દવાથી લઈ દારૂને ઉડાન ભરાવવા ડ્રોન સજજ!!

ઓર્ડર કરતાં જ ડ્રોન દારૂ-દવા સહિતની ચીજ-વસ્તુઓ તમે ઈચ્છો તે સ્થળે પહોચાડી દેશે; બેંગ્લુરૂમાં પરીક્ષણ સફળ

“ડોન” કો પકડના મુશ્કેલ હી નહીં નામુમકીન હૈ… ટેકનીકલ પ્રશ્ર્નો તેમજ ગેરઉપયોગ થશે તો ડ્રોનની સુવિધા માથાનો દુ:ખાવો પણ બની શકે!!

21મી સદીના આજના આધુનિક ગણાતા યુગમાં મોટાભાગની તમામ સેવા હવે આંગળીના ટેરવે ઘેરબેઠા મળતી થઇ છે. પરંતુ હવે એના કરતાં પણ એક સ્ટેપ આગળ સેવા ઉપલબ્ધ થવા જઈ રહી છે. ભારતમાં પણ હવે ટૂંક સમયમાં ડ્રોન મારફતે દારૂ થી લઇ દવા સુધીની તમામ ચીજવસ્તુઓ મળી રહે તેમ શક્ય બનશે. દવાથી લઇને દારૂની ઉડાન ભરાવવા ડ્રોન સજ્જ થયું છે.

તાજેતરમાં બેંગલુરુમાં દવા ની ડીલેવરી ડ્રોન મારફતે કરવાનો પાયલટ રન પ્રોજેકટ શરૂ થયો છે. જેનું પરિક્ષણ સફળ રહ્યું છે. દવાઓની ડ્રોન ડિલિવરી માટે બિયોન્ડ વિઝ્યુઅલ લાઈન ઓફ સાઈટ (BVLOS) ટ્રાયલ-રન શુક્રવારે બેંગલુરુમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ પાયલોટ રનનું નેતૃત્વ થ્રોટલ એરોસ્પેસ સિસ્ટમ્સ (TAS) અને B2B ઇ-કોમર્સ કંપની ઉડાન દ્વારા ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. દવાઓની છેલ્લી માઇલ ડિલિવરી માટે ઉડાન દ્વારા બેંગલુરુની હદમાં ગૌરીબદાનુર ખાતે 15 કિલોમીટરની ત્રિજ્યામાં આ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યુ  હતું.

આ મારફતે ગ્રાહકોને સિમ્યુલેટેડ ડિલિવરી સાથે મેડકોપ્ટર એક્સ 4 અને મેડકોપ્ટર એક્સ 8 – ડ્રોનના બે પ્રકારનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 2 – 7 કિમી હવાઈ અંતરથી અલગ અલગ નિયત વિસ્તારમાં વિવિધ અંતર પર 2kg સુધીના પેલોડ સાથે ફાર્મા ડિલિવરીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પાયલોટ ડિલિવરીએ 5-7 મિનિટમાં સરેરાશ 3.5 કિમી અંતર કાપ્યું. ડિલિવરીની બે અલગ અલગ રીતોનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું – શિપમેન્ટનું ટેથર્ડ લોઅરિંગ અને શિપમેન્ટ સાથે કોપ્ટરનું લેન્ડિંગ. જે બંને સફળ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે એકવાર વ્યાપારીકરણ થઈ ગયા પછી, દૂરના વિસ્તારોમાં નિયમિત ડિલિવરી ઉપરાંત, ટેકનોલોજીનો ઉપયોગ કુદરતી દુર્ઘટના, રોગચાળો અને આફતોના સમયે કોઈ પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અથવા લોજિસ્ટિક પડકારોનો સામનો કર્યા વિના દેશના દૂરના ખૂણામાં પણ જીવન બચાવતી દવાઓ સપ્લાય કરવા માટે પણ થઈ શકે છે.

જો કે આ પ્રકારે ટેકનોલોજી વિકસતા ડ્રોનનો દુરુપયોગ પણ થઈ શકે છે. ડોનનો પકડના મુશ્કિલ હી નહીં ના મુમકીન હે… પિકચરના ડાયલોગની જેમ સ્થિતિ ઉત્પન્ન થાય તો પણ નવાઈ નહીં..!!