વિશ્વમાં છેડછાડ કરતા મેટાને દંડ ફટકારતું યુરોપિયન યુનિયન

યુઝર્સના ડેટાને યુએસ ઉસેડી જવાની પ્રવૃત્તિ બંધ કરવા યુરોપિયન યુનિયને ડેડલાઈન પણ આપી હતી, તેમ છતાં પ્રવૃત્તિ ચાલુ રહેતા રૂ. 10 હજાર કરોડનો દંડ ફટકારાયો

એક ગામમાં ઉંદરોનો ખુબ ત્રાસ, ત્યારે ગ્રામજનોએ એક વાયોલીન વાદકને બોલાવ્યો. આ વાયોલીનની ધૂન એટલી મધુર હતી કે કોઈ પણ તેની ધૂન પાછળ રીતસર ખેંચાઈ આવે. આ ઉંદરોને તો વાયોલિન વાદકે પોતાની ધૂન પાછળ પાછળ ચલાવીને ખાઈમાં નખાવી દીધા. પણ પછી વાયોલિન વાદકે ગામના બાળકોને જ પોતાની ધૂનની મદદથી નદીમાં ડુબાડી દેવાની ધમકી આપી પોતાની પૈસાની ભૂખ સંતોષી. આવું જ અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની માલિકી ધરાવતી મેટા કરી રહી છે.

ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સની પેરેન્ટ કંપની મેટા લોકોને પહેલા તેની આદત લગાવડાવીને પછી ધાર્યું કરાવવાના પ્રયાસો કરી રહી છે. આ કંપની ફરી એકવાર મુશ્કેલીમાં આવી છે. વિશ્વની અગ્રણી સોશિયલ મીડિયા સાઇટ મેટાને 1.3 બિલિયન ડોલર એટલે કે 10 હજાર કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ દંડ યુરોપિયન યુનિયન દ્વારા લગાવવામાં આવ્યો છે.  યુરોપિયન યુનિયન  એ પ્રાઈવસી સાથે જોડાયેલી એક બાબતને લઈને આ કાર્યવાહી કરી છે.યુઝર્સના ડેટાને યુએસ મોકલવા સામે કંપનીને યુરોપિયન યુનિયને સમયમર્યાદા આપી હતી, પરંતુ કંપની યુઝર્સની અંગત માહિતીને સુરક્ષિત કરવામાં નિષ્ફળ રહી હતી.

યુરોપિયન યુનિયને સોમવારે મેટા, જે કંપની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ફેસબુક અને વોટ્સએપનું સંચાલન કરે છે, તેના પર યુ.એસ.ને વપરાશકર્તાઓ વિશેની માહિતી મોકલવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેને 1.3 બિલિયન ડોલરનો દંડ ફટકાર્યો હતો.  લગભગ પાંચ વર્ષ પહેલાં સખત ગોપનીયતા ઉલ્લંઘન કાયદા અમલમાં આવ્યા પછી યુરોપિયન યુનિયનમાં લાદવામાં આવેલો આ સૌથી મોટો દંડ છે.  આ પહેલા વર્ષ 2021માં યુરોપિયન યુનિયને દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન પર 746 મિલિયન યુરોનો દંડ લગાવ્યો હતો.

મેટાએ અગાઉ એક દાયકા પહેલા યુરોપમાં વપરાશકર્તાઓ માટે સેવાઓ બંધ કરવાની ચેતવણી આપી હતી.  પરંતુ યુરોપિયન યુનિયનના કડક આદેશ બાદ તેણે કહ્યું છે કે તે ઉચ્ચ અદાલતમાં અપીલ કરશે, જેમાં તે નિર્ણય પર સ્ટે મૂકવાની વિનંતી કરશે.  મેટાના વૈશ્વિક બાબતોના પ્રમુખ નિક ક્લેગ અને ચીફ લીગલ ઓફિસર જેનિફર ન્યૂસ્ટીડે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ નિર્ણય ખામીયુક્ત અને અન્યાયી છે અને યુરોપ અને યુએસ વચ્ચે ડેટા મોકલતી અસંખ્ય અન્ય કંપનીઓ માટે ખતરનાક દાખલો બેસાડે છે.”.