Abtak Media Google News
  • પાકિસ્તાન સાથે કોઈપણ રીતે વાત કરવા માંગતો નથી, હું જમ્મુ-કાશ્મીરના લોકો સાથે વાતચીત કરવા માંગુ છું : અમિત શાહ
  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં ચૂંટણી અંગે આપ્યા સંકેત

જમ્મુ અને કાશ્મીરમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે ચૂંટણી ખૂબ જ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે, માત્ર ચૂંટણી પંચ દ્વારા અંતિમ મતદાર યાદી જાહેર થવાની રાહ જોઈ રહ્યા છીએ. તેમ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં તેમની જાહેર સભા દરમિયાન કહ્યું હતું તેમણે એમ પણ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર દેશના આ ભાગમાંથી આતંકવાદનો સંપૂર્ણ સફાયો કરશે.  કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે નહીં.  કેન્દ્રશાસિત પ્રદેશની તેમની 3-દિવસીય મુલાકાતના છેલ્લા દિવસે, અમિત શાહે તેમને ’અબ્દુલ્લા એન્ડ સન્સ’, ’મહબૂબા એન્ડ કંપની’ કહીને નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતૃત્વ પર આકરા પ્રહાર કર્યા હતા.

તેમણે કહ્યું કે પાકિસ્તાનના સમર્થનથી 1990માં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદની સમસ્યા ફેલાઈ અને તેના કારણે 3 દાયકામાં કેન્દ્રશાસિત પ્રદેશના 42000 નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો.  અમિત શાહે કહ્યું, ’કેટલાક એવા લોકો છે જેમણે છેલ્લા 70 વર્ષથી શાસન કર્યું અને હવે મને પાકિસ્તાન સાથે વાત કરવાની સલાહ આપે છે.  પરંતુ આ મુદ્દા પર મારો દૃષ્ટિકોણ સ્પષ્ટ છે.  હું પાકિસ્તાન સાથે કોઈપણ રીતે વાત કરવા માંગતો નથી, હું જમ્મુ-કાશ્મીરના લોકો સાથે વાતચીત કરવા માંગુ છું.  ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિની રાહ જોવાઈ રહી છે.  આ પછી અહીં ચૂંટણી થશે અને જમ્મુ-કાશ્મીરના લોકો દ્વારા ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ જ અહીં સરકાર ચલાવશે.

હવે અહીં લોકશાહીના મૂળિયાં  મજબૂત થયા

કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની સરકારે જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહીના મૂળિયા મજબૂત કર્યા છે.  મંગળવારે રાજૌરીમાં તેમની જાહેર સભામાં તેમણે કહ્યું કે અગાઉ સત્તાની લગામ અહીં ’ત્રણ પરિવારો’ના હાથમાં હતી.  પરંતુ હવે પંચાયત અને જિલ્લા પરિષદના 30,000 ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ સરકારનો ભાગ છે.

જમ્મુ કાશ્મીરમાં માત્ર 3 વર્ષમાં જ 56 હજાર કરોડનું રોકાણ થયું

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે 2019 પહેલા જમ્મુ-કાશ્મીરમાં કુલ 17000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 3 વર્ષમાં માત્ર 56000 કરોડનું જ રોકાણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયું છે.  તેમણે કહ્યું, હું ફારુક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને પૂછવા માંગુ છું કે તેમના 70 વર્ષના શાસન દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં કેટલું રોકાણ આવ્યું?  કેટલા ઉદ્યોગો સ્થપાયા, કેટલી કંપનીઓ ખોલી?  કેટલા યુવાનોને રોજગારી મળી?

અબ્દુલ્લા, મુફ્તી અને ગાંધી પરિવારને કારણે જમ્મુ-કાશ્મીર વિકાસની રેસમાં પાછળ રહ્યું

અમિત શાહે જમ્મુ-કાશ્મીરને વિકાસની રેસમાં પાછળ રાખવા માટે અબ્દુલ્લા, મુફ્તી અને નેહરુ-ગાંધી પરિવારને જવાબદાર ઠેરવ્યા હતા.  અમિત શાહે કહ્યું કે આ પરિવારોએ જમ્મુ-કાશ્મીરના સંસાધનોનો પોતાના હિત માટે ઉપયોગ કર્યો અને સામાન્ય લોકોના ભલા માટે કંઈ કર્યું નહીં.  જ્યારે તેઓ સત્તા પર હતા ત્યારે તેમણે શક્તિવિહીન દળોનો ઉપયોગ કરીને ઘણો ભ્રષ્ટાચાર કર્યો હતો.

જમ્મુ કાશ્મીર ટેરરિસ્ટમાંથી ટુરિસ્ટ હોટસ્પોટ બન્યું

અમિત શાહે આરોપ લગાવ્યો કે દેશના અન્ય રાજ્યોમાં એન્ટી કરપ્શન બ્યુરો છે, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં નથી.  કારણ કે અહીં ત્રણ પરિવારોએ તેનો રસ્તો રોકી દીધો હતો.  કેન્દ્રીય ગૃહમંત્રીએ યુવાનોને હિંસાનાં માર્ગે ન જવાની અપીલ કરી, કારણ કે તેનાથી ક્યારેય કોઈ ભલું થયું નથી.  તેમણે કહ્યું કે અમે જમ્મુ-કાશ્મીરને દેશનું સૌથી શાંતિપૂર્ણ અને સુરક્ષિત સ્થળ બનાવવા માંગીએ છીએ.  પહેલા તે ટેરરિસ્ટ હોટસ્પોટ હતું, પરંતુ હવે તે ટુરિસ્ટ હોટસ્પોટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.