ગુજરાતમાંથી હવે રાજયસભામાં ભાજપના આઠ સાંસદો

દિનેશભાઈ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાને બિનહરીફ જાહેર કરતા રાજયસભામાં ભાજપનું સંખ્યાબળ વધ્યું

અહેમદભાઈ પટેલ અને અભયભાઈ ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજયસભાની બે બેઠકો માટે આગામી ૧લીમાર્ચનાં રોજ પેટા ચૂંટણી યોજવાની હતી. દરમિયાન ભાજપના ઉમેદવારો સામે કોઈપણ વ્યકિતકે પક્ષે દાવેદારી ન નોંધાવતા ગઈકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી અધિકારી દ્વારા દિનેશભાઈ મોકરિયા અને રામભાઈ મોકરિયાને બિન હરિફ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે પ્રથમવાર રાજયસભામાં ગુજરાતથી ભાજપના આઠ સાંસદો પ્રતિનિધિત્વ કરશે. જયારે કોંગ્રેસના માત્ર ત્રણ સાંસદો જ ગુજરાતથી રાજયસભામાં છે.

ગુજરાતમાં રાજયસભાની કુલ ૧૧ બેઠકો છે. જેમાં થોડા મહિનાઓ પૂર્વે કોંગ્રેસના કદાવર નેતા અહેમદભાઈ પટેલ અને ભાજપના સિનિયર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજનું નિધન થતા બે બેઠકો ખાલી પડી હતી. આ બે બેઠકો માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ૧લી માર્ચે પેટા ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરી હતી અને બંને બેઠકો માટે અલગ અલગ બેલેટ દ્વારા મતદાન યોજાશે તેવી ઘોષણા કરી હતી. જેથી બંને બેઠકો ભાજપને ફાળે જાય તે નિશ્ર્ચિત બની ગયું હતુ. ભાજપે બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશભાઈ પ્રજાપતિ અને મારૂતી કુરિયરના માલીક રામભાઈ મોકરિયાને ઉમેદવાર જાહેર કર્યા હતા. તેઓએ ગત ૧૮મી ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. સભ્ય સંખ્યા બળ પૂરતું હોવાના ારણે એકપણ બેઠક જીતી શકાય તેમ ન હોય કોંગ્રેસે રાજયસભામાં ઉમેદવારો નહી ઉતારવાનો નિર્ણય લીધો હતો. દરમિયાન ગઈકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે માત્ર બે જ ઉમેદવારોના ફોર્મ ભરાયા હોય ચૂંટણી અધિકારી દ્વારા દિનેશભાઈ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાને બિનહરિફ જાહેર કર્યા હતા. અને તેઓ રાજયસભાના સભ્ય તરીકે ચૂંટાયા હોવાનું પ્રમાણપત્ર પણ એનાયત કરી દીધું હતુ દિનેશભાઈ પ્રજાપતિ ઓગષ્ટ ૨૦૨૩ સુધી રાજય સભાના સભ્ય પદે રહેશે જયારે રામભાઈ મોકયિ જુલાઈ ૨૦૨૬ સુધી સભ્ય પદે યથાવત રહેશે.

પ્રથમવાર ગુજરાતમાંથી રાજયસભામાં ભાજપના આઠ સભ્યો પ્રતિનિધિત્વ કરશે જેમાં વિદેશ મંત્રી એસ.જયશંકર, પુરૂષોતમ રૂપાલા, મનસુખ માંડવીયા, જુગલજી ઠાકોર, રસિલાબેન બારા, નરહરિ અમીન, દિનેશભાઈ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાનો સમાવેશ થાય છે. જયારે ગુજરાતમાંથી રાજયસભામાં કોંગ્રેસના જે ત્રણ સભ્યો છે તેમાં નારણભાઈ રાઠવા, અમીબેન યાજ્ઞીક અને શકિતસિંહ ગોહિલનો સમાવેશ થાય છે.