ચૂંટણી આવી… હવે તો ગ્રામજનો જ બાપલીયા

ઠોઠ નિશાળીયાવ પરીક્ષાને વેઢે ગણ્યા દિવસો બાકી હોય ત્યારે પાસ થવા ફાંફા મારે તેવી જ રીતે સ્થાનિક રાજકારણીઓ જીતવા માટે રઝળપાટ કરશે

ચૂંટણી આવી… ગઈકાલે ગ્રામ- પંચાયતોની ચૂંટણી જાહેર થઈ છે. હવે ગ્રામ્ય કક્ષાએ ગ્રામજનો જ બાપલીયા કહેવાશે. રાજકારણીઓ ગ્રામજનોને રીઝવવા માટે કમર કસતા નજરે પડશે. એક ઠોઠ નિશાળીયો જેમ પરીક્ષાને વેઢે ગણ્યા દિવસો બાકી હોય અને પાસ થવા ફાંફા મારતો હોય તેવી જ રીતે આ રાજકારણીઓ અંતિમ ઘડીએ જીતવા માટે રઝળપાટ કરશે. હવે જો આ રાજકારણીઓએ પાંચ વર્ષ સારા કામ કર્યા હોય તો તેને એક હોશિયાર અને મહેનતુ વિદ્યાર્થીની જેમ અંતિમ ઘડીએ કોઈ ચિંતા ન રહે.

ભારતમાં ચૂંટણીઓ તો વારંવાર યોજાતી હોય છે. પણ ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ સૌથી અલગ હોય છે. અહીં નાની વસ્તુ પણ મતદારો ઉપર અસર કરે છે. ચૂંટણી આવે કે તુરંત જ ઊંચું જોઈને વટથી ફુલાતા ન સમાતા રાજકારણીઓ અચાનક જ વિનમ્ર બની જાય.

ઉપરાંત ક્યાંક તો શામ, દામ, દંડ બધી નીતિઓ અપનાવવામાં આવતી હોય છે. ઠેક ઠેકાણે ભજીયા- ગાંઠીયાના તાવડા ચલાવવામાં આવે છે. એવું માનીને કે મતદારો ખાઈને કદાચ જો રિઝાઈ જાય તો!! વધુમાં સમાજ કક્ષાએ મતદાનનો સોદો થાય છે. કોઈ સમાજનું ફલાણું- ઢીકણું કામ કરી દેવાનો વાયદો આપવામાં આવે છે. સામે સમાજ મતની સંખ્યાનો વાયદો આપે છે.

ભારતમાં બીજા ઘણા ક્ષેત્રોમાં વૈચારિક ક્રાંતિ આવી છે. પણ હજુ મતદાન અંગે વૈચારિક ક્રાંતિ આવી નથી. રાજકારણીઓ પણ પાંચ વર્ષ પ્રજાના કામ કરવાને બદલે ચૂંટણીના માહોલમાં પ્રજાને ફોસલાવી લેવાનું સહેલું માનીને તે દિશામાં કામ કરે છે. સામે પ્રજા ફોસલાઈ પણ જાય છે. આ ઉપરાંત રાજકારણ ગંદુ છે તેવું માનીને તેમાં જવાનું સાહસ પણ ઘણા ઓછા લોકો કરે છે. જે સાહસ કરે છે તેમાં પણ મોટા ભાગના એક રકમ લઈને ફોર્મ પાછું ખેંચી લ્યે છે. આવા સાવ છેલ્લી કક્ષાના રાજકારણને હવે જાકારો આપવો જોઈએ. લોકોએ મતદાનને પોતાનો એક મોટો અધિકાર માનીને પોતાના માટે, પોતાના પરિવાર માટે તથા સમાજ માટે તેનો સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ.