- ર્માં – બાપ પ્રત્યે સંતાનોનો ભાવ શેરબજારની જેમ ગગડી રહ્યો છે
વડીલ શબ્દ મરાઠી ભાષાનો છે.વર્ષોથી મરાઠી અને ગુજરાતી બંને ભાષા એકબીજાને પ્રભાવિત કરતી રહી છે.વડીલ શબ્દ વડ ઉપરથી ઉતરી આવ્યો છે.વડલાનું વૃક્ષ ઘેઘૂર હોય છે.શીતળ છાંયો આપે છે.એવું જ કંઈક સંયુકત પરિવારમાં વડીલોનું હોય છે.પરિવારની સુખાકારી,શાંતિ અને વિકાસ માટે વડીલો હંમેશા ચિંતિત રહેતા હોય છે. સંયુકત પરિવારને લીધે કુટુંબ વ્યવસ્થા સુરક્ષિત હતી.વડીલોનું કહેવું સૌ કરતા.કોઈ ઊંચો અવાજ ન કરી શકે.વડીલના હુકમનો કોઈ અનાદર ન કરી શકે.સૂર્યવંશી રાજા દશરથે રામને વનમાં જવાનું કહ્યું.રામનો કોઈ દલીલ નહીં.કોઈ વિરોધ નહીં.એ સમયે વડીલોને પરમેશ્વર રૂપ માનવામાં આવતા.તેમનો પડ્યો બોલ ઝીલવામાં આવતો હતો. એટલે જ એ સમયની પ્રજા ગરીબ હતી છતાં સુખી હતી.અત્યારે ધનનાં ઘર ભર્યાં છે, છતાંય સુખ અને શાંતિ અદ્રશ્ય થઈ ગયાં છે.સુરતના કામરેજ ચોકડી પાસે એક પંચાલ પરિવાર રહે છે.54 જેટલા માણસો એક જ રસોડે જમે છે.એક જ મકાનમાં રહે છે.જુદા થવાની તો વાત જ નહીં.અમદાવાદમાં એક મુન્શી પરિવાર ત્રણ પેઢીથી સંયુક્ત પરિવારમાં રહે છે.બધા જ સભ્યો ડોક્ટર બને છે.મોટી ત્રણ વહુઓ ઘરનો કારોબાર સંભાળે છે.ચાર – ચાર મહિનાના વારા ગોઠવવામાં આવ્યા છે.એક જ ડાઈનિંગ ટેબલ ઉપર બધાએ જમવા આવવાનું. ડ્રોઈંગ ખંડમાં એક સૂચના બોર્ડ રાખવામાં આવ્યું છે.જે વ્યક્તિ જમવામાં ગેરહાજર રહેવાની હોય તેમણે એ બોર્ડમાં નોંધ કરી દેવાની.આવા પરિવારોની યાદી કરીએ તો ખૂબ લાંબી થાય,પણ દેશમાં આવા ઘણા સંયુક્ત પરિવાર છે.સંયુકત પરિવારમાં રહેવાના અનેક ફાયદાઓ છે.કુટુંબમાં નબળા – સબળા સભ્યો પરિવારની મદદથી જીવી જાય છે.ટેકો મળી રહે છે.સંકટ કે દુ:ખના સમયે પરિવારના સભ્યોનો પરસ્પર સધિયારો મળે છે.1998નું પુર,2001નો ભૂકંપ,2002ના કોમી રમખાણો અને 2020-21ના કોરોના કાળમાં મનોબળ ટકાવી રાખવા માટે સંયુકત પરિવાર આશીર્વાદ રૂપ બન્યો હતો.
ગુજરાતમાં સંયુક્ત પરિવારની જો વાત કરવામાં આવે તો 1.22 કરોડ સંયુકત પરિવારો આવેલા છે.તેમાંથી શહેરી વિસ્તારમાં વસતાં 54 લાખ પરિવારોમાંથી 13 લાખ, પરિવારો સંયુક્ત જીવન જીવે છે.એ જ રીતે ગ્રામ્ય વિસ્તારના 68 લાખ પરિવારોમાંથી 19 લાખ પરિવારો સંયુક્ત પરિવારમાં જીવે છે. સંયુક્ત પરિવારમાં બાળકો રમતાં રમતાં મોટાં થઈ જાય છે.દાદીમા બોધ કથાઓ સંભળાવે છે.ક્યારેક ગીતા – મહાભારતના પ્રસંગો તો ક્યારેક પ્રહલાદ અને ધ્રુવની વાતો કરે છે.ક્યારેક આકાશ દર્શન દ્વારા તારા મંડળની સમજણ પણ આપતા હોય છે.આમ,બાળકને સહજ રીતે મૂલ્ય શિક્ષણ મળે છે.સંસ્કારનાં બીજ બચપણથી જ રોપાઈ જાય છે.
