ગુલાબી દડામાં ઇંગ્લેન્ડ ‘રાતા પાણી’ એ રડ્યું

ગુલાબી દડામાં ઇંગ્લેન્ડ “રાતા પાણીએ રડયું:મેચ ત્રીજા દિવસે જ સમેટાઈ જશે!!

ભારત ૩૦૦ જેટલા રન કરીને ઇંગ્લેન્ડને પહાડ જેવા લક્ષ્યાંકમાં દબાવી દેશે!!

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ડે-નાઈટ પિંક બોલ ટેસ્ટનો પ્રારંભ થઇ ચુક્યો છે. ગુલાબી દડામાં ઇંગ્લેન્ડને જાણે પ્રથમ દિવસે જ રાતા પાણીએ રડવું પડ્યું હતું તેવી સ્થિતિ ઉભી થઇ છે. પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડ માત્ર ૧૧૨ રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું અને પુરી ૫૦ ઓવર પણ રમી શક્યું ન હતું. ગુજરાતી સ્પિનર બોલર અક્ષર પટેલે ઇંગ્લેન્ડની ૬ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી ઇંગ્લેન્ડ ગોઠણીયે લાવી દીધું હતું ત્યારે અશ્વિને ૩ અને ઇશાંત શર્માએ ૧ વિકેટ લીધી હતી. રેડ સોઈલ પિચમાં અક્ષર પટેલે તરખાટ મચાવતા ઇંગ્લેન્ડના બેટ્સમેનો ઘૂંટણિયે આવી ગયા હતા. જો કે, ત્યારબાદ ભારતે પોતાની પ્રથમ ઇનિંગની શરૂઆત સારી કરી હતી અને પ્રથમ દિવસના અંતે ભારતે ૩ વિકેટ ગુમાવી ૯૯ રન બનાવી લીધા હતા. રોહિત શર્માએ ૫૭ રનનું યોગદાન આપ્યું છે અને હજુ તે ક્રિઝ પર ઉભો છે. હાલની સ્થિતિ જોતા તો એવું જ લાગી રહ્યું છે કે, મેચ ત્રીજા દિવસે જ સમેટાઈ જશે. આજે ભારતીય ટીમ બીજા દિવસે ફરીવાર રમતમાં ઉતરશે. ક્રિઝ પર રોહિત શર્મા અને અજિંક્ય રહાણે અણનમ ઉભા છે ત્યારે ભારતીય ટીમ ૩૦૦ જેટલા રન બનાવે તો ઇંગ્લેન્ડ માટે આ મેચ હાથમાંથી નીકળી જશે અને ભારત ત્રીજા ટેસ્ટમાં ત્રીજા દિવસે જ જીત મેળવી લે તેવો ઘાટ સર્જાયો છે.

બીજી બાજુ વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડની તમામ વિકેટ ભારતીય સ્પિન બોલરોના જાદુના કારણે મળી છે તે વાત સ્પષ્ટ છે જ્યારે ભારતીય બેસ્ટમેનોએ પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટ ગુમાવી છે તે બેટ્સમેનોની ભૂલને કારણે ગુમાવી છે. શુભમન ગિલ જોફરા આર્ચરની બોલિંગમાં શોર્ટ બોલ બાઉન્ડ્રી બહાર મોકલવા ગયો અને કેચ આઉટ થઈ ગયો જ્યારે પુજારા ડિફેન્સીવ રમવાના કારણે એલબીડબ્લ્યુ થયો અને કોહલી પણ બોલને રૂમ બનાવી શોટ ફટકારવા જતા લીચની બોલિંગમાં ક્લીન બોલ્ડ થયો હતો. ભારતના ત્રણેય બેટ્સમેનો તેમની ભુલને કારણે પેવેલિયન ભેગા થયા હતા.

બીજીબાજુ ઇંગ્લેન્ડ નબળી પુરવાર થઈ છે તેનું કારણ એકમાત્ર છે કે ઇંગ્લેન્ડ પાસે માત્ર એક જ સ્પિનર બોલર લીચ છે જ્યારે ભારતીય ટીમ પિકબોલ ટેસ્ટ મેચમાં ૩ સ્પિનરો સાથે ઉતરી છે. અને અક્ષર પટેલનું તો હોમગ્રાઉન્ડ હોય પોતાની બીજી જ ટેસ્ટ મેચમાં તેને ૬ વિકેટ મેળવી છે. અગાઉ તેને પ્રથમ ટેસ્ટમાં પણ ૫ વિકેટ મેળવવાની સિદ્ધિ હાસંલ કરી છે. ભારતીય ટીમે ૩ સ્પિનરો ઉતારવાનો મોટો ફાયદો મળ્યો છે.

ઈંગ્લેન્ડ ૩ પ્રકારના પિંક બોલથી ટેસ્ટ રમનાર ટીમ બની છે. ઘર આંગણે કોહલી સૌથી સફળ કેપ્ટન બની શકે છે. ભારતની ટીમમાં મોહંમદ સિરાજ અને કુલદીપ યાદવની જગ્યાએ જસપ્રીત બુમરાહ અને વી. સુંદરનો સમાવેશ. સુંદરને બેટિંગના લીધે કુલદીપની જગ્યાએ સ્થાન મળ્યું છે.

અક્ષર-અશ્વિનની જોડીએ ઇંગ્લેન્ડના બેટ્સમેનોને ગોઠણીયે વાળી દીધા

ઇંગ્લિશ બેટ્સમેનને ટેસ્ટના પ્રથમ દિવસે અનઇવન બાઉન્સ અને સ્પિને હેરાન કર્યા. તેમનો ટોસ જીતવાનો એડવાન્ટેજ જતો રહ્યો છે. અક્ષર અને અશ્વિનના અમુક બોલ વધારે પડતા ઉછળી રહ્યા છે. ક્રિકેટિંગ ક્લિશેમાં કહેવાય એમ ઝીપ ઓફ ધ વિકેટ. બોલ ઇઝ બાઇટિંગ ધ સરફેસ. જે રીતે પિચ પર માટી ઉડી રહી છે, અને રફ પેચીસ બની રહ્યા છે, એક વસ્તુ નક્કી છે, મેચ પાંચમા દિવસ સુધી નહિ જાય.