આ વર્ષે પણ સાતમ-આઠમ, નવરાત્રિને દિવાળીએ કોવિડ-19 તો હશે જ: દોઢ વર્ષે પણ હજી શાળાઓ પૂરી રીતે ખોલી નથી શક્યા!!

ગત વર્ષે માર્ચ-2020થી શરૂ થયેલ કોરોના મહામારી આજે પણ આપણી આસપાસ જ છે તે સૌએ ભૂલવું ન જોઇએ: તહેવાર પ્રિય પ્રજા તમો સાવચેતી રાખજોને બીજાને પણ રખાવશો: સાવચેતી એ જ સલામતી છે

ગત 2020ના માર્ચ મહિનાથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્ર્વ સાથે આપણા દેશને ભરડો લીધો છે, હજારોના મૃત્યુ થયા છે તે કોરોના હજી આપણી આસપાસ જ છે. કેસો ઘટ્યા છે પણ રોજ તેના દર્દીઓ હજી આવી રહ્યાં છે. વિદેશોમાં વાયરસના બદલાતા સ્વરૂપે એક-બે બાદ હવે ત્રીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. આપણે ત્યાં પણ નાની-મોટી શરૂઆત થઇ રહી છે કે હવે આવશે તે આપણે ન ભૂલવું જોઇએ. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ-આઠમ, રક્ષાબંધન, નવરાત્રિ, દિવાળી જેવા વિવિધ આપણાં તહેવારો સાથે કોરોના હશે જ એ ન ભૂલવું જોઇએ. સાવચેતી એ જ સલામતી છે.

છેલ્લા દોઢ વર્ષ બાદ આપણે શાળાઓ પૂર્ણ રીતે ખોલી નથી શક્યા એ જ બતાવે છે કે ગંભીરતા કેટલી છે ? જ્યાં ખોલી છે ત્યાં પણ કેસો આવવાનું શરૂ થતાં બંધ કરવાની નોબત આવી છે. આપણે તહેવાર પ્રિય પ્રજા છીએ તેથી આપણાં કાઠિયાવાડનાં વિવિધ તહેવારોમાં બાળથી મોટેરા હોંશથી જોડાતા હોય છે. શ્રાવણ મહિનો ચાલે છે ત્યારે મંદિરોમાં ભીડ જોવા મળે છે તે એવી જોખમ કારક ન બને તે સૌએ જોવાની જરૂર છે. રોગચાળાના સમયમાં નાગરિકની પણ તેના અંકુશ માટેની ફરજો હોય છે તે નિભાવવી હિતાવહ છે. માસ્ક, હેન્ડવોશ, સામાજીક અંતર જેવી સામાન્ય બાબતથી તમો કોરોનાને હરાવી શકો છો, સરળ છે તેવી દરેકે નિયમો પાળવા જોઇએ.

હવે બધુ ખૂલી ગયું છે, હવે કોરોના ગયો તેવા ખ્યાલે તેની ભયંકરતા ન વધે તે જોવાની સૌની જવાબદારી છે. આ સદીની સૌથી ગંભીર પરિસ્થિતિમાંથી આપણે અત્યારે પસાર થઇ રહ્યાં છીએ. ધંધા-રોજગાર સાથે દરેક સેક્ટરને નાની-મોટી અસર થઇ છે પણ હકિકત સ્વીકારીને સૌએ એકમેકના સથવારે સાંગોપાંગ નિકળવાનું છે. તહેવારો આવેને જાય પણ જીંદગી જ ન હોય તો શું કામનું. તેથી થોડી સાવચેતી તમને પવર્તમાન સમયમાં બચાવી શકે છે. તમો નિયમ પાળોને તમારા પરિવારને નિયમ પળાવો તો જ કોરોના સામેની લડાઇમાં આપણે જીત મેળવી શકીશું.

અત્યારથી જ નવરાત્રિનાં મોટા આયોજકોએ આ વર્ષે પણ ગરબા બંધની જાહેરાત કરી દીધી છે જે એક સારી બાબત છે. અત્યારે તો સમજું નાગરિક જરૂરી કામ સિવાયે ભીડમાં જવાનું ટાળે છે જે એક સારી બાબત છે. બધા જ સમજે છે કે હવે બાળથી મોટેરા કંટાળ્યા છે ને લોકોની માનસિક સ્વસ્થતા પર અસર પડી છે પણ એના સિવાય છૂટકો નથી. સરકાર તેના શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહી છે ત્યારે આપણો સહયોગ અતિ મહત્વનો હોય છે.

આપણે ત્યાં દર માસે એક-બે તહેવારો આવે છે, આપણે ગુજરાતી લોકો આદિકાળથી તેના રંગે રંગાઇ જવા ટેવાયેલા છીએ પણ હવે કોરોના ઇફેક્ટ્સના પગલે બધુ બદલાય ગયું છે. છેલ્લા દોઢ વર્ષમાં આપણા તમામ તહેવારો ક્યારે આવ્યાને ક્યારે ચાલ્યા ગયા તે પણ આપણને ખબર પડી નથી. કંટ્રોલવાળી લાઇફ સાથે હજી આજે પણ કોરોના સાથે લોકોએ જીવતા શીખી લેવું પડશે અન્યથા ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. ઇતિહાસમાં પ્રથમવાર માસ પ્રમોશન બોર્ડની પરિક્ષામાં આપવા પડ્યા તે જ તેની ગંભીરતા બતાવે છે, ઘણા તહેવારો સાથે મેળા પણ બંધ થયા છે. નવ દિવસનો લાંબો તહેવાર નવરાત્રિના ઢોલ ગત વર્ષે અને આ વર્ષે પણ રણકવાના નથી તે નક્કી છે.

