ઈતિહાસની સાક્ષી પુરતા સુદર્શન તળાવને કાયમી જીવંત રાખવા મરામત આવશ્યક

ઈ.સ.પૂર્વ 302માં મૌર્યવંશના સ્થાપક પુષ્યગુપ્તએ ગિરીનગર વિકસાવવા સાથે  સિંચાઈ માટે  સુદર્શન  તળાવનું નિર્માણ કરેલું:ચોમાસાની  ઋતુમાં રોપવેમાંથી જોતા આ તળાવની  ફરતી બાજુ લીલી હરિયાળી અને વચ્ચે તળાવ આજે પણ આંખોને ગમે છે

ઇતિહાસમાં એક આગવું સ્થાન ધરાવતું અને સૌકા પહેલા સમગ્ર ગુજરાતનું  સૌપ્રથમ બંધ તળાવ એટલે  ભવનાથનું સુદર્શન  જળાવ ઈસવિસન પૂર્વે 302માં મોર્યવંશના સ્થાપક રાજ્યપાલ પુષ્યગુપ્તએ ગિરીનગર વિકસાવવા સાથે સિંચાઈ માટે સુદર્શન તળાવનું નિર્માણ કર્યું હતું. ચંદ્રગુપ્તના પૌત્ર અશોક મોર્યએ સુદર્શન તળાવ માંથી નહેરો કઢાવીને સિંચાઇ વ્યવસ્થા કરી હતી. બાદમાં અશોકના રાજ્યપાલ પવન રાજ તુષાસ્ફે આ તળાવને પ્રણાલિકાઓથી અલંકૃત કર્યું હતું. જો કેે, હાલના સમયમાં તંત્રની ઉદાસીનતા અને બેદરકારીના કારણે સુદર્શન તળાવ ધૂળધાણી થઈ રહ્યુ છે, જૂનાગઢના ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરતા આ તળાવને કાયમી જીવંત રાખવા સરકાર, તંત્રે હવે જાગી જઈ, તળાવને જાળવી લેવાની જરૂરિયાત જ નહિ પણ આવશ્યકતા છે. અને તેના કારણે જ જૂનાગઢના રજવાડા, એ વખતના આલાંકારિત બાંધકામો અને ભવ્યતાના દેશ વિદેશના પ્રવાસીઓ દર્શન કરી શકશે, અનેક એન્જીન્યરો, વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવાશે. સાથોસાથ જૂનાગઢની શોભામાં પણ અભિવૃદ્ધિ થશે.

 જૂનાગઢના આ પ્રાચીન સુદર્શન તળાવના ભવ્ય ઇતિહાસ પર નજર કરીએ તો, જૂનાગઢના ભવનાથ ખાતે ભવનાથ મંદિરની પાછળ જતા રસ્તાની ઉપરની બાજુએ આ તળાવ આવેલું છે. જે ગીરનારની ગોદમાં આવેલ સુવર્ણસિકતા અને પલાસિની નદીને જોડીને ઈસવિસન પૂર્વે 302માં નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાની સુવર્ણસિકતાએ આજની સોનરખ નામે ઓળખાતી નદી અને પ્લાસીની હાલમાં લુપ્ત થયેલી નદી છે.

આ તળાવનો ઇતિહાસ મોર્યવંશના સ્થાપક ચંદ્રગુપ્તના સમયથી શરૂ થાય છે. ઈસ. પૂર્વે 302માં મોર્યવંશના સ્થાપક રાજ્યપાલ પુષ્યગુપ્તએ ગિરીનગર વિકસાવવા સાથે સિંચાઈ માટે સુદર્શન તળાવનું નિર્માણ કર્યું હતું. ગિરનારમાંથી વહેતી સુવર્ણસિકતા અને પલાસિની નદીઓના પ્રવાહને જોડીને સુદર્શન તળાવનું નિર્માણ થયું હતું. અને ચંદ્રગુપ્તના પૌત્ર અશોક મોર્યએ સુદર્શન તળાવ માંથી નહેરો કઢાવીને સિંચાઇ વ્યવસ્થા કરી હતી. તે સમયમાં અશોકના રાજ્યપાલ પવનરાજ તુષાસ્ફે આ તળાવને પ્રણાલિકાઓથી અલંકૃત કર્યું હતું. તળાવના તટ પર અટ્ટાલિક- અટાળી, ઉપતલ્ય-છત્રી, દ્વાર દરવાજા, શરણ-આરામ સ્થળ અને તોરણ શિલ્પોથી શણગાર્યું હતું. તે સમયમાં ઇટો કે પથ્થરોનો ઉપયોગ કરી તળાવો બાંધવામાં આવતા ન હતા. તળાવો બનાવવા માટે પાણીના ઝરણા કે નદીના પ્રવાહને રોકવા બંધ બાંધી તળાવનું નિર્માણ કરવામાં આવતું હતું. તળાવ બાંધવાની આ પદ્ધતિ આજે પણ હજુ ઘણા પ્રદેશોમાં પ્રખ્યાત છે.

એ વખતે બનેલું સુદર્શન તળાવ 470 વર્ષ સુધી ટકી રહ્યું હતું. માગશર માસની અમાસની રાતે કમોસમી વરસાદ થતા આ તળાવનું ભંગાણ થયું હતું. અને તળાવને ઘણું બધું નુકસાન પહોંચ્યું હતું. તે સમયે કાદીમવંશના રાજા રૂદ્રદામનનું શાસન હતું. તેમના સુબા સુવીશાખના હસ્તે કોઈપણ જાતના કર ઉધરાવિયા વગર તળાવનું તાત્કાલિક પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું. અને સુદર્શન તળાવને વધુ મજબૂત અને સુંદર બનાવવામાં આવ્યું હતું. જે 300 વર્ષ સુધી ટકી રહ્યું હતું.

