- મતાધિકારનો પૂરતો ઉપયોગ કરી શકે તે માટે યોગ્ય સુવિધા-સમયમાં છુટછાટ આપવાની રહેશે
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે તા. 22 જૂન-2025 રવિવારના રોજ રાજ્યના તમામ જિલ્લાઓની અંદાજે 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. રાજ્યમાં યોજાનાર આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારો-કર્મચારીઓ મતાધિકારનો પૂરતો ઉપયોગ કરી શકે તે માટે કચેરીમાં યોગ્ય સુવિધા-સમયમાં છુટછાટ ઉપલબ્ધ કરાવવાની રહેશે તેમ, સામાન્ય વહીવટી વિભાગની યાદીમાં જણાવાયું છે.
કર્મચારીઓ અને તાલીમ વિભાગના પર્સનલ, પીએજી અને પેન્શન મંત્રાલયના તા. 10 ઓક્ટોબર-2001 ની માર્ગદર્શિકા મુજબ વિવિધ સંસ્થાઓમાં કાર્યરત કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેમ કે બેંકો, એલઆઇસી વગેરેના કર્મચારીઓ જો તેઓ વાસ્તવિક મતદારો હોય અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા ઇચ્છતા હોય તો તેમનો મતાધિકાર સુનિશ્ચિત થાય તે માટે સેવા સંબંધિત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમને મતદાન માટે યોગ્ય છૂટછાટ આપવાની રહેશે. જેમ કે મતદાન કરવા માટે ઓફિસમાં મોડા આવવાની છૂટ, ઓફિસથી વહેલા નીકળવાની છૂટ અથવા થોડા સમય મતદાન માટે ગેરહાજર રહેવાની છૂટ આપવી જોઈએ તેમ, યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, રવિવારના દિવસે સામાન્ય રીતે રાજ્ય સરકારના મોટાભાગની કચેરીઓ બંધ રહે છે, પરંતુ કેટલાક વિભાગો જેમ કે ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો, સહકારી બેન્કો બેંકો, રેલવે, ટેલિફોન, પોસ્ટ કચેરીઓ, દુકાનો, વેપારિક સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ, હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ તથા અન્ય આવશ્યક સેવાઓ આપતી સંસ્થાઓ રવિવારના રોજ પણ કાર્યરત રહેતી હોય છે. આ સંસ્થાના કર્મચારીઓને મતદાન કરવા માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની રહેશે.