Abtak Media Google News

નાગરિકો મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા, નામ કે સરનામા સુધારવા, નવા મતદારોની નોંધણી સહિતની કામગીરી કરાવી શકશે

ગુજરાત મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા રાજ્યમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 12મી ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં આ કાર્યક્રમ શરૂ કરવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની યાદીમાં જણાવ્યા પ્રમાણે, રાજકોટ જિલ્લામાં આગામી 12મી ઓગસ્ટે સંકલિત મતદાર યાદી મુસદ્દાની પ્રસિદ્ધિ થશે.ત્યારબાદ 12મી ઓગસ્ટથી 11મી સપ્ટેમ્બર સુધીમાં નાગરિકો પોતાના હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે.

પૂરવણી યાદીઓ તથા સંકલિત મુસદ્દા મતદાર યાદી તૈયાર કરવાની ચાલી રહેલી કામગીરી

આ દરમિયાન ચાર રવિવારે ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત 21મી ઓગસ્ટ, 28મી ઓગસ્ટ, 4 સપ્ટેમ્બર તથા 11 સપ્ટેમ્બરના રોજ ખાસ ઝુંબેશ અંતર્ગત વિવિધ મતવિસ્તારો તથા બૂથમથકો પર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ થશે. જ્યાં નાગરિકો મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા, નામ કે સરનામા સુધારવા, નવા મતદારોની નોંધણી સહિતની કામગીરી કરાવી શકશે.

નાગરિકોએ કરેલા હક્ક-દાવા અને વાંધા અરજીઓનો 26મી સપ્ટેમ્બર સુધીમાં નિકાલ કરવામાં આવશે. ત્યારબાદ 4 ઓક્ટોબર સુધીમાં મતદાર યાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી કરાશે, તેમજ આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવાશે. એ દરમિયાન ડેટાબેઝમાં અપડેટ તેમજ પૂરવણી યાદીઓ પણ જનરેટ કરવામાં આવશે. 10મી ઓક્ટોબરના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.

આ ચાર રવિવારે તમામ મતદાન મથકો ઉપર ચલાવાશે ઝુંબેશ

21મી ઓગસ્ટ

28મી ઓગસ્ટ

4 સપ્ટેમ્બર

11 સપ્ટેમ્બર

કયાં સુધારા માટે ક્યું ફોર્મ ભરવું ?

મતદાર યાદીમા નામ દાખલ કરવા

મતદાર યાદીમા નામ દાખલ કરવા કે ચૂંટણી કાર્ડ માટે ફોર્મ 6 ભરવાનું રહેશે. જેની સાથે એલસી, જન્મનો દાખલો, આધારકાર્ડ, રેશન કાર્ડ, લાઇટ બીલ, ભાડા કરાર, કોઇ કુટુંબીજનનું ચૂંટણીકાર્ડ, એક પાસપોર્ટ સાઇઝનો ફોટોની જરુર રહેશે. જો કોઇ મહિલાએ લગ્ન કર્યા બાદ નવા સ્થળે નામ ઉમેરવાનું હોય તો મેરેજ સર્ટી પણ લાવવાનું રહેશેં.

મતદાર યાદીમા નામ કમી કરવા

કોઇ વ્યક્તિના લગ્ન થયા હોય અને તેને મતદાર યાદીમાં નામ કમી કરી અન્ય સ્થળે નામ ઉમેરવુ હોય અથવા તો માણસનુ મૃત્યુ થતા તેનું નામ મતદાર યાદીમાંથી કમી કરવુ હોય તો તેના માટે ફોર્મ 7 ભરવાનું રહેશે. જેના માટે ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ (જો હોય તો), મરણનો દાખલો, મેરેજ સર્ટી (લગ્ન થવાથી નામ કમી કરવાનું હોય તો) લાવવાના રહેશે.

ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા

ચૂંટણીકાર્ડમાં સુધારો કરવા માટે ફોર્મ 8 ભરવાનું રહે છે. જેના માટે જે સુધારો કરવાનો હોય તે ડોક્યુમેન્ટ, એલસી, આધારકાર્ડ, એક ફોટો, રેશનકાર્ડ તથા લાઇટબીલ જેવા દસ્તાવેજ સાથે લઇ જવા.

વ્યક્તિએ એડ્રેસ બદલાવવા

સરનામુ બદલાવા માટે મતદારે ફોર્મ 8-ક ભરવાનું રહે છે અને સાથે ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ અને હાલના સરનામાની ઝેરોક્ષ સાથે લઇ જવાની રહેશે.

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.