યુરો કપ : ૬૬ વર્ષ પછી જર્મનીને પછાડી ઈંગ્લેન્ડ ક્વાર્ટર ફાઈનલમાં

યુરો કપ 2020 ઉપરા-ઉપરી ઉલટફેર માટે વધુને વધુ દિલધડક બની રહ્યો છે. ગઈકાલે રમાયેલા એક રોમાંચક અને જાનદાર મુકાબલામાં લાંબા સમય બાદ જર્મનીને પરાજય આપીને ઈંગ્લેન્ડની ટીમે યુરો ચેમ્પીયનશીપના કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી એક અનોખા ઈતિહાસનું સર્જન ર્ક્યું હતું. રહીમ સ્ટર્લીંગ અને ફોરવર્ડ ખેલાડી હેરી કાનેના શાનદાર અફલાતુન ગોલની મદદથી ઈંગ્લેન્ડે તેના કટ્ટર અને પરંપરાગત હરિફ જર્મનીને 2-0થી પરાજીત કરી યુરો કપમાં સૌથી મોટો ઉલટફેર ર્ક્યો હતો.

1966 બાદ પહેલી વખત જર્મની પર વિજય મેળવીને ઈંગ્લેન્ડ કોઈ ટૂર્નામેન્ટના નોકઆઉટ તબક્કામાં પ્રવેશ્યું છે. 1966માં વિશ્ર્વકપના ફાઈનલમાં જર્મનીને પરાજય આપ્યા બાદ ઈંગ્લેન્ડ આ મેચ સુધી દરેક મોટી ટૂર્નામેન્ટમાં જર્મની સામે પરાજયની નાલેસી વહોરતું આવ્યું છે. 1970, 1990 અને 2010ના વિશ્ર્વકપમાં જર્મનીએ જ ઈંગ્લેન્ડને હરાવી તેને ટૂર્નામેન્ટની બહાર મુકી દીધુ હતું. પરંતુ છેવટે જર્મની સામે પરાજયની શૃખલા તોડવામાં ઈંગ્લેન્ડની સફળતા મેળવી અને કોચ ગરેથ સાઉથ ગેટનું સપનું સાકાર થઈ ગયું છે. જર્મનીને આંચકારૂપ પરાજય આપીને ઈંગ્લેન્ડ હવે કવાર્ટર ફાઈનલમાં સ્વીડન કે યુક્રેન સામે ટકરાશે.