Abtak Media Google News

સમરસ હોસ્ટેલ અને કેન્સર હોસ્પિટલ ખાતેના કોરોના કેર સેન્ટર ખાતે જોવા મળી અદભુત માનવતાની મહેક

આજે ભગવાનને જરૂર મીઠી મુંઝવણ થઇ હશે કે કોને વધુ પુણ્ય આપું?  કોરોનાના દર્દીઓ માટે મોંઘા ભાવની મોસંબી અને સફરજન કોથળા મોઢે આપનાર સૌરાષ્ટ્ર ફેર પ્રાઈસ એસોસિએશનને કે આટલી બધી મોસંબીનો રસ કાઢવા માટે પોતાના ઘરેથી મોસંબીના રસનું મશીન લાવીને, એમાં ઉમેરવાનું ગ્લુકોઝ અને રસને પેક કરવા માટેની નાની-નાની શીશીઓ માટે પોતાના પૈસા આપનાર સરકારી કર્મચારીઓને ?!!!

વાત જાણે એમ બની કે, સૌરાષ્ટ્ર ફેર પ્રાઇસ એસોસિયેશનના પ્રમુખ માવજીભાઈ નાથાભાઈ રાખશિયા અને મહેશભાઈને વિચાર આવ્યો કે કોરોનાના કપરા સમયમાં સરકારની બની શકે તેટલી મદદ કરવી, જેના ભાગરૂપે તેમણે કોવિડ કેર સેન્ટર ખાતે મોસંબી, સફરજન અને જીરા સોડાનું વિના મૂલ્યે વિતરણ કરવાનું નક્કી કર્યું. સમરસ  હોસ્ટેલના ડેડિકેટેડ કોવિડ હેલ્થ કેર યુનિટ અને કેન્સર હોસ્પિટલના કોરોના કેર સેન્ટરમાં દાખલ થયેલા દર્દીઓ માટે તેઓ આ બધી વસ્તુઓ વિશાળ જથ્થામાં આપી ગયા.

Sm 3

કોરોનાના દર્દીઓની સેવા કરવાની મીઠી હરિફાઇ ચાલતી હોય, એમ આ બંને સેન્ટરના હેલ્પ ડેસ્કમાં વારાફરતી શિફ્ટ ડ્યુટીમાં ફરજ બજાવતા છ નાયબ મામલતદારો એચ.ડી.પરસાણીયા,  કિરીટસિંહ ઝાલા, એ.ડી. મોરી, એસ. આર. ગિણોયા, એચ. એસ. હાસલિયા અને એમ વી ડઢાણીયા તથા છ તલાટીઓએ વિચાર્યું કે આટલી મોંઘી મોસંબીનું દાન આપવાની હિંમત જો કોઈ સંસ્થા બિલકુલ નિ:સ્વાર્થ ભાવે કરી શકતી હોય તો તેનું દાન એળે ન જાય એટલા માટે તેના રસ કાઢીને દર્દીઓ સુધી તેને પહોંચાડવાની વ્યવસ્થા આપણે અંદરો-અંદર કરી જ લેવી જોઈએ. એટલે તેમણે આ બધી મોસંબીનો રસ જાતે જ કાઢવાનું નક્કી કર્યું. જેની ઘરે મોસંબીનો રસ કાઢવાના મશીન હતા તે લઈ આવ્યા, અને સામૂહિક રીતે ભેગા થઈને મોસંબીનો રસ કાઢવાનું શરૂ કર્યું. આ રસમાં ઉમેરવા માટેના ગ્લુકોઝના પૈસા માટે બધા કર્મચારીઓએ સોલ્જરી કરી અને જેનાથી જેટલું બની શક્યું તેટલું આર્થિક યોગદાન આપ્યું. મોસંબીનો રસ પેક કરવા માટેની નાની નાની બોટલનો ખર્ચ  પરસાણીયાએ અંગત રીતે ભોગવ્યો. અને સતત બે દિવસ સુધી આ તમામ કર્મચારીઓએ કોરોના રૂપી સેવાયજ્ઞમાં પોતાની યથાશક્તિ આહુતિ આપીને સરકારી કામગીરીને ઉજળી કરી બતાવી.

જિલ્લા કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પૂજા બાવડાના નેતૃત્વમાં કેન્સર હોસ્પિટલ ખાતેના ડેડીકેટેડ કોવિડ હેલ્થ કેર યુનિટ તથા સમરસ હોસ્ટેલના કોરોના કેર સેન્ટર ખાતે સતત બે દિવસ સુધી આ મોસંબીના રસનું, સફરજનનું અને જીરા સોડાનું દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું. હજુ આવનારા એક અઠવાડિયા સુધી આ વિતરણ ચાલુ રહેશે. આ બાબતે સર્વે નાયબ મામલતદારો વતી પરસાણીયાએ જણાવ્યું હતું કે રોજિંદી કામગીરી ઉપરાંત મોસંબીનો રસ કાઢવાની સેવા કરવાનો મોકો મળ્યો એ બદલ અમે અમારી જાતને નસીબદાર ગણીએ છીએ, કે કોરોનાના દર્દીઓની આટલી સેવા અમે પણ કરી શક્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.