Abtak Media Google News

પાંચ રાજયોમાં મુખ્ય ચૂંટણી અને નવ રાજયોમાં પેટા ચૂંટણીના પરિણામે કોરોના વધુ પ્રસરયો- ભાજપના રાષ્ટ્રીય સચીવ સી.ટી.રવી

હાલ, દેશભરમાં કોરોના આંતક વરસાવી રહ્યો છે. ભારત બીજી લહેરમાં સપડાતા કેસ ખતરનાક ઝડપે વધ્યા. જો કે હવે કેસ ઘટતા આગામી થોડા દિવસોમાં બીજી લહેર નિયંત્રિત થઈ જશે. પરંતુ છેલ્લાં દોઢેક મહિના જેટલા સમયથી જે પરિસ્થિતિ ઉભી થઈ છે એ પાછળ ઘણાં પરિબળો જવાબદાર છે. જેમ કે, નિયમોનું ચુસ્તપણે પાલન ન થવું, વાયરસના નવા વેરીએન્ટ સામે આવવા અને કોરોનાના આ કપરાકાળને  અવગણી દેશમાં ચૂંટણીઓ યોજવી. એક તરફ કોરોનાનો કહેર તો બીજી તરફ ચૂંટણી પ્રચારમાં જાહેર સભાઓ, રેલીઓ અને મોટા મેળાવળા જ આ કહેરને વધુ પ્રસરાવવાનું કારણ બન્યા છે. ચૂંટણી વાયરસને મોટુ આમંત્રણ દેવા સમાન જ સાબિત થઈ છે. જેનો એકરાર ભાજપના જ રાષ્ટ્રીય સચિવ અને કર્ણાટકના ધારાસભ્ય સી.ટી. રવિએ કર્યો છે. તાજેતરમાં એક નિવેદનમાં જણાવતા તેમણે કહ્યું કે ભારતમાં બીજી લહેર ખતરનાક બનાવવા પાછળ ચૂંટણી પણ કારણભૂત પરિબળ છે.

પ્રચારના મેળાવળા, જાહેર સભા-રેલીઓએ વાયરસને વધુ ખતરનાક બનવાની તક આપી !!

ઉલ્લેખનીય છે કે કોરોનાની વૈશ્વિક મહામારીમાં પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને આસામ સહિતના ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ એમ પાંચ સ્થળોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવી હતી. જ્યારે ગુજરાત, ઉત્તર પ્રદેશ સહિતના નવ રાજ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણી બાદ જ કોરોના વધુ પ્રસર્યો છે જેના પગલે ઘણા લોકોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી આકરી ટીકા પણ કરી છે. તો આ સાથે આ મુદ્દે ચૂંટણીવાળા રાજ્યોમાં હાઈકોર્ટે પણ સુઓમોટો લઈ ચૂંટણીના કારણે જ કેસ વધ્યા હોવાનું જણાવી ઇલેક્શન કમિશનને ફટકાર પણ લગાવી છે. ભાજપના રાષ્ટ્રીય સચિવ સી.ટી રવિએ જણાવ્યું કે કોરોનાની બીજી લહેર વધું ઘાતકી નીવડી છે એની પાછળ માત્ર ચૂંટણી જ જવાબદાર છે એવું નથી કહેતો પરંતુ ચૂંટણી એક કારણભૂત પરિબળ જરૂર બની છે. કેન્દ્ર સરકાર તરફથી કેસ ઘટાડવા તેમજ દર્દીઓના જીવ બચાવવા માટે પૂરા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ આ મુદ્દે સરકાર પર આક્ષેપ કરી રહી છે પરંતુ સંકટની આ ઘડીમાં આક્ષેપ પ્રતિઆક્ષેપને છોડી લોકોની વહારે આવવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.