સ્થાનિક માર્કેટ ભલે મંદુ હોય પણ યુરોપ, યુકે અને યુએસથી ડેનિમ જીન્સ માટે ધડાધડ આવતા ઓર્ડરો 

વૈશ્વિક કક્ષાએ ડેનિમની લાઉ લાઉ : ગુજરાતની મિલોને બખ્ખા 

દેશમાં ડેનિમ ઉત્પાદનનો 60% હિસ્સો ધરાવતી ગુજરાતની 25 મિલોની નિકાસમાં કોરોનાની બીજી લહેર બાદ જબબર ઉછાળો

ભારતના હરીફ એવા ચીનને વિશ્વના અનેક દેશોએ વ્યાપારમાં સાઈડલાઇન કર્યું તેનો ફાયદો ગુજરાતની મિલોને થયો

અબતક, રાજકોટ : વૈશ્વિક કક્ષાએ ડેનિમની લાઉ લાઉથી ગુજરાતની મિલોને બખ્ખા થઈ ગયા છે.સ્થાનિક માર્કેટ ભલે મંદુ હોય પણ યુરોપ, યુકે અને યુએસથી ડેનિમ જીન્સ માટે ધડાધડ ઓર્ડરો મળી રહ્યા હોય દેશમાં ડેનિમ ઉત્પાદનનો 60% હિસ્સો ધરાવતી ગુજરાતની 25 મિલોની નિકાસમાં કોરોનાની બીજી લહેર બાદ જબબર ઉછાળો નોંધાયો છે. ભારતના હરીફ એવા ચીનને વિશ્વના અનેક દેશોએ વ્યાપારમાં સાઈડલાઇન કર્યું તેનો ફાયદો ગુજરાતની મિલોને થઇ રહ્યો છે.

કોરોનાની બીજી લહેરના કારણે સ્થાનિક વેચાણમાં મંદી હોવા છતાં, ડેનિમ ફેબ્રિકના વેચાણને નિકાસ બજારમાંથી પુષ્કળ પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે. સતત વધતી માંગને કારણે ગુજરાતની મિલોમાં ઉત્પાદનમાં વધારો થયો છે.  દેશની કુલ ડેનિમ ઉત્પાદન ક્ષમતાના 60% સાથે ગુજરાતને દેશની ડેનિમ રાજધાની ગણવામાં આવી રહી છે.

ઉત્પાદકોને વધુ સારી કિંમત પણ મળી રહી છે, જે માર્જિન નુકશાનની ભરપાઈ કરવામાં મદદ કરી રહી છે. આનું કારણ યુરોપ, યુકે, યુએસના મુખ્ય બજારોમાં રિટેલરો ઓનલાઇન અને ઓફલાઇન રીતે ધોમ વેચાણ કરી રહ્યા છે. દેખીતી રીતે, ડેનિમ ફેબ્રિકનું ઉત્પાદન કરતા મોટા ઉત્પાદકોએ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં તેમની આવકમાં નોંધપાત્ર ઉછાળો નોંધાવ્યો હતો.

કોવિડ -19 રોગચાળા પછી, વિશ્વભરના ઉત્પાદકો ચીનના વિકલ્પો શોધી રહ્યા છે.  ડેનિમ ઉત્પાદકો સૂચવે છે કે ગુજરાત અને ભારત ડેનિમનું મેન્યુફેક્ચરિંગ હબ હોવાને કારણે લાભ મેળવશે.  ડેનિમ કન્સલ્ટન્ટ પીઆર રોયે જણાવ્યું હતું કે, “તેના વિશાળ ઉત્પાદન સ્કેલને જોતા ચીન એક પ્રબળ ઉત્પાદક છે. જો કે, તાજેતરમાં અમેરિકા અને કેટલાક યુરોપીયન દેશો દ્વારા ચીનના ઝિજિયાંગ પ્રાંત – ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ હબ પર લાદવામાં આવેલા પ્રતિબંધો, માનવ અધિકારોના ઉલ્લંઘનના અહેવાલોને ટાંકીને,  બ્રાન્ડોએ ભારત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આમ, ગુજરાતમાં ડેનિમ ઉત્પાદકોને વધુ નિકાસ ઓર્ડર મળવા લાગ્યા છે.

ડેનિમ ઉત્પાદકો સૂચવે છે કે 2021-22 ના બીજા ક્વાર્ટરથી, એટલે કે જુલાઈથી, માંગ ફરી એક વખત વધી રહી છે.  કોવિડના કેસોમાં ઘટાડો થયો છે અને તહેવારોની મોસમ નજીક છે. જેથી ડેનિમની માંગ વધી છે. લાઈફ સ્ટાઇલ ફેબ્રિકના આમિર અખ્તરે જણાવ્યું હતું કે, “ડેનિમ કેઝ્યુઅલ લાઇફસ્ટાઇલ માટે સંપૂર્ણપણે અનુકૂળ છે. તેની આરામની ગુણવત્તા, ઓછી જાળવણી, સુગમતા અને વર્સેટિલિટીને જોતા, ડેનિમ એ વર્ક ફ્રોમ હોમ અને કેઝ્યુઅલ વસ્ત્રો માટે પસંદગીનું ફેબ્રિક છે, જે બદલામાં તેની માંગને વધારે છે.

માત્ર પેન્ટ જ નહીં, પણ જિન્સના જેકેટ, શર્ટ, ટોપ, કુર્તિનો પણ ક્રેઝ વધ્યો

પહેલાના સમયમાં માત્ર જિન્સના પેન્ટનો જ ક્રેઝ હતો. પણ હવેના સમયમાં જિન્સની અનેકવિધ પ્રોડક્ટ બની રહી છે. હાલના સમયમાં જિન્સના જેકેટ, શર્ટ, ટોપ, કુર્તિ તેમજ આંતરિક પહેરવેશનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેને કારણે પણ જીન્સની ડિમાન્ડમાં ખૂબ નોંધપાત્ર વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે જીન્સના પેન્ટ ઉપરાંતના વસ્ત્રોનો ટ્રેન્ડ માત્ર કોઈ દેશ પૂરતો નહિ પણ વૈશ્વિક છે.

કોરોનાએ 1/3 અમેરિકનોની કમરની સાઈઝ બદલી નાખી, જેના કારણે પણ ડેનિમની માંગ વધી

ડેનિમની નિકાસ માંગમાં વધારો થવાનું બીજું કારણ અમેરિકનોની બદલાતી કમર છે.વૈશ્વિક ડેનિમ એપેરલ ઉત્પાદક માટે હાથ ધરવામાં આવેલા સર્વેને ટાંકીને દાવડાએ જણાવ્યું હતું કે, “ઓછામાં ઓછા એક તૃતીયાંશ અમેરિકનોએ રોગચાળાના 15 મહિના પછી કમરનું કદ બદલ્યું છે-જેમાં વધારો અને ઘટાડો બંનેનો સમાવેશ થાય છે. આવી ઘટના લોકોને તેમના વોર્ડરોબને સુધારવા માટે મજબૂર કર્યા છે.અને  વધુ ખરીદી કરવામાં આવી છે. જેના કારણે ડેનિમની માંગ એમેરિકામાં ખૂબ વધી છે.