• 350 ગ્રાન્ટેડ કોલેજોમાંથી ર00 થી વધુ કોલેજોમાં કાયમી પ્રિન્સીપાલ જ નથી છતાં સરકાર મૌન
  • 66 ટકા યુનિવર્સિટી, 78 ટકા કોલેજો નેકની માન્યતા ધરાવતી નથી આ મુદ્દે સરકાર સ્પષ્ટતા કરે તેવી કોંગ્રેસની માંગ

સ્ટેટ યુનિવર્સિટી એકટ મંજૂરીના 200 દિવસ વિતી ગયા છતાં રાજ્યની આઠ યુનિવર્સિટીઓ ઇન્ચાર્જ કુલપતિઓના હવાલેથી ચાલી રહી છે. મનગમતા કુલપતિઓની નિમણૂક પાછળ ભાજપા-સંઘની આંતરિક ખેંચતાણને લીધે ઉચ્ચ શિક્ષણ અને યુનિવર્સીટીની વ્યવસ્થાને ભારે નુકસાન થઈ રહ્યું છે.

કોલેજો ઈન્ચાર્જ પ્રિન્સીપાલોના હવાલે અને યુનિવર્સિટીઓ ઈન્ચાર્જ કુલપતિઓના હવાલે કરીને ભાજપા સરકારે શિક્ષણ વ્યવસ્થાની અધોગતિ કરી છે તેવા આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યની 350 ગ્રાન્ટેડ કોલેજમાંથી 200 જેટલી કોલેજોમાં લાંબા સમયથી કાયમી આચાર્યો નથી. કાયમી આચાર્ય ના હોવાથી જે તે કોલેજોને  નેકની માન્યતા મેળવવામાં સમસ્યા પડી રહી છે. રાજ્યોની યુનીવર્સીટીઓને નેકના આધારે ગ્રાન્ટ અને અન્ય નાણાંકીય સુવિધાઓ મળે છે.

રાજ્યની સૌથી જૂની અને એક સમયની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીનું નેક જોડાણ માટે છેલ્લા સાત વર્ષ જેટલો સમય વિતી ગયો છતા આજદિન સુધી અરજી કરવામાં યુનિવર્સિટી સત્તાધીશો નિષ્ફળ રહ્યાં છે. એક તરફ સ્ટેટ યુનિવર્સિટી એકટ આધારે નેક ધરાવતી કોલેજોના આચાર્યઓને જ બોર્ડ ઓફ મેનેજમેન્ટ-સત્તામંડળમાં સ્થાન મળશે તે જોગવાઈ આગળ કરીને ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા યુનિવર્સિટી એક્ટ અન્વયે પ્રિન્સીપાલોને નિયુક્તીથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે બીજીબાજુ ગુજરાત યુનિવર્સિટી ખુદને જ નેકનું પુન: જોડાણ નથી તો તેની માટે સત્તાધીશો અને રાજ્ય સરકાર કેમ મૌન ? શિક્ષણ વ્યવસ્થા માટે ભાજપ સરકાર લાંબા સમયથી સાચી દિશામાં યોગ્ય પગલા ભરી રહી નથી તે ગુજરાત માટે ચિંતાનો વિષય છે.

ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ-2023 ના મોડલ સ્ટેચ્યુટ માત્ર પાંચ દિવસમાં રાજ્યની આઠ યુનિવર્સિટી કક્ષાએ સત્તા મંડળમાં સ્ટેચ્યુટ પસાર કરી મોકલી આપવા તાકીદ કરવામાં આવી છે. આટલા ગંભિર વિષય પર પાંચ દિવસનો સમય કેટલો વ્યાજબી ? ભાજપ સરકાર શિક્ષણ માટે કેટલી ગંભિર તે લાખો વિદ્યાર્થીઓને અને શિક્ષણવિદોને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રાજ્યની યુનિવર્સિટીઓમાં નિમણુંક, ટેન્ડરો સહિત અનેક નાણાંકીય ગોલમાલ-ભ્રષ્ટાચાર એ ભાજપ સરકારમાં સામાન્ય બાબત બની ગઈ છે અને મોટા ભાગના કિસ્સાઓમાં સરકારના ઈશારે ગોલમાલ-ભ્રષ્ટાચાર કરનારને શિક્ષણ વિભાગ બચાવી રહ્યું છે. યુનિવર્સિટી  ગ્રાન્ટ કમિશન ના આદેશ મુજબ દેશ ની દરેક યુનિવર્સિટી અને કોલેજો એ નેક ની માન્યતા ફરજીયાત હોવા છતાં ગુજરાત ની મોટા ભાગ ની યુનિવર્સિટી અને કોલેજો  એ માન્યતા લીધેલ નથી.

ગુજરાત રાજ્ય ની 83 માંથી 55 એટલેકે 66% થી વધુ યુનિવર્સિટી એ નેક ની માન્યતા લીધેલ નથી, ગુજરાત રાજ્યની 2267 માંથી 1767 એટલે કે 78% કોલેજો એ નેક ની માન્યતા લીધેલ નથી. નેક ના મૂલ્યાંકન માં સાત જેટલા મુખ્ય સુચકો નો સમાવેશ થાય છે. યુનિવર્સિટી અને કોલેજો માં માળખાકીય સુવિધાઓ, અભ્યાસક્રમ, શિક્ષણ અને ભણતર નું મૂલ્યાંકન, રિસર્ચ અને ઇનોવેશન, વિદ્યાર્થીઓ ના સપોર્ટ ની વ્યવસ્થા, મેનેજમેન્ટ, સંસ્થાના મૂલ્યો ના આધારે મૂલ્યાંકન થાય છે. આ મૂલ્યાંકનમાં અભ્યાસક્રમની ડીઝાઈન, પૂરતા અને ગુણવત્તા વાળા અઘ્યાપકો, વિદ્યાર્થીઓ નું પરફોર્મન્સ,રિસર્ચ ને પ્રાધાન્ય, લાઇબ્રેરી અને વિદ્યાર્થીઓ માટે ની વ્યવસ્થા જેવા મુદ્દાઓ ને આવરી લેવા માં આવે છે.

કેટલીક કોલેજો અને યુનિવર્સિટીની નેક મૂલ્યાંકનની સાઇકલ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેઓ મૂલ્યાંકન મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા નથી. ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજો માં પૂરતી માળખાકીય વ્યવસ્થાઓનો અભાવ, પૂરતા અને યોગ્ય અધ્યાપકોની ઘટ, કથળતું શિક્ષણ જેવા મુદ્દાઓ થી શૈક્ષણિક સંસ્થાઓ નેકના મૂલ્યાંકનથી કેમ ડરી રહી છે ? તે ગંભિર સવાલનો જવાબ ભાજપ સરકારે આપવો જોઈએ.

ઈન્ચાર્જ કુલપતિઓથી ચાલતી યુનિવર્સિટીઓ

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
  • મહારાજા કૃષ્ણકુમાર યુનિવર્સિટી, ભાવનગર.
  • ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ.
  • ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, અમદાવાદ.
  • સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર.
  • કચ્છ યુનિવર્સિટી, કચ્છ.
  • ચીલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર.
  • ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.