રાજકોટ રેલવે ડિવિઝનમાં ’આંતર રાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉત્સાહભેર ઉજવણી

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આજે ‘આંતર રાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા મળેલ માર્ગદર્શિકા મુજબ, યોગ સત્રનું આયોજન રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ, કોઠી કમ્પાઉન્ડ, રાજકોટ ખાતે સવારે 06.30 થી 07.45 દરમિયાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 8મા ’આંતર રાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે આપેલા સંદેશનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, પતંજલિ યોગ સમિતિ-રાજકોટના યોગ પ્રશિક્ષકા ગોપાલ શર્મા, કિશોર રાઠોડ અને ધનંજય રાઠોડના માર્ગદર્શન હેઠળ રેલ્વે અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો ને કોમન યોગા પ્રોટોકોલ અંતર્ગત આસન, પ્રાણાયામ અને ધ્યાન સંબંધિત વિવિધ કસરતોની તાલીમ આપવામાં આવી હતી.

આ પ્રસંગે રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલ્વે મેનેજર અનિલ કુમાર જૈને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, યોગ ને રેલવે કર્મચારીઓએ તેમના રોજીંદા જીવનમાં અપનાવવો જોઈએ અને સાથે જ તેમના પરિવારના સભ્યોને પણ આ માટે પ્રેરિત કરવા જોઈએ જેથી કરીને તમામ લોકો શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહે.” યોગાભ્યાસના આ કાર્યક્રમમાં એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર ગોવિંદ પ્રસાદ સૈની, સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર અભિનવ જેફ, સિનિયર ડિવિઝનલ પર્સનલ ઑફિસર મનીષ મહેતા અને વિવિધ વિભાગોના અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મુખ્ય વેલ્ફેર ઇન્સ્પેક્ટર શૈલેષ મકવાણાએ કર્યું હતું. અંતે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.