરી નહીં આપી શકું.’   આજકાલ આવા વાક્યો સામાન્ય થયા છે. કોરોના ની એક નવી લેહર આવી અને ફરી વખત માંડ ચાલુ થયેલા ક્લાસ બંધ! પાછું એ જ ઘરે થી ઓનલાઇન ક્લાસ. પાછી એ જ મગજમારી કે બાળકો ને ભણાવવા કેમ? ઓનલાઇન ક્લાસ માં તો કઈ જ સરખું ભણતર થતું નથી. લગભગ એક વર્ષ થી જે શાળા ના ડંકા કાને સંભળાતા બંધ થયા એ ડંકાઓ સાંભળવા હવે તો વિદ્યાર્થીઓ પણ અત્યંત આતુર છે. ડિજિટલ દુનિયા માં મોબાઇલ ફોન અને કમ્પ્યુટર પર ભણવાનું શરૂ થયું ત્યારે શાળા માં બેસી ને ભણવા નું સુખ સમજાયું. પરંતુ આ કપરી પરિસ્થિતી માં રસ્તો જ શું છે બીજો?

જે ઘરો માં શાળા એ જતાં બાળકો છે તે તો આ મથામણ થી વાકેફ જ હશે. ઓનલાઇન ક્લાસ એ તો નાકે દમ લાવી દીધો છે. ખાસ કરી ને શિક્ષકો ની સમસ્યાઓ અત્યંત કપરી બની છે. તેઓ તો જાણે ન ગળી શકે ન થૂંકી શકે એવી પરિસ્થિતી માં છે. રોજબરોજ તેમનું કામ વધી ગયું છે અને સાથે વિદ્યાર્થીઓ નથી ભણતા એની ચિંતા તો ખરી જ. મોબાઇલ માં કેમેરા બંધ કરી ને પોતાની જ મસ્તી અને ગેમ્સ માં મસ્ત રહેતા વિદ્યાર્થીઓ ના ભવિષ્ય નું શું થશે?

ભારત માં ઓનલાઇન એજ્યુકેશન ને સંપૂર્ણ રીતે અપનાવવું એ મુશ્કેલ છે. વર્તમાન સમય માં કોરોના નામ ની જે અણધારી આફત આવી છે તેના માટે ની તૈયારી કરવાનો સમય જ મળ્યો નથી. હા, યૂટ્યૂબ જેવા બીજા ઓનલાઇન એજ્યુકેશન ના માળખાઓ છે ખરા પણ તેને રોજબરોજ ના જીવન માં શાળા તરીકે ઉપયોગ કરવાની ટેવ હજુ ઘણી દૂર હતી. અચાનક શાળાઓ બંધ કરવા ની ફરજ પડતાં આ ટેવ ના ત્વરિત વિકાસ ની જરૂરિયાત ઊભી થઈ. દેશ ના ગામડાઓ સુધી ઓનલાઇન એજ્યુકેશન પહોંચાડવા ની તૈયારી થઈ જ ન શકી.


જો થોડા આંકડાઓ પર નજર નાખીએ તો દેશ ના 84 ટકા શિક્ષકો ઓનલાઇન એજ્યુકેશન પૂરું પાડવા માં મુશ્કેલી અનુભવી રહ્યા છે. કોઈ પાસે આધુનિક ડિજિટલ માધ્યમો વિશે પૂરતું જ્ઞાન નથી, કોઈ પાસે પૂરતા સાધનો નથી, કોઈ પાસે ઇન્ટરનેટ ની સમસ્યાઓ છે અને બાકી જે વધ્યા એ લોકો ઓનલાઇન માધ્યમ ને અપનાવવા માં મુશ્કેલી અનુભવે છે. ભારત દેશ માં ફક્ત 301 શહેરો છે બાકી 7935 ગામડાઓ છે. ગામડાઓ ના ખૂણે આવેલ સરકારી શાળા જ્યાં પૂરતા પુસ્તકો પણ નથી હોતા તે ઓનલાઇન અભ્યાસ કઈ રીતે કરાવી શકે?

જેમ શાળાઓ બંધ થઈ તેમ તેમાં ચાલતા મધ્યાહન ભોજન પણ બંધ થયા. જે ગરીબ વિદ્યાર્થીઓ ને પૂરતું પોષણ મળતું હતું એ પણ હવે અટક્યું છે. જે ગરીબ વિદ્યાર્થીઓ ના કુટુંબ પોતાની આજીવિકા પણ મુશ્કેલી થી મેળવતા હોય તે ઓનલાઇન એજ્યુકેશન માટે સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટ ક્યાથી લાવે?

એક અભ્યાસ મુજબ ભારત માં દર 100 ઘરો એ 3.13 ઘરો માં પર્સનલ કમ્પ્યુટર ની સગવડ છે. આ સાથે દર 100 ઘરો માં ફક્ત 1.34 ઘરો માં બ્રોડબૈંડ કનેક્શન છે! જે વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન એજ્યુકેશન ની સગવડ છે તેઓ પૂરતા ધ્યાન સાથે ભણી શકતા નથી, જે વિદ્યાર્થીઓ આ આધુનિક ઉપકરણો થી વંચિત છે તેઓનું ભવિષ્ય તો સાવ અંધકાર માં જ છે. શિક્ષકો ની વાત કરીએ તો મોટા ભાગ ના શિક્ષકો પોતાની વર્ષો જૂની ઓફલાઇન શિક્ષણ ની આદત માથી બહાર આવવા સંઘર્ષ કરી રહ્યા છે. વધુ માં શાળા એ જતાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિસ્તબદ્ધ રાખવા એ લગભગ લોઢાં ના ચણા ચાવવા જેટલું કપરું કામ છે!


