Abtak Media Google News

આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ પણ પોસ્ટલ બેલેટ સુવિધાનો કરી શકે છે ઉપયોગ 

લોકશાહીની ચોથી જાગીર ગણાતા મીડિયાને પણ હવે અન્ય સરકારી કર્મચારીઓ જેવા અધિકાર આપવા તરફ  ચૂંટણી પંચ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રવિવારે પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયના અધિકૃત નિવેદન અનુસાર ભારતના ચૂંટણી પંચે પત્રકારોને પોસ્ટલ બેલેટ સુવિધા દ્વારા તેમનો મત આપવાની મંજૂરી આપી છે. જો કે, હાલ આ નિર્ણય માત્ર પંજાબ ચૂંટણી સંદર્ભે લેવામાં આવ્યો છે પરંતુ આગામી સમયમાં આ નિર્ણયની અમલવારી સમગ્ર દેશમાં કરવામાં આવે તેવી પ્રબળ શકયતા છે. નોંધનીય છે કે, પંજાબની ૧૧૭ વિધાનસભા બેઠકો માટે ૧૪ ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતગણતરી ૧૦ માર્ચે થશે.

નિવેદનમાં જણાવાયું છે કે, ચૂંટણી પંચે ચૂંટણી મંડળ દ્વારા અધિકૃત મીડિયાકર્મીઓને પોસ્ટલ બેલેટ સુવિધાનો ઉપયોગ કરીને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. પંજાબ ચૂંટણી પંચના મુખ્ય અધિકારી ડો. એસ. કરુણા રાજુએ પ્રેસ કોંફરન્સ દ્વારા જાહેરાત કરતા કહ્યું છે કે, ફરજના ભાગરૂપે અનેક મીડિયાકર્મીઓ મતાધિકારનો ઉપયોગ કરી શકતા નથી ત્યારે હવે તેઓ પોસ્ટલ બેલેટ સુવિધાનો ઉપયોગ કરીને તેમનો મત આપી શકે છે.

રાજુએ કહ્યું કે, પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા ઈચ્છતા કોઈપણ ગેરહાજર મતદારે તમામ જરૂરી વિગતો આપીને ફોર્મ-૧૨ (ડી)માં રિટર્નિંગ ઓફિસરને અરજી કરવી પડશે અને સંબંધિત સંસ્થા દ્વારા નિયુક્ત નોડલ ઓફિસર દ્વારા અરજીની ચકાસણી કરાવવી પડશે. તેમણે કહ્યું કે પોસ્ટલ બેલેટની સુવિધા પસંદ કરનાર કોઈપણ મતદાર મતદાન મથક પર મતદાન કરી શકશે નહીં.

અગાઉ કમિશને ૮૦ વર્ષ અને તેથી વધુ વયના મતદારો, વિકલાંગ લોકો અને કોવિડ-૧૯ દર્દીઓને પોસ્ટલ બેલેટ દ્વારા તેમનો મત આપવાની મંજૂરી આપી હતી. ઉપરાંત ખાદ્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ઓલ ઈન્ડિયા રેડિયો, દૂરદર્શન, પોસ્ટ અને ટેલિગ્રાફ, રેલવે, બીએસએનએલ, પાવર, આરોગ્ય, અગ્નિશમન સેવાઓ અને નાગરિક ઉડ્ડયનના કર્મચારીઓ સહિત આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકો જો ફરજ પર હોય તો પણ પોસ્ટલ બેલેટ સુવિધા પસંદ કરી શકે છે.

દરમિયાન પોસ્ટલ વોટિંગ(પીવીસી) કેન્દ્રો રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે નિર્ધારિત તારીખ પહેલા તમામ મતવિસ્તારોમાં સતત ત્રણ દિવસ સુધી ખુલ્લા રહેશે. ત્રણમાંથી દરેક દિવસે, પીવીસી સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.