રાજકોટ,જામનગર અને ભાવનગર સહિત છ મહાપાલિકાઓના મેયરની આવતા સપ્તાહે ચૂંટણી

રાજકોટમાં મેયરપદ ઓબીસી અનામત, જામનગર અને ભાવનગરમાં મહિલા અનામત: પદાધિકારીઓનાં નામો નકકી કરવા ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બોલાવશે

રાજયની છ મહાનગરપાલીકાઓમાં ચૂંટાયેલા નગરસેવકોનાં નામ રાજય સરકાર દ્વારા ગત મંગળવારે ગેઝેટમાં પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન રાજકોટ, જામનગર, ભાવનગર સહિત તમામ છ મહાપાલિકામાં આવતા સપ્તાહે મેયર, ડેપ્યુટી મેયરની નિમણુંક માટે ચૂંટણી યોજાશે પદાધિકારીઓની પસંદગી કરવા માટે ભાજપ દ્વારા ટુંક સમયમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવવામાં આવશે જેમાં મહાપાલિકા, ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકાઓમાં પદાધિકારીઓની નિમણુંક અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

રાજયની છ મહાપાલિકાઓ માટે ગત 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાઈ હતી અને 28મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામા આવી હતી તમામ મહાપાલિકામાં ભાજપ તોતીંગ બહુમતી સાથે વિજેતા બન્યું છે. જેમાં અમદાવાદમાં ભાજપ 192માંથી 159 બેઠકો પર સુરતમાં 120 બેઠકોમાંથી 93 બેઠકો 52 વડોદરામાં 76 બેઠકોમાંથી 69 બેઠકો પર રાજકોટમાં 72 બેઠકોમાંથી 68 બેઠકો પર જામનગરમાં 64 બેઠકોમાંથી 50 બેઠકો પર ભાવનગરમાં પરમાંથી 44 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. મંગળવારે સાંજે રાજય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા મહાપાલિકામાં ચૂંટાયેલા તમામ નગરસેવકોનાં નામો ગેઝેટમાં પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યા છે. હવે રાજય સરકારનો આદેશ મળતાની સાથે જ તમામ મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર મેયર અને ડે. મેયરની ચૂંટણી તથા સ્ટેન્ડીંગ કમિટીના 12 સભ્યોની વરણી કરવા માટે પ્રથમ બોર્ડ બોલાવશે તમામ મહાપાલિકામાં એકજ દિવસે પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવે તેવી સંભાવના હાલ જણાય રહી છે. જો જનરલ બોર્ડ બોલાવવાનું થાય તો નિયમ મુજબ સાત દિવસની સમય મર્યાદામાં બોર્ડના એજન્ડા પ્રસિધ્ધ કરવો પડે છે. અને સ્પેશ્યલ બોર્ડ બોલાવવામાં આવશે તો ત્રણ દિવસની સમય મર્યાદામાં બોર્ડનો એજન્ડા પ્રસિધ્ધ કરવાનો રહેશે.

રાજકોટ મહાનગરપાલિકામાં મેયરની પ્રથમ અઢી વર્ષની ટર્મ હાલ ઓબીસી અનામત છે.મેયર પદ માટે અર્ધો ડઝન નામો ચર્ચામાં છે. જયારે બીજી અઢી વર્ષની ટર્મ મહિલા અનામત છે.ભાવનગરમાં પેપરની પ્રથમ અઢી વર્ષની ટર્મ મહિલા અનામત અને બીજી અઢી વર્ષની ટર્મ ઓબીસી અનામત, જામનગરમાં મેયરની પ્રથમ અઢી વર્ષની ટર્મ મહિલા અનામત જયારે બીજા અઢી વર્ષની ટર્મ એસ.સી. અનામત, અમદાવાદમાં મેયરપદની પ્રથમ અઢી વર્ષની ટર્મ એસ.સી.અનામત અને બીજી અઢી વર્ષની ટર્મ મહિલા અનામત સુરતમાં મેયરની પ્રથમ અઢી વર્ષની ટર્મ મહિલા અનામત જયારે બીજી અઢી વર્ષની ટર્મ સામાન્ય અને વડોદરામાં મેયરની પ્રથમ અઢી વર્ષની ટર્મ સામાન્ય અને બીજી અઢી વર્ષની ટર્મ મહિલા અનામત છે. રાજકોટ સહિત રાજયની તમામ છ મહાનગરપાલીકાઓમાં મેયર, ડે. મેયરની આવતા સપ્તાહે ચૂંટણી યોજાઈ તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. પદાધિકારીઓની નિમણુંક કરવા માટે બોર્ડ બોલાવવા માટે તારીખ નકકી કરવા હાલ મ્યુનિસિપલ કમિશ્નર રાજય સરકારના આદેશ કે માર્ગદર્શનની રાહ જોઈ રહ્યા છે.

મહાપાલિકા બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ગઈકાલે રાજય સરકારનું બજેટ પણ રજૂ કરી દેવામાં આવ્યું છે હવે પ્રદેશ ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં પદાધિકારીઓનાં નામો ફાઈનલ કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવવામાં આવશે જેમાં જેતે મહાનગરો અને જિલ્લાની સ્થાનીક સંકલન સમિતિ પાસેથી ત્રણ-ત્રણ કે ચાર-ચાર નામોની પેનલ મંગાવાશે ત્યારબાદ બોર્ડના બે કલાક અગાઉ એક બંધ કવરમાં પ્રદેશમાંથી નામો મોકલવામાં આવતા હોય છે.