દુનિયાના અદ્યતન સાધનોથી સજજ,વિજ્ઞાન કેન્દ્રની એસ્ટ્રોનોમી કલબ

  • 12 ઈંચનો વ્યાસ ધરાવતા અને તેથી નાના કુલ 20થી વધુ ટેલિસ્કોપ ઉપલબ્ધ: અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકોએ આકાશદર્શન કર્યું છે
  •  દર વર્ષે ગીરમાં યોજાતી સ્ટાર પાર્ટીમાં 100થી વધુ ખગોળ રસિકો જોડાય છે : રસ ધરાવતાઓએ વિજ્ઞાન કેન્દ્રમાં જોડાવા અનુરોધ

 

ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર  રાજકોટ ખાતે 1979 થી કાર્યરત છે. સામાન્ય નાગરિકોમાં વિજ્ઞાનનો પ્રચાર અને પ્રસારનો હેતુ હોવાથી તેમજ ખગોળ પણ વિજ્ઞાનનોજ એક ભાગ હોવાથી ખગોળની પ્રવૃતિઓ શરૂઆતથીજ કેન્દ્ર ખાતે થતી રહી છે. 31 મે 2003ના રોજ સુર્યનું કંકણાકાર સૂર્યગ્રહણ હતું જે રાજકોટમાં માત્ર આંશિક દેખાવાનું હતું.  કેન્દ્ર ખાતે એસ્ટ્રોનોમી ક્લબ શરૂ કરવાનો વિચાર કોઇકે મૂક્યો. બીજા દિવસે જ, કે જે રવિવાર હતો, લોક વિજ્ઞાનકેન્દ્રની લાયબ્રેરીમાં બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ-ઇઇઅઈની સ્થાપના થઈ અને દર રવિવારેજ શરૂઆતના 8-10 મિત્રો લાયબ્રેરીમાંજ એકઠા થવા લાગ્યા. નાગરિકો માટે ખગોળ ઘટનાઓનું નિદર્શન કરી શકાય તે માટે ક્લબ પાસે સૌથી મોટું 4 ઇંચનો વ્યાસ ધરાવતું ટેલિસ્કોપ માત્ર હતું.

 

દિવસે દિવસે પ્રવૃતિઓનો પ્રકાર અને વ્યાપ વધતાં ગયા અને સાથે સાથે સાધનો પણ. આજે, 2022 માં આ ક્લબ પાસે દુનિયાની કોઈ પણ એસ્ટ્રોનોમી ક્લબને ટક્કર મારે એવા અને એટલા સાધન તેમજ સંસાધનો છે. 12 ઇંચ નો વ્યાસ ધરાવતા 2, 10 ઇંચ નો વ્યાસ ધરાવતા 3, 8 ઇંચનો વ્યાસ ધરાવતા 3, 6 ઇંચનો વ્યાસ ધરાવતા 2, 5 ઇંચનો વ્યાસ ધરાવતા 2, 4ઇંચનો વ્યાસ ધરાવતા 2 તમજ 2.5 ઇંચનો વ્યાસ ધરાવતા 7 ટેલિસ્કોપ છે. આ સિવાય અલગ અલગ બાઈનોકયુલર્સ તેમજ આકાશદર્શન માટે જરૂરી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જેમ કે ડાર્ક એડેપટેશન લાઇટ્સ, સ્કાઇ ક્વોલિટી મીટર, ઇલેક્ટ્રોનિક આઈપીસ, એસ્ટ્રોફોટોગ્રાફી મોટોરાઈઝ્ડ માઉન્ટ, DSLR  કેમેરા વગેરે પણ એક કરતાં વધારે સંખ્યામાં આ ક્લબ ધરાવે છે. પાછલા 18 વર્ષમાં બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ લગભગ 2 લાખ લોકોને આકાશદર્શન કરવી ચૂકી છે. 2003નાં સૂર્યગ્રહણમાં 4 લોકો અવલોકન માટે આવ્યા હતા જ્યારે 2019 ડિસેમ્બરમાં થયેલ સૂર્યગ્રહણ જોવા માટે ક્લબના આયોજનમાં લગભગ 3000 લોકો જોડાયા હતા.

 

