પરવડે તેવી સારવાર મેળવવાનો દરેકને મૂળભૂત અધિકાર: સુપ્રીમ

હાલનો સમય કોરોના સામેનું ‘ત્રીજુ વિશ્ર્વ યુધ્ધ’ છે

માસ્ક સહિતના નિયમોનો કડક અમલ કરાવવા સુપ્રીમની રાજયોને તાકીદ: હોસ્પિટલોમાં મ્યુ. તંત્ર માટે અનામત બેડ રખાવો

દેશભરમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતુકે અત્યારનો સમય કોરોના સામેના જંગનો છે.આ સમય કોરોના સામેનું ‘ત્રીજુ વિશ્ર્વ યુધ્ધ’ છે. હાલના સમયમાં પરવડે તેવી સારવાર મેળવવાનો દરેકને મૂળભૂત અધિકાર છે તેમ સુપ્રીમ કોર્ટે ઠરાવી માસ્ક પહેરવા સહિતના નિયમોનો કડક અમલ કરાવવા તંત્રને તાકિદ કરી છે.

કોરોના સમયેનો જંગ લડવા વહીવટી તંત્ર સાથે લોકોના સહયોગ પણ જરૂરી છે. વહીવટી તંત્રે વધુને વધુ ટેસ્ટ કરાવવા જોઈએ અને લોકો બેદરકાર ન બને અને સાવચેત રહે તે માટે કોરોના રોગચાળા અંગેની વિગતો સમય સમય પર જાહેર કરવી જોઈએ.

જયાં જરૂર પડે ત્યાં સત્તા તંત્રે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ કોર્પોરેટ કે ખાનગી હોસ્પિટલોમાં ૫૦ ટકા અથવા અમુક ટકા બેડ મ્યુ. તંત્ર માટે અનામત રાખવા આદેશ કરવો જોઈએ અને તેનો અમલ પણ કરાવવો જોઈએ આ માટે જરૂરી દેખભાળ માટે તંત્રે વ્યવસ્થા પણ કરવી જોઈએ.

શાક માર્કેટ, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ વગેરે જેવા સ્થળોએ જયાં લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હોય ત્યાં માસ્ક પહેરવાના નિયમોનો કડક અમલ કરાવવા માટે જરૂર પડયે પોલીસનો ઉપયોગ કરવો જોઈએ ખાસ વ્યવસ્થા કરવી જોઈએ.

આ ઉપરાંત શાક માર્કેટ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વગેરે સ્થળે માસ્ક, સેનીટાઈઝેશનનો કડક અમલ કરાવવો જોઈએ અને આવા સ્થળો રાત્રી દરમિયાન સપ્તાહના અંતિમ દિવસોમાં કફર્યું જેવા નિયંત્રણો લાદવા જોઈએ તેમ સુપ્રીમે જણાવ્યું હતુ.

આ ઉપરાંત કોઈપણ સંજોગોના દિવસનાં સમયે પણ કોઈ ઉજવણી કે સંમેલનો માટે કલેકટર વહીવટી તંત્રે કે પોલીસ આપવી જોઈએ નહી અને આપવી પડે તો જિલ્લા પોલીસ વડા કે સ્થાનિક પોલીસ તંત્રે કોરોના માર્ગદર્શક સુચનાઓનું કડક પાલન કરાવવું જોઈએ. આવા કાર્યક્રમોમાં કેટલા લોકો ભાગ લેવાના છે તેની સંખ્યા પર નિયંત્રણ રાખવું જોઈએ અને તેનો કડક અમલ કરાવવો જોઈએ.

ચૂંટણીમાં સભા, સંમેલનોમાં પંચના અને કોરોનાના નિયમોનો કડક અમલ કરવા તાકીદ

આગામી વર્ષમાં કેટલાક રાજયોમાં યોજાઈ રહેલી ચૂંટણીઓ અંગે રાજકીય પક્ષો દ્વારા રેલી સહિતના કાર્યક્રમો યોજાવાના છે ત્યારે સુપ્રીમે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સંમેલનો, સભા, રેલી વગેરેમાં કોરોના અંગેના નિયમોના કડક અમલ કરવા તેમજ ચૂંટણી પંચની માર્ગદર્શિકા સુચનોનો અમલ કરવા તંત્ર કેવા પગલા લેશે એ અંગે ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવા પણ તાકીદ કરી છે. આ ઉપરાંત ભૂતકાળમાં હોસ્પિટલમાં આગના બનાવ અંગે ધડો લઈ ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે યોગ્ય તકેદારી રાખવા દરેક કોવિડ હોસ્પિટલમાં નોડલ અધિકારી મૂકવા પણ સુપ્રીમે આદેશ કર્યો હતો.