Abtak Media Google News

બહુવિવાહ અને નિકાહ – હલાલાની વિરુદ્ધ દાખલ વધારે એક અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ઇશ્યું કરીને જવાબ માંગ્યો છે. સીજેઆઇ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પીઠે બુલંદશહેરની રહેવાસી 27 વર્ષીય ફરજાનાની અરજીને મુખ્ય કેસ સાથે સંલગ્ન કરી દીધી. તમામ અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક પીઠ સુનવણી કરશે. કોર્ટે આ મુદ્દે વરિષ્ઠ વકીલ વિકાસ સિંહને એમિક્સ નિયુક્ત કર્યા છે.ઉત્તરપ્રદેશના બુલંદશહેરની 27 વર્ષીય ફરઝાનાએ બહુવિવાહ અને નિકાહ – હલાલાને અસંવૈધાનિક ગણાવવાની માંગવાળી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે.

ફરઝાનાના લગ્ન 25 માર્ચ 2012ના રોજ મુસ્લિમ રીતિ રિવાજ અનુસાર અબ્દુલ કાદિર સાથે થયા હતા. એક વર્ષ બાદ ફરઝાનાને પતિની પુર્વમાં લગ્નની માહિતી મળ્યા બાદ બંન્નેમાં વિવાદ થઇ ગયો હતો. ફરઝાનાનો આરોપ છે કે સાસરામાં તેને દહેજ માટે પરેશાન કરવામાં આવી રહી હતી અને તેનો પતિ તેની સાથે મારપિટ કરવા લાગ્યો હતો. વર્ષ 2014માં પતિએ તેને બિનકાયદેસર રીતે ત્રિપલ તલાક આપ્યો હતો. ત્યારથી ફરઝાના પોતાની પુત્રી સાથે માતા પિતાના ઘરે રહે છે.

ફરઝાનાની અરજીમાં માંગ કરવામાં આવી છે કે, મુસ્લિમ પર્સનલ લો (શરીયત)1937ની કલમ-2ને અસંવૈધાનિક ગણાવી દેવામાં આવે. કલમ બે નિકાહ- હલાલા અને બહુવિવાહને માન્યતા આપે છે. જો કે આ મૌલિક અધિકારો (સંવિધાનના અનુચ્છે 14-15 અને 21)ની વિરુદ્ધ છે. નિકાહ-હલાલા હેઠળ છુટાછેડાવાળી મહિલાએ પોતાનાં પતિ સાથે બીજીવાર લગ્ન કરવા માટે પહેલા બીજા કોઇ પુરૂષ સાથે લગ્ન કરવા પડે છે. બીજા પતિને તલાક આપ્યા બાદ જ તે મહિલા પોતાના પહેલા પતિ સાથે નિકાહ કરી શકે છે. જ્યારે બહુવિવાહ નિયમ મુસ્લિમ પુરૂષને ચાર પત્ની રાખવાનો પણ અધિકાર આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.