Abtak Media Google News

સિદ્ધારમૈયા અને શિવકુમાર બન્નેને 10-10 મંત્રીઓની પસંદગીની તક અપાઈ

સાંધો તે સાંધો જ છે. ગમે ત્યારે તૂટી શકે છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ ઉભા બે ફાડીયા પડ્યા હતા. હાઈ કમાન્ડે માંડ માંડ કરીને તેમાં સાંધો માર્યો છે. તેમાં પણ બન્ને નેતાઓ વચ્ચે સતા પૂર્વે જ ભાગ બટાઈ થયાનું ચિત્ર ઉપસી રહ્યું છે. સિદ્ધારમૈયા અને શિવકુમાર બન્નેને 10-10 મંત્રીઓની પસંદગીની તક અપાઈ છે.

આજે કર્ણાટકમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ છે.  પાર્ટીના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા આજે કર્ણાટકના નવા સીએમ તરીકે શપથ લેશે.  જ્યારે ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે.  સીએમ અને ડેપ્યુટી સીએમની સાથે મંત્રી તરીકે શપથ લેનાર મંત્રીઓના નામ પણ સામે આવ્યા છે.  જેમાં જી પરમેશ્વર, કેએચ મુનિયપ્પા, કેજે જ્યોર્જ, એમબી પાટીલ, સતીશ જરકીહોલી, પ્રિયંક ખડગે, રામલિંગા રેડ્ડી અને બીઝેડ ઝમીર અહેમદ ખાન મુખ્યમંત્રીની સાથે મંત્રી તરીકે શપથ લઈ શકે છે.

મંત્રી પદ સાથે પણ કોંગ્રેસે જ્ઞાતિના સમીકરણો થાળે પાડવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. જી પરમેશ્વર, પ્રિયંક ખડગે અને કેએચ મુનિયપ્પા દલિત સમુદાયમાંથી આવે છે. જ્યારે કેજે જ્યોર્જ લઘુમતી-ખ્રિસ્તી સમુદાયમાંથી આવે છે, એમબી પાટીલ લિંગાયત સમુદાયમાંથી, સતીશ જારકીહોલી એસટી વાલ્મિકી સમુદાયમાંથી, રામલિંગા રેડ્ડી રેડ્ડી સમુદાયમાંથી અને બીઝેડ ઝમીર અહેમદ ખાન લઘુમતી મુસ્લિમ સમુદાયમાંથી આવે છે.  મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા સિદ્ધારમૈયા કુરુબા સમુદાયના છે અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર વોક્કાલિગા સમુદાયના છે.

કોંગ્રેસે પણ મંત્રીપદ માટેના નામો નક્કી કરવા માટે સંપૂર્ણ વિચાર મંથન કર્યું છે અને શુક્રવારે રાત્રે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા દિલ્હીમાં હાજર હતા અને બંનેએ પાર્ટી હાઈકમાન્ડ સાથે સંભવિત મંત્રીઓના નામ અને તેમને મળનારા પોર્ટફોલિયો અંગે ચર્ચા કરી હતી. જો કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બન્નેને 10-10 મંત્રી પોતાના મુકવાની છૂટ આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. આમ સતામાં આવ્યા પૂર્વે જ જાણે કોંગ્રેસમાં ભાગ બટાઈ શરૂ થઈ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.