Abtak Media Google News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે આરએસએસના 96માં સ્થાપના દિવસ પર  નાગપુરમાં શસ્ત્રપૂજા સાથે કર્યું સંબોધન

જનસંખ્યા નીતિ પર એકવાર ફરીથી વિચાર કરવો જોઈએ, આગામી 50 વર્ષ સુધીનો વિચાર કરીને નીતિઓ બનાવી તે નીતિને બધા પર સમાન રીતે લાગૂ કરવી જોઈએ : ભાગવત

અબતક, નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે આરએસએસના 96માં સ્થાપના દિવસ પર આજે નાગપુરમાં શસ્ત્રપૂજા કરી અને સ્વયંસેવકોને સંબોધન કર્યું. આ કાર્યક્રમમાં ઈઝરાયેલી મહાવાણિજ્યદૂત કોબી શોશાની પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભાગવતે ડો.કેશવ બલિરામ હેડગેવાર અને માધવ સદાશિવ ગોલવલકરને પુષ્પાંજલિ પણ આપી હતી.

સ્વયંસેવકોને સંબોધિત કરતી વખતે મોહન ભાગવતે કહ્યું કે ‘જે દિવસે આપણે આઝાદ થયા તે દિવસે આઝાદીના આનંદની સાથે આપણે એક અત્યંત અસહ્ય વેદના પણ આપણા મનમાં અનુભવ કરી. તે દર્દ હજુ પણ ગયું નથી. આપણા દેશના ભાગલા પડ્યા. અત્યંત દુ:ખદ ઈતિહાસ છે, પરંતુ તે ઈતિહાસના સત્યનો સામનો કરવો જોઈએ, તેને જાણવો જોઈએ.’

મોહન ભાગવતે વધુમાં કહ્યું, ‘જે શત્રુતા અને અલગાવના કારણે વિભાજન થયું તેનું પુનરાવર્તન કરવાનું નથી. પુનરાવર્તન  ટાળવા માટે, આપણી ખોવાયેલી અખંડિતતા અને એકાત્મતાને પાછી મેળવવા માટે તે ઈતિહાસને બધાએ જાણવો જોઈએ. ખાસ કરીને નવી પેઢીએ જાણવો જોઈએ. ખોવાયેલું પાછું આવી શકે, વિખુટા પડેલા ખોવાયેલાને પાછા ગળે લગાવી શકીએ.’

Mohan Bhagavat 1

આરએસએસ પ્રમુખે કહ્યું કે ‘વિશ્વને ખોવાયેલું સંતુલન અને પરસ્પર મિત્રતાની ભાવનારા આપનારા ધર્મનો પ્રભાવ જ ભારતને પ્રભાવી કરે છે. આમ ન થઈ શકે એટલે ભારતની જનતા, ઈતિહાસ, સંસ્કૃતિ આ બધાની વિરુદ્ધ અસત્ય કુત્સિત પ્રચાર કરતા, વિશ્વને તથા ભારતના લોકોને પણ ભ્રમિત કરવાનું કામ ચાલી રહ્યું છે.’

મોહન ભાગવતે કહ્યું કે જનસંખ્યા નીતિ પર એકવાર ફરીથી વિચાર કરવો જોઈએ. 50 વર્ષ આગળ સુધીનો વિચાર કરીને નીતિઓ બનાવવી જોઈએ અને તે નીતિને બધા પર સમાન રીતે લાગૂ કરવી જોઈએ. જનસંખ્યાનું અસંતુલન દેશ અને દુનિયામાં એક સમસ્યા બની રહી છે.

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે સરહદ પારથી ગેરકાયદેસર ઘૂસણખોરી પર સંપૂર્ણ રીતે અંકુશ લગાવવો જોઈએ. રાષ્ટ્રીય નાગરિક પત્રિકાનું નિર્માણ કરીને આ ઘૂસણખોરોને નાગરિકતાના અધિકારોથી વંચિત કરવા જોઈએ. અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિને લઈને તાલિબાન વિશે પણ ટીપ્પણી કરી છે.

પોતાના સંબોધનમા તાલિબાનથી સાવધાન રહેવાનુ જણાવ્યુ છે. તાલિબાન વિશે વધુ વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે પાકિસ્તાન અને ચીન તેમની સાથે છે. તાલિબાન બદલાયુ હશે પણ પાકિસ્તાન બદલાયુ છે ખરુ?  ચીન બદલાયુ છે ખરુ?  આપણે સાવધાની રાખવી જોઈએ, સીમા સુરક્ષા વધુ ચોકસાઈયુક્ત હોવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે હિન્દી તિથિ મુજબ વિજયાદશમીના દિવસે જ વર્ષ 1925માં આરએસએસની સ્થાપના થઈ હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.