લોકડાઉન કાયમી રાખવું શક્ય નથી ત્યારે સાવચેતીથી બધાએ તેની સાથે જીવતા શીખવું પડશે. આપણે બધાએ વાયરસથી બચવા સુરક્ષિત રહેવા અમુક બદલાવ-આદતો પાડવી પડશે. આ વૈશ્ર્વિક બિમારીએ આપણું જીવન સાવ બદલી નાખ્યું છે. કલાક્ષેત્રે, સંગીત કલાકારો, નાટકો જેવા વિવિધ કલાકારો તો કફોળી સ્થિતિમાં મુકાયા છે ત્યારે ખાનગી શાળાનાં શિક્ષકોએ પોતાના ધંધા બદલી નાખ્યા છે. આ સમયે તમે તકેદારી ન રાખો તો બીજાના જીવ જોખમમાં મૂકી દો છો, આ સમયમાં ચેપ લાગતા જરાય વાર લાગતી નથી.

છેલ્લા બે વર્ષના અંદાજી સમયમાં સગાઇ-લગ્ન જેવા શુભપ્રસંગો સાવ રસહિત રીતે બે આંકડાની હાજરીમાં આપણે ઉજવ્યા છે. આજે શનિ-રવિમાં બહાર ફરવા જવાના અભરખા ગંભીર પરિણામો નોતરશે. જ્યાં જુઓ ત્યાં ફરી ભીડના ટોળા શરૂ થઇ ગયા છે જે ત્રીજી લહેરને સામેથી આમંત્રણ આપવા જેવું કામ છે તે ભૂલશો નહીં. કોરોના આપણી તમામ આદતો બદલી નાખી ત્યાં તહેવારોનું શું આવે? વિશ્ર્વભરની અર્થવ્યવસ્થા તબાહ કરી નાંખી છે ને આપણી માનવતાની પણ પરિક્ષા લઇ રહ્યો છે. સદીઓ જૂની નમસ્કારની પરંપરા ફરી શરૂ થઇ ગઇ છે. આપણી ખાન-પાનની આદતો બદલાઇ ગઇને લોકો રોગ પ્રતિકારકશક્તિ વધારવા જાગૃત થઇ ગયા છે.

આગામી તહેવારો ઉજવાય કે ન ઉજવાય પણ આપણે મોબાઇલમાં જુના દ્રશ્યો જોઇને આનંદ જરૂર લઇ શકીએ. મોબાઇલમાં ગરબા વગાડીને ઘરમાં રાસ જરૂરથી રમી શકીએ છીએ. આજે તો ઘરમાં રહે એ જ સુરક્ષિત રહે એવી સ્થિતિ છે. આમંત્રણ આપણને જીવન જીવવા ટકાવી રાખશે. સૌથી ખરાબ સ્થિતી નાના બાળકોની છે તે સંભાળવાની જવાબદારી પરિવારની છે. આજે તો બહાર ફરવા જવાનું કે હોટલમાં જમવા જવાનું ભૂતકાળ બની ગયું છે ને આપણી પાસે સમય જ સમય જ છે!!

આવો…. આ તહેવારોમાં ‘કુછ નયા કરકે જીતે હૈ’ !!

કોરોના હજી આપણી આસપાસ જ છે!!

છેલ્લા દોઢ વર્ષથી આપણે જેની સામે લડાઇ લડી રહ્યા છીએ એ કોવિડ-19 હજી આપણી  આસપાસ જ છે, તે ભૂલવું ન જોઇએ. આપણે ત્યાં દર મહિને એક-બે તહેવારો આવતાં હોવાથી આપણે તેના રંગે રંગાઇ જવાનો થનગનાટ થાય પણ હજી કેસ આવ્યે જ રાખે છે તે એક નગ્ન સત્ય છે. વૈશ્ર્વિક અર્થતંત્રની કમર તોડી નાંખનાર કોરોના મહામારીએ આપણા દેશ કે રાજ્યનાં તમામ સેક્ટરને અસર કરી છે. આજે હવે કેસ ઘટતા લોકો ફરી તેના ઓરીજીનલ કાઠિયાવાડી રંગમાં આવીને ભીડ સાથે બેદરકારી દાખવી રહ્યાં છે જે ગંભીર બાબત છે. હવે દોઢ વર્ષે એક વાત નક્કી છે કે આપણે તેની સાથે જીવતા શીખી લેવું પડશે.

કોરોના અને પ્રતિબંધો વચ્ચે અટવાયેલો મનોરંજન ઉદ્યોગો

ફિલ્મો, ટીવી શ્રેણી, નાટકો, મ્યુઝીકલ ઇવેન્ટ સાથે અંકળાયેલા કલાકારો તથા તે ક્ષેત્રે સંકળાયેલા વિવિધ સ્ટાફોને છેલ્લા દોઢ વર્ષથી કશું જ કામ ન હોવાથી મુશ્કેલીમાં મુકાયા છે. પ્રેક્ષકો વિના સાવ સૂની પડેલી રંગભૂમિ મૂરઝાઇ ગઇ છે. નાટકોમાં જે પાત્ર ભજવ્યા તે વાસ્તવિક જીંદગીમાં ભજવવા પડે છે જે એક કરૂણતા છે. રાત્રે જ આવા કાર્યક્રમો થતાં હોયને રાત્રે કર્ફ્યુ કે લોકડાઉન હોય તો શો કેમ કરવા તે આયોજકોનો મોટો પ્રશ્ન છે. ધીમે-ધીમે હવે શરૂઆત થઇ રહી છે પણ ઓરીજીનલ ઝડપ પકડાઇ તો આ ક્ષેત્રનાં લોકોની ગાડી પાટા ઉપર ચડે એવું છે. કેટલાંય કલાકારોએ પોતાના ધંધા પણ બદલી નાખ્યાં છે.