કાર્યક્રમની દ્રષ્ટિએ જોઈએ તો 2014 અને 2016 માં એમ બે વખત ક્લબ દ્વારા કેન્દ્ર ખાતે ઓલ ગુજરાત એમેચ્યોર એસ્ટ્રોનોમર કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડો. જે. જે. રાવલ, ડો. વિશાલ જોશી, ડો. રાજમલ જૈન, ડો. બ્રિજમોહન ઠાકોર, ડો. હરિઓમ વત્સ જેવા ભારતવર્ષના ખ્યાતનામ વૈજ્ઞાનિકો તજજ્ઞ તરીકે જોડાયા હતા. છેલ્લા 6 વર્ષથી BBAS ગીરમાં ગીર સ્ટાર પાર્ટી નામક કાર્યક્રમનું આયોજન કરે છે. સ્ટાર પાર્ટી ભારત માટે એક નવો પ્રયોગ છે જ્યારે યુરોપ અને અમેરિકામાં ઘણા વર્ષોથી આ પ્રકારની ઈવેન્ટ થતી રહે છે. ભારતમાં બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા જાન્યુઆરી 2017માં ભોજદે ગીર ખાતેના ગીર વન ફાર્મ હાઉસ ખાતે પ્રથમ ગીર સ્ટાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે વર્ષે ભારતભરમાંથી લગભગ 75 ખગોળ રસિકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. ત્યારબાદ ક્લબ દ્વારા દર વર્ષે આજ સ્થાન પર સ્ટાર પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 2017 બાદ 2018, 2019, 2020 માં બે વખત, 2021 માં એક વખત અને 2022 માં 2 વખત એમ કુલ 8 સ્ટાર પાર્ટીસનું આયોજન આજ સુધીમાં કરવામાં આવ્યું છે.

છેલ્લા બે વર્ષથી ભારતના ખ્યાતનામ ખગોળ વિજ્ઞાની ડો. જે. જે. રાવલ આ આખી પાર્ટી દરમ્યાન હાજર હોય છે. આ વર્ષે પણ ડો. રાવલ સ્ટાર પાર્ટીના મહેમાન બનવાના છે જેનો લાભ આ વખતે પાર્ટીમાં ભાગ લેનાર સર્વેને મળશે. બંને રાત્રીઓ દરમ્યાન ત્રણ વખત નેકેડ આઈ કોન્સટેલેશન ટુર આટલે કે નરી આંખે દેખાતા આકાશી પદાર્થો- નક્ષત્રો તારામંડળો વગેરેની સમજણ આપવામાં આવતી હોય છે.  ભાગ લેનાર સર્વેને પહેલી વખત એવો એહસાસ થતો હોય છે કે પુષ્કળ કૃત્રિમ પ્રકાશ ધરાવતા કોન્ક્રીટના જંગલોમાં રહી કુદરતનો કેવો સરસ લહાવો ગુમાવે છે. જંગલના અંધારા આકાશ નીચે, શિયાળવાઓની લારીઓ વચ્ચે આકાશમાં સફેદ દુધગંગાનો પટ્ટો જોવો તે એક અલભ્ય અનુભવ હોય છે જેને દરેક મનુષ્યએ એક વખત તો માણવોજ જોઈએ.

આ ક્લબની સફળતા અને વિકાસ પાછળ લોક વિજ્ઞાન કેન્દ્રના નિયામક, મેનેજિંગ કમિટીના સભ્યો તેમજ સમસ્ત ટ્રસ્ટી-ગણની પ્રેરણા અને સહયોગ તો છેજ પરંતુ તેટલો  જ ફાળો ક્લબમાં માત્ર ખગોળના શોખ ખાતર પોતાનો સમય આપતા કલબના સભ્યોનો પણ છે. ક્લબ આજે 60 જેટલા સભ્યો ધરાવે છે જેમાં આર્કિટેક્ટસ, એન્જિનિયર્સ, ડોકટરો, શિક્ષકો તેમજ કોલેજના વિધ્યાર્થીઓ સામેલ છે. મોટાભાગે વહેલી સવારે અથવા રાતના સમયે થતાં ક્લબના લોકભોગ્ય કાર્યક્રમોમાં નિસ્વાર્થ ભાવે લોકોને આકાશી અજુબાઓની સફર પર લઈ જવા આ સભ્ય સ્વયંસેવકો હમેંશ તત્પર રહે છે. 16 વર્ષથી વધુ ઉમરનો કોઈ પણ નાગરિક ક્લબનો સભ્ય બની શકે છે વધુ વિગત માટે  0281-2449940 ઉપર સંપર્ક કરવો.

  • નાના બાળકો માટે ‘જુનિયર  એસ્ટ્રોનોમર’ કાર્યક્રમનો પ્રારંભ

ગુજરાતમાં પ્રથમવાર વિજ્ઞાન કેન્દ્ર ખાતે  ‘જુનીયર  એસ્ટ્રોનોમર’ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે.જેમાં  નાના બાળકો 8 થી 12 વર્ષની વયનાને વિજ્ઞાનની  થીયરી તેમજ પ્રેકિટકલ તાલિમ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં  બાળકોને ખગોળ વિજ્ઞાનનું મોડેલનિર્માણ, ટેલીસ્કોપ બનાવટ અને તેનો ઉપયોગ, આકાશ દર્શન શીખવવામાં આવે છે. અત્યાર સુધી આ પ્રોજેકટની 11 બેંચમાં 400થી વધુ બાળકોએ ભાગ લીધો છે.  આ પ્રોજેકટમાં હવે 13 થી 16 વર્ષના તરૂણો માટે ‘યંગ એસ્ટ્રોનોમર’ પ્રોજેકટ  શરૂ થવાનો છે.