ઉપરી અધિકારી ભલે સર્વીસ બુકમાં નોંધ ન કરે ‘ઉપરવાળો’ અવશ્ય કરે છે- પોસ્ટ મુકવા બદલ ટ્રાફિક જમાદાર સસ્પેન્ડ

સોશિયલ મીડિયામાં પોલીસ તંત્રની આબ‚ના ધજાગરા ઉડાડતી પોસ્ટ મુકવા બદલ ટ્રાફિક જમાદાર સસ્પેન્ડ

ટ્રાફિક બ્રાંચ વોટ્સગૃપમાં ઘણા સમયથી અધિકારીઓની કાર્યક્ષમતા પર પ્રશ્નો ઉઠાવતી પોસ્ટ મુકતો હોય વોર્નીંગ પણ આપી હતી,

દ્વારકાધીશની ધ્વજા ચડાવવા ગયેલા અધિકારીઓ માસ્ક પહેરેલ નહીં હોવાની પોસ્ટ કરી હતી : રાત્રે ઘરના દરવાજે હુકમ ચોંટાડી બજવણી કરાઇ

 

અબતક, રાજકોટ

રાજકોટની ટ્રાફિક બ્રાંચમાં ફરજ બજાવતા જમાદાર હિરાભાઇ રબારી દ્વારા છેલ્લા થોડા સમયથી પોલીસતંત્રની સડેલી સિસ્ટમ અંગે સોશ્યલ મીડીયા પર પોલીસ અધિકારીની આબરૂના ધજાગરા ઉડાવતી પોસ્ટ મુકવાતી અંગે સજા મળી છે. ગત રાત્રે ટ્રાફિક જમાદારને સસ્પેન્ડ કરી દેતો હુકમ કરવામાં આવ્યો છે.

રાજકોટની ટ્રાફિક બ્રાંચમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હીરાભાઇ રબારીએ તાજેતરમાં પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મુકી હતી જેમાં “ફરજમાં નિષ્કાળજી અને બેઇમાની કરી કામ કરનારને પણ પૂરો પગાર તો મળે જ છે પરંતુ નિષ્ઠાથી કામ કરનારને વધારામાં આત્મસંતોષ મળે છે

“ઉપરી અધિકારી ભલે સર્વીસ બુકમાં નોંધ નથી કરતા પરંતુ ઉપરવાળો સર્વીસ બુકમાં તેની અવશ્ય નોંધ કરે છે ડો.અબ્દુલ કલમ આ પોસ્ટ શેર કરવા બદલ તેને પોલીસ કમિશ્રર મનોજ અગ્રવાલે સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યોે હતો.

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ટ્રાફિક બ્રાંચના પોલીસ અધિકારી અને કર્મચારીઓના બનાવવામાં આવેલ વોટ્સઅપ ગૃપમાં છેલ્લા દોઢ બે માસથી ટ્રાફિક જમાદાર હિરાભાઇ રબારી પોલીસતંત્રની સડેલી સિસ્ટમના ધજાગરા ઉડાડતી પોસ્ટ મુકતો હોવાનું જણાવ્યું છે જે બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેને વોર્નીંગ પણ આપવામાં આવી હતી પરંતુ જમાદારે વોર્નીંગને અવગણીને પોતાની પોસ્ટો ચાલુ રાખી હતી.

થોડા સમય પહેલા રાજકોટ શહેર પોલીસતંત્ર દ્વારા દ્વારકાધીશને ધ્વજા ચડાવવામાં આવી હતી જેમાં શહેર પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓ ગયા હતા અને જુદા-જુદા ગૃપમાં તેના ફોટા પણ શેર કર્યા હતા આ વખતે ટ્રાફિક જમાદાર ધ્વજા ચડાવવા ગયેલા પોલીસ અધિકારીઓએ માસ્ક પહેરેલ ન હોય તે બાબતે સોશ્યલ મીડીયામાં કોમેન્ટ કરી હતી કે ઉચ્ચ અધિકારીઓ પોતે જ નિયમોનું પાલન નથી કરતા ત્યારે લોકોને કઇ રીતે નિયમોનું પાલન કરવાની ફરજ પાડે છે.

છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મીડીયામાં પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતી પોસ્ટ કરવા બદલ ટ્રાફિક જમાદાર હીરાભાઇ રબારીને સસ્પેન્ડ કરી દેવાના હુકમ કરવામાં આવ્યા બાદ હુકમની બજવણી વખતે પણ સસ્પેન્ડના ઓર્ડરના સહી નહી કરતા અંતે પોલીસે સસ્પેન્ડનો હુકમ મકાનના દરવાજા પર ચોંટાડી તેની બજવણી કરી હતી.