- હવે કોઈ વિદેશી વ્યક્તિ નકલી પાસપોર્ટ કે માન્ય વિઝા સાથે ભારતમાં પ્રવેશ કરે તો સાત વર્ષ સુધીની જેલ અથવા રૂ. 1થી 10 લાખનો દંડ
અમેરિકાએ તેમના દેશમાં ગેરકાયદે પ્રવેશનારા પ્રવાસીઓ પર એક્શન લઇ 104 ભારતીયોને પરત ભારત મોકલવામાં આવ્યા હતા. હવે ભારત પણ આ બાબતે કડક વલણ અપનાવી રહ્યું છે. ત્યારે હવે માન્ય વિઝા કે પાસપોર્ટ વિના ભારતમાં વસતા લોકો પર તવાઈ બોલાવવામાં આવશે. માન્ય પાસપોર્ટ કે વિઝા વગર ભારતમાં પ્રવેશ કરનાર કોઈપણ વિદેશીને પાંચ વર્ષ સુધીની જેલ અને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જો કોઈ વિદેશી વ્યક્તિ નકલી પાસપોર્ટ સાથે ભારતમાં પ્રવેશ કરે છે અથવા રહે છે કે બહાર નીકળે છે, તો તેને બે વર્ષથી ઓછી નહીં પરંતુ સાત વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે. ઉપરાંત, 1 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઇ શકશે. આ જોગવાઈઓ ઇમિગ્રેશન અને વિદેશીઓ બિલ, 2025ની છે.નવા બિલને લોકસભામાં રજૂ કરવામાં આવશે. લોકસભામાં રજૂ થનારા આ બિલનો ઉદ્દેશ્ય ફોરેનર્સ એક્ટ, 1946, પાસપોર્ટ એક્ટ, 1920, રજિસ્ટ્રેશન ઓફ ફોરેનર્સ એક્ટ, 1939 અને ઇમિગ્રેશન (કેરિયર્સ લાયબિલિટી) એક્ટ, 2000 ને બદલીને ઇમિગ્રેશન અને વિદેશીઓ પરના હાલના કાયદાઓને એકીકૃત કરવાનો છે. હાલમાં, માન્ય પાસપોર્ટ તેમજ વિઝા સહિત મુસાફરી દસ્તાવેજ વિના દેશમાં પ્રવેશતા વિદેશી માટે મહત્તમ સજા પાંચ વર્ષની જેલ અને અન્ય દંડ છે. નકલી પાસપોર્ટ પર પ્રવેશ કરનારાઓ માટે મહત્તમ સજા આઠ વર્ષની જેલ અને 50,000 રૂપિયા સુધીનો દંડ છે. આ બિલમાં તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓને પ્રવેશ મેળવવા માંગતા કોઈપણ વિદેશીની માહિતી નિયુક્ત નોંધણી અધિકારી સાથે શેર કરવા માટે જવાબદાર બનાવવાની પણ જોગવાઈ છે. આ જોગવાઈ હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ અને અન્ય તબીબી સંસ્થાઓને પણ લાગુ પડશે જેમના કેમ્પસમાં રહેણાંક સુવિધાઓ ઉપલબ્ધ છે. નવા બિલ હેઠળ એવો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે કે કોઈપણ વિદેશી વ્યક્તિ કે તેના વિઝાની મુદત કરતાં વધુ સમય સુધી રોકાય છે અથવા વિઝાની શરતોનું ઉલ્લંઘન કરે છે, અથવા પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરે છે, તેને ત્રણ વર્ષ સુધીની જેલ અથવા રૂ. 3 લાખ સુધીનો દંડ અથવા બંને સજા થશે. આ બિલમાં ઇમિગ્રેશન અધિકારી દ્વારા માન્ય પાસપોર્ટ અથવા મુસાફરી દસ્તાવેજ/વિઝા ન ધરાવતા વિદેશીને લઈ જવા માટે જવાબદારો સામે પણ કડક કાર્યવાહી કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.