અંતિમ વર્ષમાં પણ ગ્રાન્ટ વાપરવામાં ૨૧ કોર્પોરેટરો ઊણા ઉતર્યા !!

આવા છે રાજકોટવાસીઓએ ચૂંટેલા જન પ્રતિનિધિઓ

માત્ર ૧૩ કોર્પોરેટરોએ પૂરેપૂરી ૧૫ લાખની ગ્રાન્ટ વાપરી: વોર્ડ નં. ૧૧ના કોંગી કોર્પોરેટર પરેશ હરસોડાએ માત્ર રૂ.૩.૮૨ લાખ જ ખર્ચ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નગરસેવકોને પોતાના વોર્ડમાં વિકાસ કાર્યો માટે વાર્ષિક ૧૫ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ચૂંટણી વર્ષમાં પણ ૭૨ પૈકી ૨૧ કોર્પોરેટર ૧૫ લાખની ગ્રાન્ટ વાપરવામાં ઉણા ઉતર્યા છે.મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વિરોધ પક્ષના નેતાને હોદ્દાની રુએ મળતી વધારાની ગ્રાન્ટ પણ હોદ્દેદારો વાપરી નથી. માત્ર ૧૩ કોર્પોરેટર એવા છે જે મુદત પૂર્ણ થવાની અવધિ સુધીમાં ૧૫ લાખની પૂરેપૂરી ગ્રાન્ટ વિકાસ કાર્યોમાં વાપરી શકાય છે.જે વ્યક્તિને ખોબલા માટે મત આપી પ્રજાએ નગરસેવક બનાવ્યા છે. સામાન્ય રીતે પ્રજાની અપેક્ષા એવી હોય છે કે આ જનપ્રતિનિધિ તેઓની કરશે પરંતુ એક વખત ચૂંટાયા બાદ જાણે જનપ્રતિનિધિઓ પ્રજાને વિસરી જતાં હોય એવું મહેસુસ થઇ રહ્યું છે. અગાઉ નગરસેવકને વાર્ષિક ૧૦ લાખની ગ્રાન્ટ વોર્ડના વિકાસકામોમાં વાપરવા માટે ફાળવવામાં આવતી હતી. ચૂંટણી વર્ષ અર્થાત ચાલુ નાણાકીય વર્ષમાં આ ગ્રાન્ટની રકમ દસ લાખથી વધારી ૧૫ લાખ કરી દેવામાં આવી હતી. પરંતુ મુદત પૂર્ણ થઇ ગયા ત્યાં સુધી ૨૧ નગરસેવકો એવા છે જે પોતાને મળતી ગ્રાન્ટ વાપરી નથી અમુક નગરસેવકોની માત્ર દસ બાર હજાર લેપ્સ જાય છે.

