Abtak Media Google News

અબતક,રાજકોટ

રાજયની તમામ જિલ્લા અને તાલુકા અદાલતોના વિવિધ વકીલમંડળો ( બાર એસોસીએશન ) ની મહત્વપૂર્ણ ચૂંટણી આગામી તા.૧૭ ડિસેમ્બર,૨૦૨૧ના રોજ યોજવાનો નિર્ણય ગુજરાત બાર કાઉન્સીલની સામાન્ય સભામાં આજે સર્વાનુમતે કરવામાં આવ્યો હતો. દરેક બાર એસોસીએશને આ ચૂંટણી વન બાર વન વોટ હેઠળ કરવાની રહેશે અને ગુજરાતના દરેક ધારાશાસ્ત્રી માત્ર એક જ બાર એસોસીએશનમાં પોતાના મતના અધિકારનો ઉપયોગ કરી શકશે.

ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન હીરાભાઇ એસ.પટેલ, વાઇસ ચેરમેન શંકરસિંહ એસ.ગોહિલ, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપભાઇ કે. પટેલ તથા શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લાએ સંયુક્તપણે જણાવ્યું હતું કે, બાર એસોસીએશન ઓફ ગુજરાત રૂલ્સ-૨૦૧૫ હેઠળ ગુજરાતના તમામ બાર એસોસીએશનના વાર્ષિક અથવા દ્વિવાર્ષિક ચૂંટણી ફરજિયાત રીતે ડિસેમ્બર માસના ત્રીજા શુક્રવારે એટલે કે, તા.૧૭-૧૨-૨૦૨૧ના રોજ દરેક એસોસીએશને યોજવાની રહેશે. નિયમોનુસાર, દરેક બાર એસોસીએશને આ ચૂંટણી વન બાર વન વોટ હેઠળ કરવાની રહેશે એટલે કે, ગુજરાતમાં કોઇપણ ધારાશાસ્ત્રી માત્ર કોઇપણ એક બાર એસોસીએશનમાં જ પોતાના મતના અધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાતના આશરે ૨૭૦ બાર એસોસીએશનોએ ફરજિયાતપણે તા.૧૭-૧૨-૨૦૨૧ના રોજ તેમની ચૂંટણી કરવાની રહેશે.

ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન હીરાભાઇ એસ.પટેલ અને શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના તમામ બાર એસોસીએશને બાર એસોસીએશન ઓફ ગુજરાત રૂલ્સ-૨૦૧૫ હેઠળ તા.૩૧-૧૦-૨૦૨૧ સુધીમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ઓફિસમાં તેમની આખરી મતદાર યાદી (વન બાર વન વોટ) મોકલી આપવાની રહેશે. દરેક બાર એસોસીએશને ચૂંટણીની તારીખના ૪૫ દિવસ અગાઉ પોતાના ચૂંટણી કમિશનરની નિમણૂંક કરવાની રહેશે.

એસોસીએશનના કોઇપણ સભ્યને મતદાર યાદી અંગે વાંધો હોય તો ચૂંટણી કમિશનરને તે બાબતે તે વાંધા અરજી આપવાની રહેશે અને જે તે ચૂંટણી કમિશનરે તેમની સમક્ષ આવેલ વાંધા અરજી પર જરૂરી નિર્ણય કરી ૩૦ દિવસ અગાઉ આખરી યાદી વાંધા અરજી સહિતની હોય તો બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને મોકલી આપવાની રહેશે. ઉપરાતં, દરેક ચૂંટણી કમિશનરે બાર એસોસીએશન ઓફ ગુજરાત રૂલ્સ-૨૦૧૫ હેઠળ દરેક હોદ્દા અને કારોબારી સભ્યો માટે તેમ જ અન્ય હોદ્દા માટે ઉમેદવારી ફોર્મ વિતરણ અને ભરવાની કામગીરી તેમ જ ચકાસણીની કામગીરી કરવાની રહેશે. જો આ ચૂંટણીમાં આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામ અંગે કોઇપણ ઉમેદવારને વાંધો હોય તો ચૂંટણી સંદર્ભે અને પરિણામ સંદર્ભે દસ દિવસમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને અરજી કરવાની રહેશે.

આજની સામાન્ય સભામાં સભ્યો વિજય એચ.પટેલ, દિપેન કે.દવે, ગુલાબખાન પઠાણ, અફઝલખાન પઠાણ, પરેશકુમાર એચ.વાઘેલા , આર.જી.શાહ, મનોજ અનડકટ, કિરીટ બારોટ, કરણસિંહ બી.વાઘેલા, પરેશ.આર.જાની, અનિરૂધ્ધસિંહ એચ.ઝાલા, જીતેન્દ્ર બી.ગોળવાલા, પ્રવિણ ડી.પટેલ, રમેશચંદ્ર એન.પટેલ, કિશોરકુમાર આર.ત્રિવેદી, રણજીતસિંહ આર.રાઠોડ સહિતના સભ્યોએ બેઠકમાં હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો. બેઠકમાં સર્વાનુમતે ગુજરાતના તમામ બાર એસોસીએશનની ચૂંટણી તા.૧૭-૧૨-૨૦૨૧ના રોજ યોજવાનો મહત્વપૂર્ણ લેવાયો હતો. બાર કાઉન્સીલ દ્વારા લેવાયેલા આ નિર્ણયને પગલે રાજયના તમામ વકીલમંડળોમાં ખુશીની લાગણી ફેલાયેલી જોવા મળી હતી.

 

બીઓઆઇની પરીક્ષા પાસ કરનાર જ મત આપી શકશે

બાર એસોસીએશનમાં પ્રોવિઝનલ સનદ ધરાવતાં ધારાશાસ્ત્રીઓ મત આપી શકશે નહીં. એટલે કે ઓલ ઇન્ડિયા બાર એકઝામની પરીક્ષા પાસ કરનાર ધારાશાસ્ત્રી જ મતાધિકારનો ઉપયોગ કરી શકશે તેમ જ કોઇપણ ધારાશાસ્ત્રી એકથી વધુ જગ્યાએ મતાધિકારનો ઉપયોગ કરશે તો તેવા ધારાશાસ્ત્રીને મતાધિકારથી વંચિત રાખવામાં આવશે. અને તેવા ધારાશાસ્ત્રી વિરુધ્ધ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એડવોકેટ એક્ટની કલમ -૩૫ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.