સૌરાષ્ટ્રના સાવજો સૈયદ મુસ્તાકઅલી ટ્રોફી માટે સજ્જ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનએ ખેલાડીઓની યાદી જાહેર કરી: ૧૦મી જાન્યુઆરીથી મેચનો પ્રારંભ

કોરોનાને કારણે અટકી પડેલી ડોમેસ્ટિક ક્રિકેટ સિઝન ફરી એકવાર શરૂ થવાની છે. સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની T-૨૦ ટુર્નામેન્ટ આગામી ૧૦ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી રમવાની છે. જે માટે સૌરાષ્ટ્રની ટિમ સજ્જ થઈ ગઈ છે. અને હવે T-૨૦ ટુર્નામેન્ટમાં પણ સફળતા મેળવવા સૌરાષ્ટ્રની ટીમ દ્વારા પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે.

સૌરાષ્ટ્રની ટીમ ઇન્દોર ખાતે ૫ મેચ રમવાની છે. જે પૈકી ૨ મેચ રાત્રી અને ૩ મેચ દિવસ દરમિયાન રમશે. આ સાથે સૌરાષ્ટ્રની ટિમ ઇન્દોર જવા માટે ૨ જાન્યુઆરીના રોજ રવાના થશે અને ત્યાં પહોંચી ૧૦ જાન્યુઆરીના રોજ પ્રથમ મેચ રમશે.

બીસીસીઆઈની સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ઝ-૨૦ ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્રની સિનિયરની ટીમના સિલેકશનના અનુસંધાને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ઓનલાઇન પ્લેટફોર્મ પર મિટિંગ મળી હતી. જેમાં ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. જે મુજબ સૌરાષ્ટ્રની ટીમના કપ્તાન જયદેવ ઉનડકટના નેજા હેઠળ ચિરાગ જાની, એવી બારોટ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હાવિર્ક દેસાઈ, અર્પિત વસાવડા, સમર્થ વ્યાસ, વિશ્વરાજસિંહ જાડેજા, ચેતન સાકરીયા, પ્રેરક માકડ, દિવ્યરાજસિંહ જાડેજા, વંદિત જીવરાજાની, પાર્થ ભૂત, અગ્રિવેશ સચિવ, કુનાર કરમચંદાણી, યુવરાજ ચુડાસમા, હિમાલય બારડ, કુશંગ પાર્થ ચૌહાણ અને દેવાંગ કરમટાની પસંદગી કરવામાં આવી છે.

આ ટુર્નામેન્ટ ૧૦ જાન્યુઆરી ૨૦૨૧થી શરૂ થશે. જે મુજબ તા.૧૦મીએ બપોરે ૧૦ વાગ્યે સર્વિસઝ સામે, તા.૧૩મીએ બપોરે ૧૨ વાગ્યે વિદર્ભ સામે, તા.૧૫મીએ રાતે ૭ વાગ્યે ગોવા સામે, તા.૧૭મીએ બપોરે ૨ વાગ્યે મધ્યપ્રદેશ સામે અને તા.૧૯મીએ સાંજે ૭ વાગ્યે રાજસ્થાન સામે મેચ રમશે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રણજી ટ્રોફી ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે શાનદાર જીત મેળવી હતી. જેથી ટીમનો જુસ્સો અકબંધ જોવા મળી રહ્યો છે અને કપ્તાન જયદેવ ઉનડકટની આગેવાનીમાં સૌરાષ્ટ્રની ટિમ શ્રેષ્ઠ દેખાવ કરે તેવી આશા છે અને આ માટે અત્યારથી જ ટીમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.