Abtak Media Google News

કોર્પોરેશન સંચાલિત હાઇસ્કુલના ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓનું સન્માન ગણવેશનું વિતરણ કરાયું

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત હાઈસ્કુલના ધોરણ-10 અને ધોરણ-12ના ટોપ-10 તેજસ્વી તારલા વિદ્યાર્થીઓનું સન્માન તથા ગણવેશ વિતરણ કાર્યક્રમ અને મહાપાલિકામાં પ્રથમ નિમણૂક પામનાર કર્મચારીઓને નિમણૂકપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે આજનો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને પોતાનું ધ્યેય નક્કી કરવાનો છે. વિદ્યાર્થીએ પોતે ભવિષ્યમાં શું બનવું તેનું ધ્યેય નક્કી હોવું જોઈએ. ભણવામાં પરિશ્રમ કરવાથી દરેક ધ્યેય સિધ્ધ થાય છે. જો કોઈ વિદ્યાર્થી આઇએએસ કે આઇપીએસ બનવાનો ધ્યેય નક્કી કરે છે અને તે દિશામાં નિષ્ઠાપૂર્વક મહેનત કરે છે તો ભગવાન પણ તેનો સાથ આપે છે. આજે શિક્ષકદિન છે અને આજના દિવસનો મુખ્ય ઉદેશ્ય પણ વિદ્યાર્થીના જીવનનો ધ્યેય પૂર્ણ કરવાનો છે. વિદ્યાર્થીને માતા-પિતા અને શિક્ષકનો પ્રેમ અને હુંફ વિદ્યાર્થીઓની કારકીર્દિ આગળ વધારવામાં ખુબ ઉપયોગી બને છે.

dress vitran

આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવએ જણાવ્યું હતું કે આજનો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં રહેલી આવડતનું સન્માન કરવાનો છે. એક વિદ્યાર્થી કે જેના બંને હાથ પગ કામ નથી કરતા અને રોજીંદી દિનચર્યા માટે તેના માતા-પિતા પર આધારિત છે તેવા દિવ્યાંગ વિદ્યાર્થીએ પણ પોતાની લગન અને મહેનતથી બોર્ડમાં તૃતીય ક્રમાંક મેળવ્યો છે. તે વિદ્યાર્થી પાસેથી ઘણું શીખવા જેવું છે. આજે જે વિદ્યાર્થીઓએ ટોપ-10માં સ્થાન મેળવ્યું છે તેઓ આવનારા સમયમાં સમગ્ર બોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરે તેવી આશા છે.

મહાપાલિકા તરફથી શિક્ષણને લગતી તમામ સુવિધાઓ આપવામાં આવશે. કોરોનાના કપરા કાળમાં પણ અમારી શાળાના શિક્ષકો ઘરે જઈને શિક્ષણ આપતા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સારી શાળા, સારું મેદાન, સારી લેબોરેટરી, વિવિધ સ્પોર્ટ્સ સંકુલો વગેરેની શ્રેષ્ઠ સુવિધાઓ આપવામાં આવે છે. આજના વિદ્યાર્થીઓ રાજકોટનું ભવિષ્ય છે કે જેઓ શ્રેષ્ઠ નાગરિક, શ્રેષ્ઠ અધિકારી બને તેવી અમારી શુભેચ્છા છે. કોઇપણ વિદ્યાર્થીને નાની કે મોટી અગવડ પડે તો વિના સંકોચે સીધો જ અમારો સંપર્ક કરી શકે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, શ્રેષ્ઠ શિષ્યવૃતિ આપવામાં આવે છે અને આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ ઉત્તરોતર શ્રેષ્ઠ સુવિધાઓ આપવામાં આવશે. આવનારા સમયમાં બોર્ડમાં ટોપ રેન્કમાં આવતા વિદ્યાર્થીઓમાં મારા કોર્પોરેશનની શાળાના વિદ્યાર્થીઓ હશે. તેવી આશા રાખું છું.

આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત જુદીજુદી શાળાઓમાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓમા ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરેલ હોય તેવા ટોપ-10 મેઘાવી છાત્રોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તથા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવેલ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના છાત્રોને ગણવેશ વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમ દરમ્યાન હાજર રહેલ અન્ય વિદ્યાર્થીઓને સખત મહેનત કરવા માટે પ્રેરણા મળે તે હેતુથી સફળ વિદ્યાર્થીઓએ વ્યક્તિગત પ્રતિભાવ રજુ કરેલ.

વિશેષમાં, આ પ્રસંગે મહાપાલિકામાં પ્રથમ નિમણૂક પામનાર વર્ક આસીસ્ટન્ટ, આસીસ્ટન્ટ એન્જીનીયર અને એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર સહિત એમ 23 નવનિયુક્ત કર્મચારીઓને મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે પ્રથમ નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર  અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શાપર-વેરાવળ ઇન્ડ.એસો.ના પ્રમુખ રમેશભાઈ ટીલાળા, પરસાણા ઇન્ડસ્ટ્રીઝના શંભુભાઈ પરસાણા, રોલેક્ષ રીંગ્સ લી.ના મનીષભાઈ માડેકા તેમજ શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા અને માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતી ચેરમેન ભાવેશભાઈ દેથરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.