બાદમાં ફરી સુદર્શન તળાવ ઇ.સ. 456 મા ગુપ્ત વંશના છઠ્ઠા રાજવી સ્કંદગુપ્તના રાજ્યપાલ પુર્ણદતના પુત્ર ચક્રયાલિત દ્વારા સુદર્શન તળાવનું બીજીવાર નિર્માણ કરવામાં આવ્યું હતું. આમ સુદર્શન તળાવ બે વખત તૂટયું હતું અને નિર્માણ પામ્યું હતું.

પરંતુ ત્રીજી વખત સુદર્શન તળાવ ક્યારે તૂટયું હશે તેની કોઈ માહિતી હજુ સુધી મળી નથી. ત્યારે ઇતિહાસકાર નરોત્તમભાઈ પલાણએ એવું અનુમાન કર્યું હતું કે, ઈસ 788 માં વલ્લભી ભંગ પછી આ તળાવ તુટયુ હશે. જો પેહલા તૂટયું હોત તો ક્ષત્રિયવંશ અને ગુપ્તવંશના રાજ્યની માફક મૈત્રકવંશના રાજવીઓએ તેનું નિર્માણ કરાવ્યું હોત. આ રાજાઓ પ્રજાની સુખાકારીનો વિચાર કરે અને તળાવનું ફરી નિર્માણ કરાવે તે માટે સમર્થ હતા. ત્યારે આ સુદર્શન તળાવ આઠમી સદી પછી ગમે ત્યારે તૂટી હોવાનું અનુમાન લગાડી શકાય અને પછી તેનું પુન:નિર્માણ કરાવે તેવા કોઇ રાજવિ જૂનાગઢમાં થયા નથી. ચુડાસમાઓ શક્તિશાળી હતા. પરંતુ તેમનો આરંભનો કાળ સોલંકી વંશ સાથે અને અંતનો કાળ અમદાવાદના સુલતાનો સાથેની લડાઈમાં વીત્યો હતો. ત્યારબાદ આ સ્થિતિમાં સુદર્શન તળાવ રહ્યું અને ફરી નિર્માણ થયું ન હતું. અને આજ સુધી તે એમનું એમ જોવા મળે છે.

આ માનવકૃત સુદર્શન તળાવે આશરે 1200 વર્ષ સુધી લોકોને પાણી પૂરું પાડ્યું છે. અને ઈતિહાસથી ભરપૂર આ તળાવ આજે પણ લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સુદર્શન તળાવ અંગેના લેખો અને ઇતિહાસ પરથી જરૂર કહી શકાય કે આ તળાવ બાંધવામાં વૈજ્ઞાનિક બુદ્ધિ ઉચ્ચ કોટિની છે. ઈસ. પૂર્વે ચોથી સદીમાં બંધાયેલું આ સરોવર છે. ઇસ. પાંચમી સદીમાં સંમાર્જીત થયેલું અને 900 વર્ષ લગી સચવાયું હોવાના ઉલ્લેખો સાંપડે છે જેના કારણે આ તળાવ પ્રાચીન સરોવર અને કુંડોમાં ઇતિહાસ ધરાવે છે. અને કહેવાય છે કે, આ ઇતિહાસ અશોકના શિલાલેખ પર પણ વર્ણવાયો છે.

આ સુદર્શન તળાવ ઘણું પૌરાણિક મહત્વ ધરાવે છે. અને આ તળાવના સૌંદર્યની વાત કરવામાં આવે તો શબ્દો જ ખુંટી પડે તેમ છે. ગિરનાર પર્વત પર બિરાજતાં મા અંબાજીના દર્શન  રોપવે દ્વારા કરવામાં જઈએ ત્યારે રોપવેમાંથી દેખાતું સુદર્શન તળાવ ખુબ રમણીય અને મનમોહક લાગે છે જે જોવાનો પણ એક લાહવો છે. તેમાં પણ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ફરતી બાજુ લીલી હરિયાળી અને વચ્ચે રમણીય એવું સુદર્શન તળાવ આંખોને આહલાદક લાગે છે.

સુદર્શન તળાવનો ઇતિહાસ આમ તો જેટલો ભવ્ય છે એટલો જ કરુણ છે. કારણ કે, આ તળાવ વારેવારે ટુટેયાની કરુણ કહાની જૂનાગઢના ઇતિહાસમાં એક નોંધ લેવા જેવી ઘટના છે. અને હાલમાં પણ આ તળાવ તેની મરામત માંગે છે, એક ભવ્ય ઇતિહાસની ગવાહી પુરાવા.

ગુજરાતના ભવ્ય સંભારણા સાચવવા સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, ત્યારે હજારો વર્ષે પૂર્વે બંધાયેલા, એ વખતના ગુજરાતના પ્રથમ અને કલાત્મકની સાથે એ સમયમાં સિંચાઇ માટે ઉપયોગમાં લેવાયેલા તળાવની ભવ્યતા નામ શેષ થઈ રહી છે તેને જીવંત કરવી જોઈએ તે સંવેદન સરકાર માટે સંવેદન નિર્ણય ગણાશે.