ભારતના ટેકે ચીનને ભિડવવા સોગઠાં ગોઠવતા યુરોપ અને બ્રિટન…!

 

કોવિડ-19ની માતૄભૂમિ અને વૈશ્વિક મંદીની પિતૄભૂમિ ગણાતા ચીન સામે બ્રિટન, યુરોપ તથા અમેરિકા પરેશાન છે એ વાત જગ આખુ જાણે છે. પરંતુ તેની વસ્તી આધારિત ઉંચી ખરીદ શક્તિ, સસ્તી લેબર તથા ઇનોવેશન સામે તેમને ટકવું મુશ્કેલ પડે છે.  કદાચ આજ કારણ છે કે આ દેશો ભારતનાં ખભ્ભે બંદુક રાખીને ચીનને ઠાર કરવા માગે છે. સ્વાભાવિક રીતે જ ખભ્ભો આપવા બદલ આ દેશોને ભારતને કિંમત પણ ચુકવવી પડશે. સામાપક્ષે આણા પડોશી દેશ ચીન સાથે ના સંબંધો ભલે કદાચ સાવ ખરાબ ન હોય તો પણ એટલા સારા પણ નથી. હિમાલયની તળેટીઓમાં ચીનની અવળચંડાઇથી ભારત પરેશાન છે જ તેથી ભારત પણ આ દેશોને સહકાર આપીને સહકાર લેવા તૈયાર હોય તે સ્વાભાવિક છે.  જો આ વ્યુહ સફળ થાય તો આગામી દિવસોમાં ચીની ડ્રૈગન આ બહુ રાષ્ટ્રિય સાણસામાં પકડાશે એ વાત પણ નક્કી છે.

એક તરફ એવી ચર્ચા છે કે જો ચીની આ ગતિઐ આગળ વધશૈ તો 2028 ની સાલ સુધીમાં વિશ્વનું સુપરપવાર બની શકે છે. જે અમેરિકા અને યુરોપિયન દેશોને પાલવે તેમ નથી. તેથી સૌ ભારતને સાથે લઇને સહિયારી રણનીતિ બનાવી રહ્યા છે. કોવિડ-19 ની મહામારીમાં વિશ્વની સાથે ભલે ભારતે પણ મંદી જોઇ છે, સરકાર ઘણા મોરચે નિષ્ફળ પણ ગઇ છૈ પરંતુ આપણા કૄષિ ક્ષેત્રની નિકાસ, ક્રુડતેલની આયાત ઉપર કાપ અને શેરબજારનો ટેકો રહેતા ઇકોનોમી જલ્દી દોડતી થઇ છે. ઇન્વેસ્ટમેન્ટ બેંક નોમુરાએ અનુમાન આપ્યું હતું કે વર્ષ 2022 માં ચીન 4.3 ટકાના દરે વિકાસ કરશે. જ્યારે ભારતનો દર 8.5 ટકાનો રહેશે. બ્રિટન તથા અન્ય યુરોપિયન દેશોઐ આ મુદ્દાની ગંભીરતાથી સમજીને ભાર સાથે નવેસરથી વ્યવસાયિક સંબંધો વધુ વિકસાવવા લોબીંગ ચાલુ કર્યુ છે. બોરિસ જોન્સન ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રિમનેટ ઉપરાંત ઇમિગ્રેશનનાં નિયમો, સ્ટુડન્ટ વિઝા તથા હજારો ભારતીયોના બ્રિટનમાં વ્યવસાયિક વસવાટની વ્યવસ્થા કરવાની ઓફર કરવા તૈયાર થયા છે. વહેલીતકે બ્રિટીશ ડેલિગેશન આ બધા મુદ્દાઓ લઇને ભારત આવે તેવી ગોઠવણ પણ થઇ રહી છે. આ અગાઉ કેમેરૂન પણ આવા પ્રયાસો કરી ચુક્યા હતા પણ એ સમયે અમુક મુદ્દાઓ ઉપર બ્રિટનની જીદનાં કારણે સફળતા મળી નહોતી. આજે ઇમર્જીંગ ઇકોનોમિક સુપરપાવરની લીગમાં બ્રિટન 13 મા સ્થાનેથી ઉતરીને 16 મા સ્થાને પહોંચી ગયું છે.

