યુનિવર્સિટીના ક્વાર્ટરોનો પણ અધરો અધર વહીવટ !

કોની મહેરબાનીથી કોન્ટ્રાકટબેઈઝ કર્મચારીને ક્વાર્ટર ફાળવાયું ? 

રૂપા‘ણી’-પેથા‘ણી’-દેસા‘ણી’ અને ભીમા‘ણી’ વચ્ચે  કોણે આ‘ણી’ નાખી ?

યુનિવર્સિટીનો આંતરીક વિખવાદ ચરમસીમાએ

કોને અંધારામાં રાખી યુનિવર્સિટીના આકાઓ મનમાનીથી વહીવટ કરે છે ?

એક સમયની એ-વન યુનિવર્સિટીને કોને ડીગ્રેડ કરવામાં રસ ?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ કનુભાઈ માવા‘ણી’ના પ્રયાસથી યુનિવર્સિટીને એ-વન ગ્રેડ કરી દીધી હતી અને આજે આ જ એ-વન બનાવેલી માવાણીની યુનિવર્સિટીને કોણે આ‘ણી’ નાખી ? યુનિવર્સિટીમાં ગ્રેડ લેવા માટે શિક્ષણને ન શોભે તેમ રાજકીય અખાડા વચ્ચારે વિશેષ સુવિધા સાથે ગ્રેડ મેળવવા માટે ખેલ રચાયો હતો જેનું બીલ પણ આશરે 1 લાખ જેવું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખાતે મંડાવાની તજવીજ ચાલી રહી છે તો આ પ્રકરણ વચ્ચે વધુ એક પ્રકરણ યુનિવર્સિટીના ક્વાર્ટરને લઈને બહાર આવ્યું છે. આમ જોવા જઈએ તો યુનિવર્સિટીમાં સ્ટાફ કવાર્ટર ફક્ત કાયમી કર્મીઓ માટે પુરતા ન હોય ત્યારે કોન્ટ્રાકટબેઈઝ કર્મચારીઓને અધરો-અધર ચોપડે નોંધાયા વગર ક્વાર્ટર છેલ્લા ત્રણ માસથી બે મહિલા કર્મીઓને ફાળવી દેવાયા છે. આ કોન્ટ્રાકટબેઈઝના કોન્ટ્રાકટમાં કોણે કોન્ટ્રાકટ બારોબાર કરી પોતાની પરીચીત (માનીતી) એવી કોન્ટ્રાકટબેઈઝ કર્મીને રહેવા ફાળવી દીધુ ?  આ કવાર્ટર બાબતે વીસી અંધારામાં છે કે, વીસીને કોઈ અંધારામાં રાખી રહ્યું છે ? અને જો વીસી અંધારામાં હોય તો પીવીસી બિચારા બાપડાની ક્યાંથી ચાંચ ડુબે અને રૂપા‘ણી’ને પણ સબ સલામત છે તેવો હાશકારો કે હોશકારો દઈ સબ સલામતના નારા સાથે કોણ આ યુનિવર્સિટીમાં ખદબદતી ગંદકીને દૂર કરશે ? આજે મહાનગરથી લઈ ગ્રામ્ય સુધીના કાદવમાં કમળ ખીલી ગયું છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખદબદતા કાદવમાં ક્યારે કમળ ખીલશે અને ક્યારે યુનિવર્સિટીના નાકને ‘નેક’ તળે રગદોળી લેવાના પાપમાંથી મુક્તિ મળશે ?