- અહંકાર ધરાવતો માણસ બીજાની સફળતા પણ સહન કરી શકતો નથી
માનવ જીવનમાં અહંમ એટલે કે અહંકાર એ એક એવો ગુણધર્મ છે, જે વ્યક્તિના વિકાસમાં અવરોધ રૂપ બને છે. જયારે માણસ પોતાને સર્વશ્રેષ્ઠ માનવા લાગે છે, ત્યારે તેનું પતન શરૂ થઈ જાય છે. જ્યાં અહંકાર હોય ત્યાં પતન નિશ્ચિત છે.
કામ, ક્રોધ અને લોભની જેમ અહંમ કે અહંકાર પણ માણસનો મોટો શત્રુ છે.અહંમ ભરેલો માણસ એમ સમજે છે કે,હું જ મોટો છું.હું જ મહાન છું.હું જ સર્વ શક્તિમાન છું. જે કંઈ થાય છે તે મારે લીધે થાય છે.અહંમ એટલે હું પદ, ગર્વ, મગરૂરી. તમો ગુણના વધારાને કારણે અહંકાર નામની સ્થૂળ શક્તિ ઉત્પન્ન થાય છે. મન, વાણી અને કર્મને સ્વાર્થ પરાયણ કરવામાં આવે એનું નામ અહંમ. અહંકારી માણસ એમ માનીને ચાલે છે કે, કર્તા હર્તા અને સર્વસ્વ હું જ છું.
’તું’ એટલે કે પરમાત્માને યશ આપતો નથી. એટલે જ નરસિંહ મહેતાએ ગાયું કે, ’હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જ્યમ શ્વાન તાણે.’ સર્વ ક્રિયાઓ કોઈ અજ્ઞાત શક્તિના બળે ચાલતી હોય છે.છતાં અહંકારી માણસ એમ માને છે કે આ બધું મારી શક્તિ અને યોગ્યતાના બળને લીધે જ ચાલે છે. અહંકારી બનવું એટલે શેતાનિયતના શિકાર બનવું. જ્યારે અહંમ ત્યાગી બનવું એટલે દેવત્ત્વને માર્ગે પ્રસ્થાન કરવું.
ગર્વ કરનાર હંમેશાં પરાજિત થયો છે અને ગર્વ ત્યજનાર હંમેશા સુખી થયો છે. અહંકાર માણસને અવિચારી,ઉદ્ધત અને હિંસક બનાવે છે.ઈતિહાસે આપણને અનેક ઉદાહરણો આપ્યાં છે. જ્યાં અહંકારને કારણે મહાન સામ્રાજ્ય પણ ધરાશાયી થયાં છે. રાવણ, દુર્યોધન, હિટલર, કંસ અને શિશુપાલ જેવા ત્રાસવાદીઓ અહંમના ઈશારે ચાલીને જ બરબાદ થઈ ગયા. રાવણ પાસે મહાન શક્તિ હતી, પરંતુ તેનો અહંકાર તેને વિનાશ તરફ લઈ ગયો.તેવી જ રીતે દુર્યોધનનો અહંકાર તેને મહાભારતના યુદ્ધ સુધી લઈ ગયો.
અહંકાર વિહીન માણસ નમ્ર હોય છે આપણી દુનિયા જેવી અન્ય અસંખ્ય દુનિયા હોઈ શકે. વિશ્વના મહાસાગરમાં માણસ તરીકે હું એક નાનકડું બિંદુ છું, એવો ખ્યાલ જ માણસને અહંકાર મુક્ત બનાવી શકે. માણસમાં રહેલી લઘુતા તેને અહંકાર તરફ દોરી જાય છે. મહાત્મા ગાંધીએ ઉચિત કહ્યું છે કે, હું જે કરી શકું છું તે બીજો પણ કરી શકે છે એમ માનવું જોઈએ.એવું ન માનીએ તો અહંકારી કહેવાઈએ.
અહંકારી મનુષ્ય અભિમાની હોય છે.તેને પોતાના કુળ, ધન, જ્ઞાન, રૂપ, પરાક્રમ, દાન શક્તિ અને તપનું અભિમાન હોય છે.વિશ્વામિત્ર એ પણ અભિમાન ત્યજીને વશિષ્ઠની યોગ્યતા આગળ નમતું જોખ્યું હતું. આથી જ તે ’રાજર્ષિ’ને બદલે ’બ્રહ્મર્ષિ’ બની શક્યા હતા. અહંકારી માણસ હઠીલો હોય છે. તે પોતાની જીદ છોડવા તૈયાર નથી હોતો. એ માને છે કે હું અહંમને ત્યજીશ તો મારી ક્ષુદ્રતાનો અને લઘુતાનો લોકોને ખ્યાલ આવી જશે.મારી આબરૂ અને ગૌરવ સમાપ્ત થઈ જશે. એવા ડરથી પણ માણસ પોતાનાં હૃદયમાં અહંમને વધુ ને વધુ સ્થાન આપવા લલચાય છે.
અહંકાર માણસની દ્રષ્ટિને આંધળી બનાવી દે છે. અહંકાર દયા, સહકાર અને સમજદારીને દૂર કરે છે. અહંકાર ધરાવતો માણસ બીજાની સફળતા પણ સહન કરી શકતો નથી. આવી વ્યક્તિની આજુબાજુથી લોકો પણ દૂર થવા લાગે છે. કારણ કે અહંકાર મિત્રતાને પણ નષ્ટ કરી નાખે છે.
આગેવાની, સફળતા કે શક્તિ મેળવવી ખરાબ વાત નથી, પણ એનો ઉપયોગ હકારાત્મક રીતે ન થાય અને તેને અહંકારનું રૂપ આપી દેવામાં આવે,તો એ પતન તરફ લઈ જાય છે. માનવ માત્ર જેટલો વધારે નમ્રતા અને નમ્ર ભાવ ધારણ કરે છે, તેટલો તે વધુ મજબૂત અને લોકપ્રિય બને છે.મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, મધર ટેરેસા, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન પાત્રોએ જીવનભર નમ્રતાનું પાલન કર્યું. તેઓ આજે પણ લોકોના દિલમાં જીવી રહ્યાં છે.
સત્તા અને શક્તિ પચાવવા માટે માણસમાં સંયમ અને વિવેક જોઈએ. વાસુકિ નાગ હજાર ગણી શક્તિ ધરાવે છે, છતાં તે ગર્વ કરતો નથી. જ્યારે ઝેરનું નાનકડું બિંદુ ધારણ કરનાર વીંછી પોતાની પૂંછડી ઊંચી રાખીને ચાલે છે. અધૂરો ઘડો વધુ છલકાય છે.માણસ પોતાના દોષને ઢાંકવા માટે પણ અહંકારનો આધાર લેતો હોય છે. અસલી સોના કરતા નકલી સોનામાં વધુ ચળકાટ હોય છે.
જીવનમાં સુખ, શાંતિ અને યશ મેળવવા માટે અહંકારનો ત્યાગ કરવો અનિવાર્ય છે. પોતાના ગુણોનો ગર્વ હોવો યોગ્ય છે પણ તેને અહંકારમાં બદલવો ન જોઈએ. સાચો વિજેતા તો એ જ હોય છે જે જીતે પછી પણ નમ્ર રહે છે.