આવી જ રીતે બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, અને અમેરિકાનાં ડેલિગેશન પણ છેલ્લા એકદાયકામાં ભારત સાથે દોસ્તીનો હાથ લંબાવવા આવી ચુક્યા છે. આ બધી ઘટનાઓ માટે ભારતની વસ્તી, સસ્તી લેબર, તથા આઇ.ટી સેક્ટરની નિષ્ણાંત નવી પેઢીની ક્ષમતા જવાબદાર મનાય છે. સરકારી નીતિ કરતા આ બધાં પરિબળો વિશેષ રીતે ચીનની પ્રણાલિને સ્પર્ધા કરી શકે તેવા હોવાથી આ બધા દેશો ભારતની પડખે ઉભા રહેવા તત્પર બન્યા છે.ભારત અને બ્રિટન વચ્ચે ગત વર્ષે થયેલી સમજૂતિથી બન્ને દેશો વચ્ચે આશરે 1.4 અબજ ડોલરનો નવો કારોબાર થશે એવી બ્રિટનનાં અધિકારીઓએ આશા વ્યકત કરી છે. ખાસ કરીને બ્રેક્ઝીટ બાદ બ્રિટનને વૈશ્વિક વેપારમાં જે નુકસાન થવાની ભિતી છે તે આ સમજૂતિથી ઘટાડી શકાશૈ એવી ધારણા છે.

અમેરિકા હોય કે યુરોપ સૌ ભારત સાથે દ્વિપક્ષીય વ્યવસાયિક સંબંધો વધુ મજબુત બનાવીને ભારતના વિશાળ કસ્ટમર બેઝમાં પોતાના ઉત્પાદનો વેચવા તત્પર છૈ પણ તેમની આકરી શરતોના કારણે તેમને જોઇએ તેટલી સફળતા મળતી નહોતી. 2020 માં 72 અબજ ડોલરના કારોબાર સાથે આજે યુરોપ ભારતનું ત્રીજા ક્રમનું ટ્રેડિંગ પાર્ટનર બન્યું છે. જે ભારતની કુલ આયાતનો 11.1 જેટલો હિસ્સો ધરાવે છે. આજ રીતે યુરોપીયન યુનિયનમાં થતી આયાતનો 14 ટકા જેટલો હિસ્સો ભારનો હોય છે.  જે પરસ્પરની વ્યવસાયિક જરૂરિયાતની સાબિતી છે.   આ સંબંધોમાં ભારતને ફાયદો ક્યાં છે? યાદ રહે કે અત્યાર સુધી ભારતે ચીન સાથે વ્યવસાયિક સંબંધો સુધારવા માટે ઘણા પ્રયાસો કર્યા જેના ભાગ રૂપે ચીને જહાજોના જહાજો ભરીને ભારતમાં માલ ઠાલવ્યો, આજે ભારતીયોને ચીનનાં સસ્તા માલ વાપરવાની આદત પડી ગઇ છે. સામા પક્ષે ભારતનો ચીનમાં એટલો વેપાર વધ્યો નથી, વ્ય વસાયિક ખાધના મામલે ભારતે ચીનને ઘણીવાર ટકોર કરી છે પણ પરિણામ શૂન્ય આવ્યું છે. હિમાલયની તળેટીઓમાં ભારતમાં ભારતમાંથી જ કમાયેલા નાણાથી ભારતના લશ્કર સામે જંગ થાય છે.   તેથી ચીનને ચીત કરવા માટે યુરોપિયન નેટવર્ક  જરૂર. છે.

હવે મુદ્દો એ છે કે શું ચીનને ભિડવવાનો આ શ્રેષ્ઠ સમય આ કેમ છે? યાદ રહે કે ચીન કોવિડ-19 નાં સમયમાંથી બહાર આવી ગયુ હોવાનો દાવો કરે છે. ઇકોનોમી તેજ ગતિએ દોડી રહી હોવાની વાતો છે. પરંતુ હવે આખું જગત જાણે છે કે ભારોભાર કુટનિતીથી ભરેલા ચીનાઓ સાચું કેટલું બોલશે તે નક્કી નથી. હાલમાં જ ચીનની રિયલ્ટી કંપની ઉઠી ગઇ હોવાના સમાચાર હતા. સરકારનાં બોન્ડનું ઇન્વેસ્ટરો દ્વારા  મોટાપાયે વેચાણ થઇ રહ્યું છે.  મતલબ કે ચિત્ર જેટલું દેખાડાય છે એટલું ઉજળું નથી. તેથી જો આજે ચીનને આર્થિક મોરચે ભેખડે ભરાવી શકાય તો ભારતને પણ અન્ય મોરચે મોટો લાભ થઇ શકે છે.  આમયે તે લોઢું ગરમ હોય ત્યારે હથોડો મારીએ તો આસાનીથી તોડી શકાય છે..!