- ઝુંપડા વીજળીકરણ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લાના 4167 અને આણંદ જિલ્લાના 3267 લાભાર્થીઓને વીજ જોડાણ અપાયા: ઊર્જા મંત્રી કનુ દેસાઈ
આજે વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં ઝુંપડા વીજળીકરણ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લાના 4167 અને આણંદ જિલ્લાના 3267 લાભાર્થીઓને વીજ જોડાણ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અનુક્રમે રૂ. 215.51 લાખ અને રૂ. 346.48 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
તાલુકાવાર માહિતી આપતા મંત્રીએ જણાવ્યું કે અમદાવાદ જિલ્લાના અમદાવાદ સીટી, બાવળા, દસ્ક્રોઇ, દેત્રોજ–રામપુરા, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ અને વિરમગામ એમ 10 તાલુકાના કુલ 4167 લાભાર્થીઓ અને આણંદ જિલ્લામાં આણંદ, આંકલાવ, બોરસદ , ખંભાત, પેટલાદ, સોજીત્રા, તારાપુર અને ઉમરેઠ એમ 8 તાલુકાઓના કુલ 3267 લાભાર્થીઓને વીજ જોડાણ આપવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત અમદાવાદ અને આણંદ જિલ્લામાં એક પણ અરજી પડતર નથી, તેમ મંત્રીએ જણાવ્યું હતું.
ઊર્જા મંત્રીએ આ યોજના વિશે વિગતો આપતા કહ્યું કે રાજ્યના તમામ વિસ્તારના કોઈ પણ જ્ઞાતિના ગરીબ લાભાર્થીઓ પૈકી શહેરી વિસ્તારના રૂ. 1,50,000 સુધીની વાર્ષિક આવક ધરાવતા તથા ગ્રામીણ વિસ્તારના રૂ. 1,20,000 સુધીની વાર્ષિક આવક ધરાવતા લાભાર્થીઓ આ યોજના હેઠળ ઘર વપરાશનું વીજ જોડાણ મેળવી શકે છે.
આ ઉપરાંત ખેડા, સુરેન્દ્રનગર, વડોદરા, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં પણ ઝુંપડા વીજળીકરણ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઘર વપરાશના વીજ જોડાણ આપ્યા હોવાની વિગતો લેખિત પ્રત્યુત્તરમાં જણાવી હતી.
મહેસાણા જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા નોંધણી ન કરાવી હોય તેવા 29 વ્યાપારી એકમ સામે કાર્યવાહી કરી રૂ. 5,28,500 માંડવાળ ફી વસૂલાઇ: અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
વિધાનસભા ગૃહ ખાતે મહેસાણા જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા વ્યાપારી એકમ સામે કાર્યવાહી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં કુલ 29 વેપારી એકમો સામે પેકેજ્ડ કોમોડિટી રુલ્સ -2011 મુજબ નોંધણી ન કરાવવા બાબતે કાયદેસરની કાર્યવાહી કરી રૂ. 5,28,500 માંડવાળ ફી પેટે વસૂલ કરવામાં આવી છે.
વિવિધ ચીજ વસ્તુઓનું ઉત્પાદન તથા પેક કરનાર એકમો માટે નોંધણી વિશે પૂછાયેલા પેટા પ્રશ્નનના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે , વિવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન તથા પેક કરનાર એકમો માટે પેકેજ્ડ કૉમોડીટીઝ નિયમો-2011ના નિયમ-27 હેઠળ નોંધણી કરાવવી ફરજીયાત છે. નોંધણી માટે રોકાણકાર સુવિધા પોર્ટલ (આઇ.એફ.પી. પોર્ટલ) ઉપર ઓનલાઇન અરજી કરી જરૂરી ફી ભરી ઓનલાઇન નોંધણી પ્રમાણપત્ર મેળવી શકાય છે.