આવા ભાવનાશાળી વડીલોની દશા આજે ખૂબ જ કફોડી છે.દિવસે દિવસે વૃદ્ધાશ્રમો વધતા જાય છે.રીયલ લાઈફમાં માને હડધૂત કરનાર સંતાન મૃત્યુ પછી ’મા બાપને ભૂલશો નહીં’ ના સ્ટીકર વહેંચીને વાંઝિયો સંતોષ મેળવે છે.એકલતામાં ઝૂરી ઝૂરી આપઘાત કરીને મરી ગયેલી માતાની સમૃતિમાં કુબેરપતિ દીકરાઓ આખા પાનાની શ્રદ્ધાંજલિની જાહેરાતો આપે છે.મા – બાપ પ્રત્યે સંતાનોનો ભાવ શેરબજારની જેમ ગગડી રહ્યો છે.કંપનીના એક્ઝીક્યુટીવ એક ઓફિસરને ફોન કરીને કંપનીની બિઝનેસ મીટીંગ અને ડિનરમાં જોડાવા માટે નિમંત્રણ આપે છે.પેલો ઓફિસર જવાબમાં યસ સર,સો નાઈસ ઓફ યુ,માય પ્લેઝર,જસ્ટ કમિંગ.એ જ ઓફિસરને જયારે એની માતાનો જમવા માટેનો ફોન આવે છે,ત્યારે જવાબમાં એવું કહે છે, ’કે માથું ખામાં ! તું જમી લે.’ માતા પ્રત્યેની આવી ઉપેક્ષા અપમાનમાં ફેરવાય છે.વડીલોની માગણી સંતોષવી જરૂરી નથી,પરંતુ તેની દરેક લાગણી પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. વડીલોને સમય આપો.હૂંફ આપો.તેમની સાથે વાત કરો. ભારતીય સંસ્કૃતિ પ્રેમી સમાજ વૃદ્ધોને સ્થાપિત ચોકઠામાં મારી મચડીને ઘુસાડી દેવામાં પાવરધો છે.ચોકલેટ – કેન્ડી ન ખવાય. લારી પર પાણીપુરી ન ખવાય.રંગબેરંગી કપડાં ન પહેરાય.બીચ પર ફરવા ન જવાય.હવે ઉંમર થઈ ચટકા મૂકો.મોતનો ડર રાખો.દેવદર્શનમાં ધ્યાન આપો.સામાજિક ધાર્મિક મંડળોમાં રસ લો.આમ,પરાણે કુટુંબના મોભી પર મર્યાદાઓ થોંપી દેવામાં આવે છે. સતત બુઢાવાની યાદ અપાવ્યા કરે છે.
અબ્દુલ કલામને એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે, ’તમારા માતા તો અભણ હતાં,તો પછી તમારી આ પ્રગતિ માટેનો યશ કોને આપી શકાય !’ કલામે જવાબમાં કહ્યું કે, ’મારાં માતા ભલે અભણ હતા,પરંતુ મને મારી માતાએ નીતિના, સદાચારના, પ્રમાણિકતાના અને કઠોર પરિશ્રમના પાઠ ભણાવ્યા હતા. મારી માતા કહેતા કે,દીકરા ક્યારેય હાથમાં લીધેલું કામ પડતું મૂકતો નહીં અને કામ કરવાથી ક્યારેય થાકતો નહીં.’
તો વળી અબ્રાહમ લિંકન પોતાની માતા વિશે પ્રતિભાવ આપતા કહે છે કે, ’હું જે કંઈ છું અથવા ભવિષ્યમાં જે કાંઈ બનીશ એનો જશ મારી દેવદૂત સમાન માતાને ફાળે જાય છે.હિટલર જેવો ક્રૂર શાસક પોતાની માતાના મૃત્યુ વખતે ધોધમાર રડ્યો હતો.હેલન કેલરને કોઈએ કહ્યું કે,તમે તમારી માતા વિશે કંઈક લખો.’ત્યારે હેલન કેલરનો જવાબ હતો કે, ’માતા વિશે શું લખું ? મારી માતા મારાથી એટલી નીકટ છે કે એનાં વિશે કાંઈ પણ લખવું વિકટ છે.’
માતા વાત્સલ્યમૂર્તિ છે,તો પિતા પ્રેરણામૂર્તિ છે.માતાનો પ્રેમ ચંદ્ર જેવો છે, પિતાનો પ્રેમ સૂર્ય જેવો છે.માતા ધરતી છે,તો પિતા આકાશ છે.રડવા માટે માતાનો ખોળો મળે છે,તો પિતાનો ખભો મળે છે.માતા સત્ય છે,તો પિતા સત્યના સાક્ષી છે. મનુષ્ય જીવનની ત્રણ ફીલિંગ્સ વૃદ્ધત્વની વેક્સિન સમાન છે:ફીલિંગ્સ ઓફ એક્સપ્ટન્સ(સ્વીકાર),ફીલિંગ્સ ઓફ સેટિસફેક્શન (સંતોષ), ફીલિંગ્સ ઓફ ફરગીવનેસ(માફ કરવું).
એક દીકરો તેની પત્નીનો પોતાની મા વિશેનો સતત કકળાટ અને મહેણાં ટોણાં સાંભળી કંટાળી ગયો હતો.પત્ની સતત તેમની માને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે પ્રેશર કર્યાં કરતી હતી.એક દિવસ દીકરો પોતાની માને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે.મુકીને પાછો ઘરે આવે છે,ત્યારે તેની પત્ની ચોધાર આંસુએ રડી રહી હતી.એટલે દીકરાને એમ લાગ્યું કે,હું બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો એટલા માટે તેના વિરહમાં પત્ની રડી રહી છે.આથી દીકરો કહે છે કે તને જો બાનો એટલો બધો અહંગરો લાગ્યો હોય તો ચાલ આપણે વૃદ્ધાશ્રમમાં જઈને બાને મળી આવીએ.બા પણ રાજી થશે.ત્યારે પત્ની કહે છે કે, ’અરે ! હું એટલા માટે નથી રડતી.મારો શેરૂ કૂતરો સવારનો નીકળી ગયો છે.હજુ સુધી મળ્યો નથી.એના વિયોગમાં હું રડું છું.’એવામાં વૃદ્ધાશ્રમમાંથી ફોન આવે છે કે, ’તમારો કૂતરો અહીં વૃદ્ધાશ્રમમાં તમારી બા સાથે ગેલ કરીને રમી રહ્યો છે !’