સમયનું વહેણ

સમય નું વહેણ હવે ડિજિટલ મધ્યમ તરફ જઈ રહ્યું છે. કોરોના ની મહામારીએ આ વહેણ ની ગતિ વધારી દીધી. હા, ઓનલાઇન માધ્યમ થી થતાં શિક્ષણ ને આડે ઘણી અડચણો છે. પરંતુ એ પણ સત્ય જ છે કે સમય ની માંગ સાથે આગળ વધવું જ જોઈશે. ભારત દેશ માં વસ્તી ખૂબ જ મોટી માત્રા માં છે. શહેરો અને ગામડાઓ ની સંખ્યા પણ વધુ છે. આ કારણે અત્યાર સુધી માં  દેશ ના વિકાસ ની જેટલી પણ યોજનાઓ ઘડાઈ છે તે લાર્જ સ્કેલ યોજનાઓ છે. આ જ યોજનાઓ માની એક છે દેશભર માં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે કૌશલ્ય વિકાસ માટે સ્થપાયેલ સંસ્થા નીલિટ (ગઈંઊકઈંઝ). દેશ માં 36 શહેરો માં આ સંસ્થા ની ઓફિસ આવેલ છે. 700 થી પણ વધુ બીજી સંસ્થાઓ આ નીલિટ સાથે સંકળાયેલ છે. 9000 કરતાં પણ વધુ ફેસેલિટેશન મથકો છે. જો આ મથકો ઓનલાઇન એજ્યુકેશન માટે ની જરૂરિયાતો પૂરી પાળવા સંપૂર્ણ રીતે કટિબદ્ધ બને તો ખૂબ મોટા અંશ સુધી મુશ્કેલી હલ થઈ શકે એમ છે.

શિક્ષકો ને તો કૌશલ્ય વિકાસ દ્વારા ઓનલાઇન ક્લાસ માટે તૈયાર કરી શકાય, પરંતુ વિદ્યાર્થીઓ નું શું? વિદ્યાર્થીઓ ને ઓનલાઇન એજ્યુકેશન નીરસ લાગે એ સ્વાભાવિક છે. કમ્પ્યુટર સ્ક્રીન પર ભણાવતા શિક્ષકો બાળકો ના ઘડતર નો પાયો ન જ નાખી શકે! વર્તમાન સમય માં ઉપલબ્ધ માધ્યમો થી ઓનલાઇન શિક્ષણ બાળક નો સર્વાંગી વિકાસ કરી જ ન શકે. આ કારણે જ ઓનલાઇન શિક્ષણ ના માધ્યમ અને રીત બદલવાની જરૂર છે.

જો ભારત ના ભવ્ય ઇતિહાસ તરફ નજર કરીએ તો બાળક ના માતા – પિતા અને શિક્ષક બંને તેના વિકાસ માટે જવાબદાર હતા. તો આ ઓનલાઇન માધ્યમ થી ફક્ત જો કલાકો ના લેક્ચર જ આપવામાં આવશે તો વિદ્યાર્થી કોઈ દિવસ ગંભીરતા અને રસપૂર્વક ભણી શકશે નહીં. એક બાળક મોબાઇલ માં રમતો રમવા કેટલો રસ દાખવે છે! જો તેના ગેમ રમવાના સમય ને ભણવા ના સમય માં બદલી શકાય તો?

ડિજિટલ મધ્યમ થી થતાં શિક્ષણ ને માતા-પિતા અને શિક્ષક ના સાથ સહકાર સાથે ડિઝાઇન કરવામાં આવે તો બાળક નો સર્વાંગી વિકાસ જરૂર થી થશે. અત્યારે ઝૂમ કોલ પર ચાલતા લેક્ચર ને એક ઇન્ટરેક્ટિવ મોડ માં ફેરવી દેવામાં આવે તો? બાળકો ના હોમવર્ક ને એક મોબાઇલ કે કમ્પ્યુટર ગેમ ના સ્વરૂપ માં ફેરવી દેવામાં આવે તો? ભારત ના ગામડાઓ તથા શહેરો ના વિસ્તારો માં ઠેર ઠેર ડિજિટલ સેંટર ઊભા કરવા માં આવે તો?

વાઇરલ કરી દો ને

આ ઓનલાઇન’ શિક્ષણ માં મજ્જા એ આવે છે કે ટીચર નો માર પડતો નથી!

છેલ્લી પાટલી નો વિદ્યાર્થી

તથ્ય કોર્નર

ભારત માં 2016 માં ઓનલાઇન એજ્યુકેશન નું માર્કેટ 247 મિલિયન ડોલર નું હતું જે 2021 માં 1.96 બિલિયન ડોલર જેટલું વિકસિત થઈ ગયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here