આવા પણ લોભિયા હોય…? રૂ. 8 કરોડની રોલ્સ રોયસ કારના માલિક અને રૂ. 35 હજારની વીજ ચોરીનો કેસ !! 

એક તરફ ગુડ ગવર્નન્સ માટે સરકાર મોટા બણગાં ફુકી રહી છે. ભ્રષ્ટાચાર રોકવા પ્રયાસ કરી રહી છે. ત્યારે ટેક્સ ચોરી(કર ચોરી), વીજ ચોરી તો અન્ય વિભાગ એમ તમામ સ્થળોએ ભરષ્ટાચારના બનાવો વધી રહ્યા છે. એમાં પણ લાલચુ અને લોભિયા લોકોના કારણે સમગ્ર સિસ્ટમ બદનામ થઈ રહી છે. મહારાષ્ટ્રમાં એક એવો કેસ સામે આવ્યો છે કે જેને જાણી તમને પણ થઈ ઉઠશે કે ઓહહો… આવા પણ લોભિયા હોય ? કરોડો રૂપિયાની સંપતિ ધરાવતા લોકો પણ હજાર રૂપિયામાં મોઢું નાખે..!!

આમ જોઈએ તો દેશભરમાં વીજ ચોરીની સમસ્યા સામાન્ય છે. પણ આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં વીજ ચોરીની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. તાજેતરમાં જ મુંબઈને અડીને આવેલા કલ્યાણના શિવસેનાના એક નેતા સામે આશરે 35,000 રૂપિયાની વીજચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે. જે બાદ તેણે દંડની સાથે સાથે બાકી વીજ બિલની બાકીની રકમ ચૂકવવાની રહેશે. એમાં પણ આશ્ચર્યજનક વાત એ છે કે, આ નેતાએ તાજેતરમાં જ આઠ કરોડની રોલ્ય રોયસ કાર ખરીદી છે.

મુંબઈને અડીને આવેલા કલ્યાણના શિવસેના નેતા સંજય ગાયકવાડ સામે મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ દ્વારા ગયા સપ્તાહે કેસ કરવામાં આવ્યો છે. વીજ વિભાગ દ્વારા એમએસઈડીસીએલના એડિશનલ એક્ઝિક્યુટિવ ઇજનેર, અશોક બુંડેની આગેવાની હેઠળ માર્ચ મહિનામાં એક કમિટી બનાવવામાં આવી હતી અને આ કમિટીએ કોલસેવાડી વિસ્તારમાં જ્યારે સંજય ગાયકવાડની માલિકીની જગ્યાઓ પર તપાસ કરી તો ત્યાં વીજ ચોરી થઈ રહી હોવાનુ બહાર આવ્યુ હતુ.

જેમાં તેમના પર 35000 રુપિયાનુ વીજ બિલ નહીં ભરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અને તેમને બિલની સાથે સાથે 15000 રુપિયાનો દંડ ભરવા માટે પણ જણાવાયુ હતું. આ પછી એમ.એસ.ઇ.ડી.સી.એલ. તરત જ ગાયકવાડને 34,840 રૂપિયાનું બિલ મોકલ્યું અને 15,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. આ ઉપરાંત વીજ વિભાગે છેલ્લા ત્રણ મહિનાથી ગાયકવાડને ચુકવણી ન કરવા અંગે મહાત્મા ફુલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

એમએસઇડીસીએલના પ્રવક્તા વિજયસિંહ દુધાભાતે કહે છે કે એફઆઈઆર નોંધાયા બાદ ગાયકવાડે સોમવારે આખા બિલની રકમ તેમજ દંડ ચૂકવ્યો હતો. દૂધાભતે કહ્યું છે કે વીજ ચોરીના કેસમાં મહત્તમ ત્રણ વર્ષ કેદની સજા અથવા દંડ અથવા બંને થઈ શકે છે. બીજી તરફ, ગાયકવાડે પોતાનો બચાવ કરતાં કહ્યું છે કે રાજ્ય વિજળી વિતરણ કંપનીએ તેમની સામે ખોટી ફરિયાદ નોંધાવી છે. તેઓ કહે છે કે જો તેઓએ વીજળી ચોરી કરી છે, તો પછી તેમના મીટરને સાઇટ પર કેમ દૂર કરવામાં આવ્યાં નથી.