વોર્ડના વિકાસ કામો ન અટકે તે માટે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં સ્ટેન્ડીંગ કમિટી દ્વારા નગરસેવકોને અપાતી વાર્ષિક  રૂપિયા ૧૦ લાખની ગ્રાન્ટ વધારીને રૂ.૧૫ લાખ કરવામાં આવી હતી. મહાપાલિકાના કુલ ૧૩ કોર્પોરેટર એવા છે જે પૂરેપૂરી ૧૫ લાખની ગ્રાન્ટ વાપરી શકાય છે. જેમાં અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, બાબુભાઇ આહીર, વિજયાબેન વાછાણી, રૂપાબેન શીલુ, કમલેશભાઈ મીરાણી, પુષ્કરભાઈ પટેલ, અશ્વિનભાઈ ભોરણીયા, પારૂલબેન ડેર, ઉર્વશીબેન પટેલ, સજુબેન કડોતરા, દલસુખભાઈ જાગાણી અને નિર્મળભાઈ મારું સમાવેશ થાય છે.બીજી તરફ અનેક નગરસેવકો એવા છે જેઓની ગ્રાન્ટ માત્ર બે અંકોમાં જ લેપ્સ જાય છે .જ્યારે ૨૧ કોર્પોરેટરો પોતાના નગર સેવક તરીકેના અંતિમ વર્ષમાં પણ ગ્રાન્ટ વાપરવામાં  નિષ્ફળ રહ્યા છે. જેમાં વોર્ડ નં.૧ના કોર્પોરેટર આશિષભાઈ વાગડિયા, વોર્ડ નં.૬ના કોર્પોરેટર દેવુબેન જાદવ, વોર્ડ નં.૮ના કોર્પોરેટર જાગૃતીબેન ઘાડિયા,રાજુભાઈ અઘેરા અને નીતિનભાઈ ભારદ્વાજ, વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાલા, વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર વસંતબેન માલવી, પરેશભાઈ હરસોડા અને ઘનશ્યામસિંહ જાડેજા  વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર ઉર્વશીબા જાડેજા અને વિજય વાંક, વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર કિરણબેન સોરઠીયા અને ડો.જૈમનભાઈ ઉપાધ્યાય,વોર્ડ નં.૧૫ના કોર્પોરેટર ભાનુબેન સોરાણી, માસુબેન હેરભા અને મકબુલ દાઉદની,વોર્ડ નં.૧૬ના  કોર્પોરેટર રસીલાબેન ગરૈયા, સ્નેહાબેન દવે અને હારૂનભાઇ ડાકોર,વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર ગાયત્રીબેન ભટ્ટ અને વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર જેન્તીભાઈ બુટાણીનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર ૧૧ના કોંગી કોર્પોરેટર પરેશભાઈ હરસોડા કોર્પોરેટર તરીકે મળતી ૧૫ લાખની ગ્રાંટમાંથી મુદત પૂર્ણ થઇ ત્યાં સુધીમાં માત્ર ૩.૮૨ લાખ જ વાપરી શક્યા છે. જ્યારે અનેક કોર્પોરેટર એવા છે જેઓ પોતાની ૧૫ લાખની ગ્રાન્ટમાંથી ૧૪ લાખથી વધુની ગ્રાન્ટ વાપરી ચૂક્યા છે.પાંચ વર્ષમાં એક પણ વર્ષે એવો દાખલો બેઠો નથી કે તમામ નગરસેવકોએ પોતાની ગ્રાન્ટ  પ્રજા હિત માટે વિકાસકાર્યો માટે ખર્ચી હોય.

હોદ્દાની રૂએ મળતી વધારાની ગ્રાન્ટ વાપરવામાં મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન અને વિપક્ષી નેતા પણ ટૂંકા પડ્યા

મહાપાલિકામાં હોદ્દાની રૂએ મેયરને વાર્ષિક વધારાની છ લાખ રૂપિયા, જ્યારે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વિરોધ પક્ષના નેતાને રૂ ૪.૫૦ લાખની વધારાની ગ્રાન્ટ મળે છે. આ ગ્રાન્ટનો ઉપયોગ તે શહેરના કોઇપણ વોર્ડમાં વિકાસ કામો માટે કરી શકે છે. અંતિમ વર્ષમાં મેયર સહિતના ચારેય પદાધિકારીઓને હોદ્દાની રૂએ મળેલી વધારાની ગ્રાન્ટ વાપરવામાં તેઓ ટૂંકા પડ્યા છે. મેયર બીનાબેન આચાર્ય મેયરના હોદાની રુએ તરીકે મળતી વધારાની ૬ લાખની ગ્રાન્ટમાંથી માત્ર ૪.૮૯ લાખ વાપર્યા છે અને ૧.૧૧ લાખની ગ્રાન્ટ લેપ્સ જશે. અશ્વિનભાઈ મોલિયાએ વધારાની રૂ ૪.૫૦ લાખની ગ્રાંટમાંથી ૩.૧૬ લાખ જ ખર્ચ્યા છે અને ૧.૩૪ લાખ હજી વાપર્યા વિનાના પડ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ ૪.૫૦ લાખની ગ્રાંટમાંથી માત્ર ૩.૦૬ લાખની ગ્રાન્ટ જ વાપરી શક્યા છે અને તેઓની પણ ૧.૪૪ લાખની ગ્રાન્ટ લેપ્સ જશે. વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા ગ્રાન્ટ વાપરવામાં સૌથી કંજૂસ સાબિત થયા છે.નેતા વિપક્ષ તરીકે તેઓને મળતી રૂ.૪.૫૦ લાખની વધારાની ગ્રાન્ટમાંથી તેઓ માત્ર ૧.૦૭ લાખ જ ખર્ચી શક્યા છે અને હવે ૩.૪૩ લાખ ગ્રાન્ટ લેપ્સ જાય એવા સંજોગો ઊભા થયા છે પદાધિકારીઓ પોતાને મળતી ગ્રાન્ટ તમામ ૧૮ વર્ષમાં ખર્ચ કરવા માટે માટે મુક્ત હોય છે છતાં એક પણ પદાધિકારી વધારાની ગ્રાન્ટ ખર્ચી શક્ય નથી.