• ગાંધીનગરમાં સોમવારે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટમેન્ટ મીટ અને એકસ્પોનું ઉદ્ઘાટન કરશે
  • અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રોના બીજા ફેઝનો શુભારંભ કરાવશે: જીએમડીસી મેદાનમાં જંગી જાહેરસભા સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલથી ત્રણ દિવસ માટે માદરે વતન ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. સતત ત્રીજી વખત દેશની શાસનધૂરા સંભાળ્યા બાદ પ્રથમ વખત ગુજરાતમાં આવી રહેલા રાજ્યના પનોતા પુત્રને ઉમળકાભેર આવકારવા રાજ્યની જનતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. સોમવારે પીએમ અમદાવાદમાં રોડ-શો કરશે અને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જંગી જાહેર સભા સંબોધશે.

આવતીકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું બપોરે 4:30 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે. ત્યાંથી તેઓ વડસર એરફોર્સ સ્ટેશને જશે જ્યાં તેઓ નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મૂલાકાત લેશે. નરેન્દ્રભાઇ રાત્રિ રોકાણ ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે કરશે. જ્યાં તેઓ અલગ-અલગ બેઠકો યોજે તેવી પણ સંભાવના જણાય રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા આયોજિત ચોથી રિ-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ 16થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે સવારે 10:00 થી 11:00 દરમ્યાન ઉદ્ઘાટન સત્ર સાથે આ કાર્યક્રમની શરૂઆત થશે, જેમાં અન્ય મહાનુભાવો પણ હાજર રહેશે. ત્યારબાદ પ્લેનરી અને સમાંતર સત્રો યોજાશે, જેમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં ગ્રીન હાઈડ્રોજનની ભૂમિકાને વેગ આપવો અને અપતટીય અને તટવર્તી પવન ઊર્જા (ઓફશોર અને ઓનશોર વિન્ડ એનર્જી)ને મુખ્ય પ્રવાહમાં લાવવી વગેરે જેવા વિષયોને આવરી લેવામાં આવશે. એ પછી સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાત્રિ ભોજન સાથે દિવસનું સમાપન થશે.

17મી સપ્ટેમ્બરે, ગુજરાતના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સમિટમાં મુખ્ય સંબોધન કરશે. તેઓ ભારતના પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં રાજ્યના નેતૃત્વ પર ભાર મૂકશે અને પવન અને સૌર ઊર્જા પ્રોજેક્ટના વિસ્તરણ માટે ગુજરાતની વ્યૂહરચનાઓની ચર્ચા કરશે. તેઓ દેશના ઊર્જા ક્ષેત્રે પરિવર્તન લાવવા માટેના લક્ષ્યોને સમર્થન આપવામાં ગુજરાતની ભૂમિકા પણ દર્શાવશે. આ સત્ર ગુજરાતની નીતિઓ અને સ્વચ્છ ઊર્જામાં રોકાણની તકોની વ્યાપક સમજ પ્રદાન કરે તેવી અપેક્ષા છે. ત્યારબાદ સમગ્ર ભારતમાં નવીનીકરણ ઊર્જાનું ભૌગોલિક વિસ્તરણ અને ઉભરતી તકનીકો જેવા વિષયોને પણ આવરી લેવામાં આવશે. આ દિવસે પ્લેનરી સત્ર અને ત્યારબાદ સંસાધન કાર્યક્ષમતા, બાયોએનર્જી અને ક્ષમતા નિર્માણ પર સમાંતર સત્રો પણ યોજાશે.

ત્રીજા દિવસે યોજાનારા સત્રોમાં 2070 સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાનું ભારતનું લક્ષ્ય અને નવીનીકરણ ઊર્જામાં ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા પર ચર્ચા કરવામાં આવશે. બાયોએનર્જી, બેટરી એનર્જી સ્ટોરેજ અને હાઈડ્રોપાવર પર પણ અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની હાજરીમાં સમાપન સત્ર યોજાશે, જે બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાત્રિભોજન સાથે આ સમિટનું સમાપન થશે.

સમિટ નવીનીકરણ ઊર્જા ક્ષેત્રે પરિવર્તન લાવવામાં મજબૂત ભૂમિકા ભજવી રહી છે. આ સમિટની પ્રથમ આવૃત્તિ ફેબ્રુઆરી 2015માં નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. ગુજરાત પુન:પ્રાપ્ય ઊર્જા પહેલો અને નવીનતામાં અગ્રેસર રાજ્ય તરીકે જાણીતું છે. આ સમિટ ઉદ્યોગના અગ્રણીઓ માટે સહયોગ, આંતરદ્રષ્ટિનું આદાનપ્રદાન અને નવીનીકરણ ઊર્જામાં રોકાણની તકો શોધવા માટે મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ બનશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સોમવારે બપોરે 1:30 કલાકે ગાંધીનગર-અમદાવાદ વચ્ચે દોડનારી મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપશે. તેઓ ગાંધીનગર સેક્ટર-1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી પણ કરશે.

અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે  મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે શુભારંભ કરવામાં આવશે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વાજબી બનશે.

આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. તેના લીધે કર્મચારીઓ અને પ્રવાસીઓને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. આ ફેઝ 21 કિલોમીટરનો છે જેમાં શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે. આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે.

મોટેરાથી મેટ્રો સીધી ગાંધીનગરના આઠ સ્ટેશન પર દોડશે. જેમાં જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી અને સેક્ટર-1નો સમાવેશ થાય છે.

મેટ્રોના ફેઝ-2 પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ.5,384 કરોડ છે, જેમાં એએફડી અને કેએફડબલ્યૂ જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓમાંથી ફન્ડીંગ લેવામાં આવ્યું છે. આ નાણાકીય જોગવાઇ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સ્થાનિક આર્થિક વિકાસને વેગ આપવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ રૂટના લીધે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટે છે. ઉદાહરણ તરીકે, હવે પ્રવાસીઓ એપીએમસી(વાસણા)થી ગિફ્ટ સિટી સુધી એક કલાકની અંદર માત્ર રૂ.35ના ખર્ચે પહોંચી શકે છે.

ત્યારબાદ બપોરે 3:30 કલાકે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે. નરેન્દ્રભાઇ સોમવારે અમદાવાદમાં દુરદર્શન ટાવરથી જીએમડીસી સુધી વિશાળ રોડ-શો યોજશે. ત્યારબાદ જીએમડીસી મેદાન ખાતે જાહેર સભાને સંબોધશે. જેના માટે ત્રણ વિશાળ વોટર પ્રૂફ ડોમ બનાવવામાં આવ્યા છે. સોમવારે રાત્રિ રોકાણ પણ પીએમ રાજભવન ખાતે કરશે. જ્યારે મંગળવારે સવારે 9 કલાકે અમદાવાદથી ભૂવનેશ્ર્વર ખાતે જવા રવાના થશે.

પીએમ મોદી આજે જમ્મુમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી જમ્મુ-કાશ્મીરમાં તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. પીએમ મોદી ડોડા જિલ્લામાં રેલી કરશે, જે છેલ્લા ચાર દાયકામાં કોઈ વડાપ્રધાનની પ્રથમ રેલી હશે. આ ઐતિહાસિક કાર્યક્રમ ડોડા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં યોજાશે અને પીએમ ચિનાબ ઘાટીના 8 વિધાનસભા ઉમેદવારો માટે મત માંગશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.